Canada: ટોરોન્ટોમાં ભારત-કેનેડા વચ્ચે પ્રથમ આર્થિક નાણાકીય સંવાદ શરૂ, આ ક્ષેત્રોમાં બંને દેશ વચ્ચે સહયોગની સંભાવનાઓ

📅 Published: August 27, 2026 | 📂 Category: India National

કેનેડાના ટોરોન્ટોમાં ભારત અને કેનેડા વચ્ચે પ્રથમ આર્થિક અને નાણાકીય સંવાદની શરૂઆત થઈ છે. ભારત તરફથી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેનેડા તરફથી નાણામંત્રી તથા નેશનલ રેવન્યુ મંત્રી ફ્રાંસ્વા-ફિલિપ શેમ્પેન સંવાદનું નેતૃત્વ કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધારાના પ્રયાસો વચ્ચે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ભારત-કેનેડા સંબંધોને લઈને આશાવાદ વ્યક્ત કર્યો

બેઠક દરમિયાન નિર્મલા સીતારમણે ભારત-કેનેડા સંબંધોને લઈને આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના નેતૃત્વમાં બંને દેશોના સંબંધોમાં ‘રીસેટ’ બાદ ઉચ્ચ સ્તરીય બેઠકો અને સંપર્કમાં વધારો થયો છે. હવે પ્રથમ આર્થિક નાણાકીય સંવાદ શરૂ થઈ રહ્યો છે, જે બંને દેશો વચ્ચે સહયોગને નવી દિશા આપી શકે છે.

વૈશ્વિક અનિશ્ચિતતા સતત યથાવત

સીતારમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં વૈશ્વિક અનિશ્ચિતતા સતત યથાવત છે. આવી સ્થિતિમાં ભારત અને કેનેડા જેવી અર્થવ્યવસ્થાઓ વૈશ્વિક વિકાસમાં વધુ સ્થિરતા અને વિશ્વસનીયતા લાવી શકે છે. બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવાથી વૈશ્વિક સપ્લાય ચેઇનમાં આવતા અવરોધોનો સામનો કરવામાં પણ મદદ મળી શકે છે.

સહયોગથી લોકોની ખરીદ શક્તિ મજબૂત થઈ શકે

તેમણે ખાસ કરીને ખાદ્ય સુરક્ષા, ઊર્જા સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રમાં ભારત અને કેનેડા વચ્ચે સહયોગની સંભાવનાઓ પર ભાર મૂક્યો. બંને દેશો મહત્વપૂર્ણ કોમોડિટીઝના વૈશ્વિક સોર્સિંગમાં એક જ સ્થળ પર નિર્ભરતા ઘટાડવા માટે સાથે મળીને કામ કરી શકે છે.

સીતારમણે કહ્યું કે ભારત-કેનેડા સહયોગથી લોકોની ખરીદ શક્તિ મજબૂત થઈ શકે છે અને સપ્લાય ચેઇનમાં આવતા આંચકાઓનો સામનો કરવાની ક્ષમતા વધશે. આ સંવાદ બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અને ભવિષ્યના સહયોગ માટે નવી તકો ઊભી કરવામાં મહત્વપૂર્ણ બની શકે છે.

આ પણ વાંચો : Nepal Flood : અમદાવાદ-વડોદરા સહિત સુરતના પણ 3 લોકો નેપાળ પૂરમાં થયા ગુમ, માહિતી આપનારનો ફોન પણ બંધ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *