ChhotaUdepur News : પાલિકામાં નવા પ્રમુખની વરણીના 3 દિવસમાં ભાજપમાં ભડકો, કામગીરી સામે અસંતોષ ચરમસીમાએ

📅 Published: October 22, 2026 | 📂 Category: gujarati-news

 છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4ની ખાલી પડેલી બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર રજનીબેન રાઠવા વિજયી બન્યા હતા. આ ચૂંટણી પરિણામ બાદ નગરપાલિકાના સુકાની તરીકે રજનીબેન રાઠવાની વરણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્રણ દિવસ અગાઉ જ તેમને સર્વાનુમતે નગરપાલિકાના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.જોકે પ્રમુખ પદની આ વરણીના ગણતરીના કલાકોમાં જ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં અંદરોઅંદર અસંતોષની જવાળાઓ ભભૂકી ઊઠી હતી. 

પાલિકાના કેટલાક સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી

રજનીબેન રાઠવા પ્રમુખ બનતાની સાથે જ ભાજપ શાસિત પાલિકાના કેટલાક સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી હતી.ત્રણ દિવસ પહેલાં જે પ્રમુખને સર્વાનુમતે ટેકો આપીને સત્તા સોંપવામાં આવી હતી.તે જ પ્રમુખ સામે ખુલ્લો મોરચો મંડાતા સ્થાનિક શાસનમાં માથાકૂટ શરૂ થઈ છે.પક્ષના આંતરિક મતભેદો સપાટી પર આવતાં જ છોટાઉદેપુરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.નવનિયુક્ત પ્રમુખની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરીને પાલિકાના 17 જેટલા સદસ્યોએ એકત્ર થઈને સીધો જ ચીફ ઓફિસરને સંબોધીને એક પત્ર સુપરત કર્યો છે.આ પત્રમાં સહી કરનારા સભ્યોનું સમીકરણ અત્યંત ચોંકાવનારું અને સૂચક બની રહ્યું છે.પત્રમાં ભારતીય જનતા પાર્ટીના પોતાના મેન્ડેટ પર ચૂંટાયેલા 6 સભ્યો,અગાઉ અન્ય પક્ષમાંથી ભાજપમાં ભળેલા 10 સભ્યો અને એક કોંગ્રેસના સભ્ય મળીને કુલ 17 સભ્યોએ સહી કરી છે. 

પાંચ જેટલા મહત્વના મુદ્દાઓનો સ્પષ્ટ ઉલ્લેખ 

ભાજપના પોતાના જ 6 સભ્યો તેમજ અન્ય પક્ષમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા 10 સભ્યો સાથે વિપક્ષ કોંગ્રેસના એક સભ્યનું આ સંયુક્ત જોડાણ પાલિકામાં શાસક પક્ષના આંતરિક વિખવાદની ગંભીરતા દર્શાવે છે.ચીફ ઓફિસરને સંબોધીને લખાયેલા આ પત્રથી પાલિકાનું શાસન બે જૂથો વચ્ચે સ્પષ્ટપણે વહેંચાઈ ગયું છે. પોતાના જ પક્ષના ચૂંટાયેલા સાથીઓ દ્વારા વિરોધનો સૂર ઉઠાવવામાં આવતાં શાસક જૂથમાં મોટો ભૂકંપ સર્જાયો છે. ચીફ ઓફિસરને આપવામાં આવેલા આ સહીવાળા પત્રમાં મુખ્યત્વે પાંચ જેટલા મહત્વના મુદ્દાઓનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

ભાજપમાં આંતરિક વિખવાદ ખુલ્લેઆમ ચર્ચાનો વિષય

પત્રમાં કરવામાં આવેલી મુખ્ય રજૂઆત અનુસાર,બહુમતી સભ્યોની પૂર્વ મંજૂરી લીધા વગર નગરપાલિકાના કોઈપણ નાણાકીય બિલો મંજૂર કરવા નહીં તેવી કડક તાકીદ કરવામાં આવી છે.આ ઉપરાંત અગાઉ ભરતી કરવામાં આવેલા કર્મચારીઓને કોઈપણ સંજોગોમાં નોકરીમાંથી છૂટા નહીં કરવાનો મુદ્દો પણ પત્રમાં ભારપૂર્વક ઉઠાવાયો છે.વહીવટી અને નાણાકીય નિર્ણયોમાં મનસ્વી વલણ ન અપનાવવા બાબતે પાંચ મુદ્દા આધારિત આ પત્ર ચીફ ઓફિસરને અપાતાં જ સત્તાપક્ષના બે જૂથો વચ્ચેનો ઘર્ષણ ચરમસીમાએ પહોંચી ગયો છે.નવા પ્રમુખ બન્યાના માત્ર ત્રણ જ દિવસમાં શાસક પક્ષના સભ્યો વચ્ચે જન્મેલા આ તીવ્ર આંતરિક વિરોધના કારણે છોટાઉદેપુર નગરપાલિકાનું સમગ્ર રાજકારણ અત્યંત ગરમાઈ ગયું છે અને ભાજપમાં આંતરિક વિખવાદ ખુલ્લેઆમ ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: તલાટી અને નાયબ મામલતદારોની દિવાળી બગડશે, ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની તૈયારી શરૂ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *