મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જનસંપર્કનો નવો અભિગમ અપનાવી 18થી 20 નવેમ્બર દરમિયાન દાહોદ જિલ્લાના આદિજાતિ વિસ્તાર ગરબાડાના અંતરિયાળ ગામોની ત્રણ દિવસીય મુલાકાતે જશે. આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ત્રણેય દિવસ આદિવાસી પરિવારોના ઘરે ભોજન લેશે અને તેમના ઘરે જ રાત્રિ રોકાણ કરશે. આ ઉપરાંત ગ્રામજનો સાથે સીધો સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળશે. મુખ્યમંત્રીના આ 72 કલાકના પ્રવાસની શરૂઆત ગરબાડામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને થશે. ત્યાર બાદ તેઓ વિવિધ અંતરિયાળ ગામોની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન આદિવાસી પરિવારોની રહેણી-કરણી, જીવનશૈલી અને સ્થાનિક પરિસ્થિતિઓને નજીકથી સમજવાનો પ્રયાસ કરશે. આદિવાસી પરિવારો સાથે જ ભોજન અને રાત્રિ રોકાણ
પ્રવાસની ખાસિયત એ છે કે મુખ્યમંત્રી કોઈ સરકારી ગેસ્ટહાઉસ કે સર્કિટ હાઉસને બદલે અદના આદિવાસી પરિવારોના ઘરે રાત્રિ રોકાણ કરશે. ત્રણેય દિવસ અલગ-અલગ આદિવાસી પરિવારો સાથે બેસીને પરંપરાગત ભોજન પણ લેશે. મુખ્યમંત્રીના રાત્રિ રોકાણ દરમિયાન સ્થાનિક આદિવાસી ભજન મંડળીઓ દ્વારા પરંપરાગત ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવશે. ધાનપુરમાં વિકાસકાર્યોની સમીક્ષા, બાબા ઘોડાજા કુંવર દેવનાં દર્શન
મુખ્યમંત્રી આ પ્રવાસ દરમિયાન ધાનપુર તાલુકામાં જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરીને વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરશે. આ ઉપરાંત આદિવાસી સમાજના આસ્થાકેન્દ્ર સમાન બાબા ધોડાજા દેવમંદિરમાં દર્શન અને પૂજન પણ કરશે. દાહોદની સરકારી લાયબ્રેરીમાં બાળકો-યુવાનો સાથે સંવાદ
ત્રણ દિવસીય પ્રવાસના અંતિમ તબક્કામાં મુખ્યમંત્રી સ્માર્ટ સિટી દાહોદની સરકારી લાયબ્રેરી અને વાંચનાલયની મુલાકાત લેશે. અહીં બાળકો અને યુવાનો સાથે સંવાદ ગોષ્ઠિ યોજીને તેમની સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરશે. ત્યાર બાદ 20 નવેમ્બરે બપોર બાદ તેઓ ગાંધીનગર પરત ફરશે. આ પ્રવાસનો મુખ્ય હેતુ અંતરિયાળ આદિજાતિ વિસ્તારોના લોકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાનો, તેમની સમસ્યાઓ સમજવાનો અને સરકારી યોજનાઓ, વિકાસકાર્યોનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે.
CM ભૂપેન્દ્ર પટેલ 72 કલાક આદિવાસીઓ સાથે રહેશે:18થી 20 નવેમ્બર દાહોદના અંતરિયાળ ગામોની મુલાકાત લેશે, આદિવાસી પરિવારોના ઘરે રોકાણ-ભોજન અને સંવાદના કાર્યક્રમો
📅 Published: November 17, 2026 |
📂 Category: gujarati-news
