Car-Bike Insurance: કાર-બાઇક વીમાધારકો ધ્યાન આપો! 15 ડિસેમ્બરથી બદલાશે પોલિસીના નિયમો

📅 Published: November 18, 2026 | 📂 Category: Business

હવે કાર કે બાઇકનો વીમો લેતી વખતે માત્ર કોમ્પ્રિહેન્સિવ પોલિસી ખરીદવી પૂરતી નહીં રહે. અકસ્માતમાં કયા પ્રકારના નુકસાન સામે સુરક્ષા જોઈએ છે, તે પણ નક્કી કરવું પડશે. ભારતીય વીમા નિયામક અને વિકાસ સત્તામંડળ (IRDAI) 15 ડિસેમ્બરથી ખાનગી કાર અને ટુ-વ્હીલર માટે મોટર વીમાનું નવું માળખું લાગુ કરવાની તૈયારીમાં છે.

આ નવી વ્યવસ્થામાં વીમાને ચાર અલગ-અલગ ભાગમાં વહેંચવામાં આવશે. દરેક કવરનું પ્રીમિયમ અલગ દર્શાવવામાં આવશે અને ગ્રાહકે ઓપ્શન ફોર્મ ભરીને પોતાની પસંદગી જણાવવી પડશે. ઓનલાઇન પોલિસી ખરીદતી વખતે OTP દ્વારા સંમતિ આપવી પડશે.

આ ફેરફારની સીધી અસર વાહનમાલિકો પર પડશે. હવે માત્ર ઓછું પ્રીમિયમ જોઈને પોલિસી ખરીદવાને બદલે કયું કવર લેવાથી અકસ્માત બાદ કયા પ્રકારના નુકસાનની ભરપાઈ વીમા કંપની પાસેથી મળી શકશે તે સમજવું જરૂરી બનશે.

15 ડિસેમ્બરથી શું બદલાવા જઈ રહ્યું છે?

હાલમાં મોટાભાગના વાહનમાલિકો થર્ડ પાર્ટી અથવા કોમ્પ્રિહેન્સિવ વીમાના નામે પોલિસી ખરીદે છે. ઘણી વખત તેમને સ્પષ્ટ જાણકારી હોતી નથી કે પોલિસીમાં મુસાફરો, વાહનમાલિક અને પોતાના વાહનને થતા નુકસાન સામે સુરક્ષા સામેલ છે કે નહીં.

નવી વ્યવસ્થામાં તમામ કવર અલગ-અલગ દર્શાવવામાં આવશે. ગ્રાહકો પોતાની જરૂરિયાત પ્રમાણે વૈકલ્પિક કવર પસંદ કરી શકશે. તેમાં વીમાધારકે સ્પષ્ટ જણાવવું પડશે કે તે કયા જોખમો સામે સુરક્ષા ઇચ્છે છે અને કયા કવર લેવા માગતો નથી.

નવી વીમા વ્યવસ્થાને ચાર ભાગમાં સમજો
1. થર્ડ પાર્ટી કવર: અન્ય વ્યક્તિને નુકસાન થાય તો મળશે સુરક્ષા

આ વીમો ફરજિયાત છે. જો તમારી કાર કે બાઇકથી થયેલા અકસ્માતમાં અન્ય વ્યક્તિનું મૃત્યુ થાય, તેને ઈજા પહોંચે અથવા તેની મિલકતને નુકસાન થાય તો તેના સંબંધિત કાનૂની વળતરની જવાબદારી આ કવર હેઠળ આવે છે. થર્ડ પાર્ટી વીમા વિના જાહેર સ્થળે વાહન ચલાવવું કાયદેસર માન્ય નથી.

2. મુસાફરો અને કર્મચારીઓની કાનૂની જવાબદારી: વધારાનું પ્રીમિયમ ચૂકવીને મળશે કવર

આ વૈકલ્પિક કવર રહેશે. તેમાં વાહનમાં મુસાફરી કરતા લોકો, પાછળ બેઠેલી વ્યક્તિ અને પોલિસીધારકના કર્મચારીઓ પ્રત્યે વાહનમાલિકની કાનૂની જવાબદારી સામે સુરક્ષા મળશે. આ કવર માટે અલગ પ્રીમિયમ ચૂકવવું પડશે. જોકે વાહનમાલિક, તેનાં માતા-પિતા, પતિ કે પત્ની અને બાળકોને આ કવરમાં સામેલ કરવામાં આવ્યા નથી.

3. વ્યક્તિગત અકસ્માત વીમો: વાહનમાલિક માટે જરૂરી, કેટલાકને મળશે છૂટ

નોંધાયેલા વાહનમાલિક માટે વ્યક્તિગત અકસ્માત કવર ફરજિયાત રહેશે. વાહનમાં સવાર અન્ય લોકો માટે આ કવર વૈકલ્પિક રાખવામાં આવ્યું છે. જો વાહન કોઈ કંપની કે પેઢીના નામે નોંધાયેલું હોય તો માલિક માટે આ ફરજિયાત કવર લાગુ નહીં પડે. અગાઉથી વ્યક્તિગત અકસ્માત વીમો ધરાવતા વાહનમાલિકને નિર્ધારિત શરતો હેઠળ આ કવર ન લેવાનો વિકલ્પ મળી શકશે. એકથી વધુ વાહન ધરાવતા વ્યક્તિને આ કવર માત્ર એક વાહન માટે મળશે.

4. પોતાના વાહનને થતા નુકસાનનું કવર: અલગ પ્રીમિયમ ચૂકવવું પડશે

આ પણ વૈકલ્પિક કવર રહેશે. અકસ્માતમાં પોતાની કાર કે બાઇકને નુકસાન થાય તો તેની ભરપાઈ મેળવવા માટે આ કવર લેવું પડશે. તેનું પ્રીમિયમ થર્ડ પાર્ટી અને અન્ય કવરથી અલગ દર્શાવવામાં આવશે. ગ્રાહકો પોતાની જરૂરિયાત અને બજેટ પ્રમાણે આ કવર પસંદ કરી શકશે.

ગ્રાહકોએ હવે શું કરવું પડશે?

– વીમો ખરીદતી વખતે ઓનલાઇન અથવા ઓફલાઇન ઓપ્શન ફોર્મ ભરવું પડશે.

– દરેક કવરની સામે પોતાની પસંદગી નોંધાવવી પડશે.

– ઓનલાઇન પોલિસી ખરીદતી વખતે OTP દ્વારા સંમતિ આપવી પડશે.

– વીમા કંપનીએ પોલિસી સાથે ગ્રાહક માહિતી પત્રક આપવું પડશે.

– ઓપ્શન ફોર્મ પોલિસીનો જ ભાગ ગણાશે, તેથી તેની એક નકલ સાચવી રાખવી જરૂરી રહેશે.

– વીમા સુગમ પ્લેટફોર્મ પર પણ નવી પોલિસી ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા રહેશે.

શું જૂની પોલિસીમાં પણ નવું કવર ઉમેરી શકાશે?

હા. જે વાહનમાલિકો પાસે પહેલેથી થર્ડ પાર્ટી વીમો છે, તેઓ પોલિસીની સમયમર્યાદા દરમિયાન વધારાનું પ્રીમિયમ ચૂકવીને મુસાફરો અને કર્મચારીઓની કાનૂની જવાબદારીનું કવર ઉમેરી શકશે.

આ માટે જે વીમા કંપનીએ હાલની પોલિસી આપી છે તેનો સંપર્ક કરવો પડશે. વધારાનું કવર જોખમ પૃષ્ઠાંકનમાં નોંધાયેલી તારીખ અને સમયથી અમલમાં આવશે. આ માટે જૂની પોલિસી રદ કરાવવાની જરૂર નહીં પડે.

અકસ્માત થાય તો ક્લેમ પર શું અસર પડશે?

નવી વ્યવસ્થામાં ક્લેમ વખતે વીમા કંપની તપાસશે કે અકસ્માતમાં કયા પ્રકારનું નુકસાન થયું છે અને વાહનમાલિકે તે નુકસાન સામેનું કવર લીધું છે કે નહીં. ઉદાહરણ તરીકે, કારમાં બેઠેલા મુસાફરને ઈજા થાય તો માત્ર થર્ડ પાર્ટી અથવા પોતાના વાહનના નુકસાનનું કવર હોવાથી મુસાફરનો ક્લેમ આપમેળે મંજૂર નહીં થાય.

વાહનમાલિકોએ આ પાંચ બાબતોનું ધ્યાન રાખવું

1. માત્ર ઓછું પ્રીમિયમ જોઈને વીમા પોલિસી ખરીદશો નહીં.

2. થર્ડ પાર્ટી અને પોતાના વાહનના નુકસાનના કવર વચ્ચેનો તફાવત સમજો.

3. પરિવારના સભ્યો અને અન્ય મુસાફરોને મળતી સુરક્ષાની શરતો જરૂર વાંચો.

4. અગાઉથી વ્યક્તિગત અકસ્માત વીમો હોય તો નવા કવરમાંથી છૂટ મળવાની પાત્રતા તપાસો.

5. ઓપ્શન ફોર્મ, પ્રીમિયમની રસીદ અને પોલિસીની નકલ સાચવી રાખો.

આ પણ વાંચો :Appleથી Microsoft સુધી, બેંકો અને એરલાઇન્સની સિસ્ટમ ઠપ! દુનિયાની ડિજિટલ વ્યવસ્થામાં કેવી રીતે મચી અફરાતફરી?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *