છોટાઉદેપુર જિલ્લામાં ખનીજ સંપત્તિ ગણાતી રેતીના ગેરકાયદે ખનન સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં રેતીની ભારે માંગને કારણે રેતી માફિયાઓ બેફામ બન્યા છે અને જિલ્લાની વિવિધ નદીઓમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં ઘણી બધી રેતીની લીઝો સત્તાવાર રીતે બંધ હોવા છતાં ખાનગીમાં બેરોકટોક ખનન ચાલતું હોવાની બાતમી પ્રાંત અધિકારી (SDM) ને મળી હતી. આ બાતમીના આધારે પ્રાંત અધિકારીએ શીહોદ ગામ પાસેથી પસાર થતી ભારજ નદીના પટમાં અચાનક દરોડો (રેડ) પાડ્યો હતો.
ટ્રેક્ટરમાં રેતી ભરી રહેલા તત્વોમાં મચી ગઈ ભાગદોડ
પ્રાંત અધિકારીની આગેવાનીમાં પોલીસ અને વહીવટી ટીમ અચાનક ભારજ નદી પર ત્રાટકતા જ ગેરકાયદેસર રીતે ટ્રેક્ટરોમાં રેતી ભરી રહેલા ખનનકર્તાઓ અને માફિયાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. અધિકારીએ સ્થળ પર જ તપાસ હાથ ધરીને ગેરકાયદે રેતી ખનન કરતા બે ટ્રેક્ટરોને રંગેહાથ ઝડપી લીધા હતા. અચાનક થયેલી આ સરપ્રાઈઝ વિઝિટના કારણે રેતી ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
એસડીએમ દ્વારા કાયદેસરની દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ
સ્થળ પરથી ગેરકાયદે રેતી ભરેલા અને પરિવહન માટે વપરાતા બે ટ્રેક્ટર જપ્ત કરીને એસડીએમ દ્વારા પોલીસ અને માઇનિંગ વિભાગની મદદથી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરતા તત્વોમાં હાહાકાર મચી ગયો છે, અને આગામી દિવસોમાં પણ આ પ્રકારે દરોડાની કાર્યવાહી ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
