CMના લોકાર્પણના 2 મહિના બાદ પણ મનપાના પાર્ટી-પ્લોટ પર તાળાબંધી:માંડ વીજ કનેક્શન મળ્યું તો હવે ભાડુ નક્કી કરવામાં ઠાગાઠૈયા, બુકિંગ ખોલવા રાજકોટ મનપાની મંજૂરીની રાહ

📅 Published: November 11, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ મનપા દ્વારા નાગરિકોની સુવિધા માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સૌપ્રથમ પાર્ટી પ્લોટનું બે મહિના પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે લોકાર્પણ થયું હતું. જોકે તેને બે મહિના જેટલો લાંબો સમય વીતી જવા છતાં હજુ સુધી તે પ્રજાના ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી. આ પાર્ટી પ્લોટમાં મહામહેનતે વીજળીનું કનેક્શન આવી ચૂક્યું છે પરંતુ, ભાડા નક્કી કરવાનાં બાકી હોવાથી બુકીંગ શરૂ કરવામાં આવ્યું નથી. બીજી તરફ મનપાનાં તમામ કોમ્યુનિટી હોલ અત્યારથી જ બુક થઈ ચૂક્યા હોવાથી આગામી સિઝન માટે લોકો મસમોટા ભાડા ખર્ચી ખાનગી પાર્ટી પ્લોટ કે કોમ્યુનિટી હોલ ભાડે રાખવા મજબૂર બન્યા છે. જોકે મનપાનાં પાર્ટી પ્લોટનું બુકીંગ દિવાળી બાદ શરૂ થવાની શકયતા એસ્ટેટ વિભાગના મેનેજર મેહુલ ગાંધીએ વ્યક્ત કરી છે. સામાન્ય પરિવારોની માંગને પગલે ₹2 કરોડના ખર્ચે આકાર પામ્યો પ્રોજેક્ટ
પ્રાપ્ત વિગત મુજબ ખાનગી પાર્ટી પ્લોટના અસહ્ય અને આસમાને પહોંચેલા ભાડા સામાન્ય પરિવારોને જરાય પોસાતા ન હોવાથી, લાંબા સમયથી મનપા કોમ્યુનિટી હોલની જેમ વ્યાજબી દરના પાર્ટી પ્લોટ પણ ઉભા કરે એવી માંગ લોકોમાં ઉઠી હતી. જેને ધ્યાનમાં રાખીને જ ગત વર્ષના બજેટમાં ત્રણેય ઝોનમાં એક-એક પાર્ટી પ્લોટ બનાવવાની ખાસ જોગવાઈ કરવામાં આવી હતી. આ પૈકી કાલાવડ રોડ ઉપર તાલુકા પોલીસ સ્ટેશનની સામે રંગોલી પાર્ક સામેની જગ્યામાં અંદાજે 2 કરોડના ખર્ચે અત્યાધુનિક પાર્ટી પ્લોટનું નિર્માણ કરી આશરે બે મહિના પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ઈ-લોકાર્પણ કરાયું હતું. વીજ કનેક્શન મળ્યું પણ ભાડું અને નિયમો નક્કી ન થતાં તાળાબંધી
જોકે હકીકત એ છે કે આજદિન સુધી સામાન્ય જનતાને આ પાર્ટી પ્લોટનો એક પણ ફાયદો મળ્યો નથી. તંત્રની ઉદાસીનતા અને બેદરકારીનું સ્તર એવું રહ્યું કે અત્યાર સુધી આ પ્લોટમાં પ્રાથમિક જરૂરિયાત ગણાતું વીજ જોડાણ સુદ્ધાં મળતું ન હતું. હવે માંડ વીજ કનેક્શન મળ્યું છે, પરંતુ સામે નવી મુશ્કેલી એ ઊભી થઈ છે કે હજુ સુધી પાર્ટી પ્લોટનું ભાડું, જુદી-જુદી સુવિધાઓના ચાર્જ, ડિપોઝિટ અને બુકિંગની પ્રક્રિયા અંગેની કોઈ ચોક્કસ દર નીતિ મનપા દ્વારા નક્કી જ કરવામાં આવી નથી. આ પ્લોટનું ભાડું અને બુકિંગ અંગેની ફાઇનલ દરખાસ્ત તૈયાર થઈને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે જશે, ત્યારબાદ જ આ પાર્ટી પ્લોટનું અધિકૃત બુકિંગ સામાન્ય લોકો માટે ઓપન થઈ શકશે. લગ્નગાળા પૂર્વે મનપાના હોલ હાઉસફુલ
ડિસેમ્બર મહિનામાં લગ્નસરાની ધૂમ સિઝન શરૂ થવા જઈ રહી છે. અને મનપાના તમામ કોમ્યુનિટી હોલ અત્યારથી જ હાઉસફૂલ થઈ ચૂક્યા છે, ત્યારે આવા કપરા ટાણે જો તંત્ર આ પાર્ટી પ્લોટ વહેલી તકે કાર્યરત નહીં કરે તો જનતાએ જવું ક્યાં? તે મોટો પ્રશ્ન છે. આ સંજોગોમાં સામાન્ય લોકો મસમોટા ભાડા ખર્ચી ખાનગી પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલ ભાડે રાખવા મજબુર બન્યા છે. મનપા દ્વારા વોર્ડ નં. 2માં HCG હોસ્પિટલ રોડ પર પણ અન્ય એક પાર્ટી પ્લોટનું કામ મહદઅંશે પૂરું થઈ ચૂક્યું છે, ત્યારે શાસકો આ બંને પ્લોટનું સંચાલન તત્કાલ શરૂ કરે તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે. દિવાળી બાદ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળતાં બુકિંગ શરૂ કરાશે
આ અંગે એસ્ટેટ વિભાગના મેહુલ ગાંધીએ દિવ્યભાસ્કર સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રંગોલી પાર્ક નજીક બનેલા પાર્ટી પ્લોટનું મુખ્યમંત્રીના હસ્તે બે મહિના પહેલાં લોકાર્પણ થઈ ગયું હતું પરંતુ, હજી સુધી તે ખુલ્લો મુકાયો નથી. રાજકોટ મહાનગરપાલિકા પાસે કુલ 33 કોમ્યુનિટી હોલ છે, તે જુદા-જુદા 23 સ્થળ પર આવેલા છે. આ કોમ્યુનિટી હોલનું એપ્રિલ સુધીમાં એટલે કે ટૂંકમાં પહેલી એપ્રિલ સુધીનાં 531 બુકિંગ થઈ ગયા છે. આમાં લોકોને ફાયદો એટલા માટે વધારે થઈ ગયો છે કે લોકો 180 દિવસની મર્યાદામાં બુકિંગ કરી શકે છે માટે એ લોકો એડવાન્સથી નિશ્ચિંત થઈ ગયા છે કે એમનું બુકિંગ થઈ ગયું છે અને હવે આ જ હોલમાં એમનો પ્રસંગ થવાનો છે. 2,000થી 35,000 રૂપિયા સુધીનું ભાડું, કેન્સલેશન પર નવું બુકિંગ શક્ય
વધુમાં તેમણે જણાવ્યું કે, દરેક કોમ્યુનિટી હોલ વાઈઝ એનું ભાડું નિયત થયેલું છે, જેમાં 2000થી માંડીને 35,000 રૂપિયા સુધીનું આપણું કોમ્યુનિટી હોલનું ભાડું છે. દરેક કોમ્યુનિટી હોલમાં મોસ્ટ ઓફમાં કિચન હોય છે અને ટોયલેટ ને એ બધું હોય જ છે પણ કિચન અને વોશ એરિયા અને AC જેવી સુવિધાઓ અમુક કોમ્યુનિટી હોલમાં છે અને એનો ઉપયોગ પણ લોકો સારી રીતે કરે છે. અત્યારે તો કોર્પોરેશનના બધા હોલમાં બુકિંગ થઈ ગયું છે. હવે આ કિસ્સામાં જે કોઈપણને પ્રસંગ કેન્સલ થાય તો એ લોકો જો ડેટ કેન્સલ કરાવે તો એ ઓટોમેટિક ઓપન થઈ જશે અને એમાં બીજા લોકો પોતાની તારીખ સિલેક્ટ કરીને બુકીંગ કરી શકશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *