Crime : અકસ્માત બાદ કારની ડિક્કી ખોલતા જ મળ્યો 13 વર્ષના બાળકનો મૃતદેહ.. કાર ચલાવવાની લાલચ આપી કિડનેપ, પછી હત્યાનો ખુલાસો

📅 Published: September 18, 2026 | 📂 Category: India National

બેંગલુરુના બાગલુરુ વિસ્તારમાં એક અકસ્માતની ઘટનાએ કિડનેપિંગ અને હત્યાના ચકચારી કેસનો પર્દાફાશ કર્યો છે. બુધવારે રાત્રે બલ્લારી રોડ નજીક એક કાર અનેક વાહનો સાથે અથડાયા બાદ અટકી હતી. સ્થાનિકોએ કારચાલકને રોક્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે 28 વર્ષીય ભાસ્કર રેડ્ડીના જવાબોમાં ગૂંચવણ જણાઈ હતી. શંકા જતા કારની તપાસ કરવામાં આવી તો ડિક્કીમાં 13 વર્ષીય પ્રજ્વલનો મૃતદેહ મળી આવ્યો હતો.

કાર ચલાવવાની લાલચ આપી બાળકને સાથે લઈ ગયો

પ્રાથમિક તપાસ મુજબ પ્રજ્વલને કાર ચલાવવાનો શોખ હતો. આ બાબતનો લાભ લઈને ભાસ્કર રેડ્ડી તેને પોતાની કારમાં બેસાડી એકાંત સ્થળે લઈ ગયો હતો. કારમાં તેનો એક સાથી પણ હોવાની માહિતી સામે આવી છે, જેની ઓળખ હજુ થઈ નથી.

ખંડણી માટે અપહરણનો આરોપ

પોલીસ તપાસ મુજબ બાળકના માતા-પિતા પાસેથી ખંડણી મેળવવાના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હતું. પ્રજ્વલે વિરોધ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના માથા પર લાકડી અને ત્યારબાદ સિમેન્ટના બ્લોકથી હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. ગંભીર ઈજાઓ બાદ બાળકનું મોત થયું હતું.

આરોપી લંડનથી માસ્ટર ડિગ્રી કરીને આવ્યો હતો

પોલીસના જણાવ્યા મુજબ ભાસ્કર રેડ્ડી થોડા મહિના પહેલાં લંડનથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરીને પરત આવ્યો હતો. ત્યારબાદ તેણે વ્હાઇટફિલ્ડની એક ખાનગી કંપનીના ફાઇનાન્સ વિભાગમાં નોકરી શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે એજ્યુકેશન લોન ચૂકવવા માટે ખંડણી મેળવવાનો ઈરાદો હોવાની આશંકા છે.

બાળકનો વીડિયો પણ બનાવ્યો હોવાનો ખુલાસો

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ પ્રજ્વલનો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં બાળક તેના પિતાને ખંડણીની રકમ આપવા વિનંતી કરતો હોવાનું જણાવાયું છે. જો ખંડણી નહીં આપવામાં આવે તો તેને મારી નાખવાની ધમકી અપાઈ હોવાની વાત પણ વીડિયોમાં હોવાનું પોલીસનું કહેવું છે.

અકસ્માતથી ખુલી હત્યાની કડી

બાળકના મોત બાદ મૃતદેહને ઠેકાણે પાડવા માટે ભાસ્કર કાર લઈને હાઇવે તરફ નીકળ્યો હતો. રસ્તામાં કાર પહેલા એક પોલ સાથે અને ત્યારબાદ એપાર્ટમેન્ટ બહાર પાર્ક કરેલી 2 કાર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ સ્થાનિકોએ કારચાલકને ઘેરી લીધો અને પોલીસને જાણ કરી. તપાસ દરમિયાન કારની ડિક્કીમાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર મામલો બહાર આવ્યો.

હત્યા પૂર્વઆયોજિત હોવાની આશંકા

પ્રાથમિક તપાસમાં પોલીસને હત્યા અગાઉથી ઘડાયેલા કાવતરાનો ભાગ હોવાની આશંકા છે. બાળકને ઓળખી શકે તેવા તેના માતા-પિતાને કારણે તેને જીવતો છોડવામાં જોખમ હોવાનું આરોપીએ વિચાર્યું હોવાની માહિતી સામે આવી છે. પોલીસે અપહરણ અને હત્યા સંબંધિત BNSની કલમો હેઠળ FIR નોંધી છે અને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. 

આ પણ વાંચો  :   Cyclone Alert : બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે ‘અર્નવ’ વાવાઝોડું..!  

આ પણ વાંચો  : Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *