Chhath Puja 2026 : PM મોદીએ પાઠવી છઠ પર્વની શુભેચ્છાઓ,કહ્યું- દૃઢ સંકલ્પ અને આધ્યાત્મિક સાધનાનો અદ્ભુત સંગમ

📅 Published: November 16, 2026 | 📂 Category: India National

લોક આસ્થા અને સૂર્ય ઉપાસનાના મહાપર્વ છઠની દેશભરમાં ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થઈ છે. ચાર દિવસ સુધી ચાલતી આ કઠિન તપસ્યાના છેલ્લા દિવસે વહેલી સવારે ભક્તોએ ઉગતા સૂર્યને ‘ઉષા અર્ઘ્ય’ અર્પણ કર્યું હતું. આ સાથે જ વ્રતધારીઓએ ૩૬ કલાકના નિર્જળા ઉપવાસનું પારણાં કરીને સમાપન કર્યું હતું. બિહારની રાજધાની પટના સહિત દેશભરના વિવિધ શહેરોમાં નદીઓ અને જળાશયોના ઘાટ પર અદ્ભુત અને ભવ્ય નજારો જોવા મળ્યો હતો.

PM મોદીએ દેશવાસીઓને પાઠવી હાર્દિક શુભેચ્છાઓ

આ પવિત્ર અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને છઠી મૈયાને પ્રાર્થના કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, “છઠના મહાન તહેવારની ચાર દિવસીય વિધિ આજે ઉગતા સૂર્ય દેવને અર્ઘ્ય અર્પણ સાથે પૂર્ણ થઈ છે. પ્રકૃતિને સમર્પિત આ દિવ્ય તહેવારમાં દૃઢ નિશ્ચય અને આધ્યાત્મિક સાધનાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે. હું છઠી મૈયાને પ્રાર્થના કરું છું કે તેઓ દેશભરના તમામ ભક્તો તેમજ આપણા પરિવારના દરેક સભ્ય પર તેમના વિશેષ આશીર્વાદ બનાવી રાખે.”

નહાય ખાયથી થાય છે પર્વની શરૂઆત

અત્રે ઉલ્લેખનીય છે કે, છઠ મહાપર્વની શરૂઆત ‘નહાય-ખાય’થી થઈ હતી. આ તહેવાર દરમિયાન, પીએમ મોદીએ અગાઉ સાંજના અર્ઘ્ય પર પણ દેશવાસીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, પ્રકૃતિની ઉપાસના માટે સમર્પિત આ પવિત્ર પ્રસંગ સૌના જીવનમાં નવી જાગૃતિ અને ઉર્જા લાવે છે તથા સમાજમાં સંવાદિતા અને એકતાને વધુ મજબૂત કરે છે. ભગવાન સૂર્યની કૃપા દરેકના જીવનને પ્રકાશિત કરે તેવી કામના સાથે તેમણે “જય જય છઠી મૈયા!” ના નારા સાથે શુભકામનાઓ પાઠવી હતી.

ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાની ઝાંખી

સોમવારે વહેલી સવારે, છેલ્લા દિવસે, દેશના ખૂણે-ખૂણેથી ભક્તો નદીઓ અને તળાવોના પાણીમાં ઊભા રહીને સૂર્યની પહેલી કિરણની રાહ જોતા નજરે પડ્યા હતા. 36 કલાકથી નિર્જળ ઉપવાસ કરી રહેલી મહિલાઓ અને વ્રતધારીઓએ પોતાના સંતાનો, પરિવારની સુખાકારી, સમૃદ્ધિ અને દીર્ઘાયુ માટે સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી હતી. ચાર દિવસ સુધી ચાલનાર આ મહાપર્વમાં શ્રદ્ધાળુઓએ અખંડ આસ્થા અને કઠિન પરિશ્રમ સાથે પૂજા-અર્ચના કરી હતી, જેણે ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાની સુંદર ઝાંખી કરાવી છે.

આ પણ વાંચોઃ IndiGo Airlines: મુસાફર 1 મિનિટ મોડો પડ્યો તો એન્ટ્રી બંધ કરી, પણ ફ્લાઇટ 13 મિનિટ વહેલી ઊપડી ગઈ! ઇન્ડિગોના આ કેવા નિયમો?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *