CMIE Data: ભારતમાં રોજગાર દર કોરોના પછીના સૌથી નીચા સ્તરે

📅 Published: November 10, 2026 | 📂 Category: Business

ભારતમાં રોજગારની સ્થિતિને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. ઓક્ટોબર 2026માં દેશમાં બેરોજગારીનો દર વધીને 4.7% થયો છે. સપ્ટેમ્બરમાં આ દર 4% હતો, જે નવ વર્ષનું સૌથી નીચું સ્તર હતું. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના આંકડા પ્રમાણે, એક મહિનામાં બેરોજગારીમાં વધારો થયો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને મહિલાઓમાં બેરોજગારી વધતાં આ સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. ઓક્ટોબરમાં દેશમાં વાસ્તવિક રોજગારમાંથી આશરે 5 લાખનો ઘટાડો થયો હતો અને રોજગારી ધરાવતા લોકોની સંખ્યા ઘટીને 44.95 કરોડ થઈ હતી. જોકે, આ સમયગાળામાં રોજગારમાં થતો ઘટાડો અસામાન્ય નથી. સૌથી વધુ ચિંતા રોજગાર દરમાં સતત ઘટાડાને લઈને છે. 

રોજગાર દર કોરોના પહેલાના સ્તરથી પણ નીચે

CMIEના કન્ઝ્યુમર પિરામિડ્સ હાઉસહોલ્ડ સર્વે પ્રમાણે, દેશમાં રોજગાર દર સપ્ટેમ્બરના 39.4%થી ઘટીને ઓક્ટોબરમાં 39.3% થયો છે. જાન્યુઆરી 2020માં કોરોના મહામારી શરૂ થઈ તે પહેલાં આ દર 39.7% હતો. એટલે કે હાલનો રોજગાર દર કોરોના પહેલાંના સ્તર કરતાં પણ નીચે પહોંચી ગયો છે. રોજગાર દર એટલે કુલ વસ્તીમાં રોજગારી ધરાવતા લોકોનું પ્રમાણ. આ આંકડો ઘટવાનો અર્થ એ છે કે વસ્તીની સરખામણીએ નોકરી કે કામ ધરાવતા લોકોનો હિસ્સો ઓછો થઈ રહ્યો છે. આ સ્થિતિ રોજગાર બજારની નબળાઈ તરફ ધ્યાન દોરે છે. 

મહિલાઓ અને ગામડાંમાં બેરોજગારી વધી

ઓક્ટોબરમાં મહિલાઓમાં બેરોજગારીનો દર વધીને 12.7% થયો હતો. સપ્ટેમ્બરમાં આ દર 11.7% હતો. બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર સપ્ટેમ્બરના 3.4%થી વધીને ઓક્ટોબરમાં 4.7% થયો હતો. CMIEના મેનેજિંગ ડિરેક્ટર અને CEO મહેશ વ્યાસના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબરમાં શ્રમબળમાં આશરે 30 લાખનો વધારો થયો હતો. જોકે, 2026ના પ્રથમ 10 મહિનામાં શ્રમબળમાં માત્ર 90 લાખનો વધારો થયો છે. તેની સામે 2023થી 2025 દરમિયાન આ જ સમયગાળામાં દર વર્ષે 1.3 કરોડથી 1.7 કરોડનો વધારો નોંધાયો હતો. આથી નોકરી શોધી રહેલા લોકોની સંખ્યામાં વધારો થવાની ગતિ ધીમી પડી રહી હોવાનું જણાય છે. 

PLFSના આંકડામાં અલગ ચિત્ર

બીજી તરફ, આંકડા મંત્રાલયના પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS)ના જુલાઈથી સપ્ટેમ્બર 2026ના આંકડા અલગ ચિત્ર દર્શાવે છે. 15 વર્ષથી વધુ વયના લોકોમાં બેરોજગારીનો દર એપ્રિલ-જૂનના 5.4%થી ઘટીને જુલાઈ-સપ્ટેમ્બરમાં 5.1% થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં આ દર 4.8%થી ઘટીને 4.3% થયો હતો, જ્યારે શહેરી વિસ્તારોમાં 6.7%થી વધીને 6.8% થયો હતો. યુવાનોમાં બેરોજગારીનો દર 15.9%થી ઘટીને 15.3% થયો હતો. જોકે, શહેરી યુવાનોમાં આ દર વધીને 18.9% થયો છે, જે જાન્યુઆરી-માર્ચ 2022 પછીનો સૌથી ઊંચો આંકડો છે. નોંધનીય છે કે CMIE અને PLFSની સર્વે પદ્ધતિ, સમયગાળો અને ગણતરીની રીત અલગ છે. તેથી બંનેના આંકડાની સીધી સરખામણી કરવી યોગ્ય નથી.

આ પણ વાંચો: India Layoffs: ક્વાલકોમનો ભારતમાં મોટો નિર્ણય! 1,000થી વધુ કર્મચારીઓની નોકરી પર સંકટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *