બ્રિટનના ગ્રેટર માન્ચેસ્ટરના સ્ટોકપોર્ટમાં એક મહિલાના પતિ પર તેને નશીલી દવાઓ આપીને બેભાન કે અસહાય સ્થિતિમાં અન્ય પુરુષો પાસે દુષ્કર્મ કરાવવાનો આરોપ છે. આ મામલે પતિએ 60થી વધુ ગંભીર ગુનાઓ કબૂલ્યા છે. તેમાં બળાત્કાર, જાતીય હુમલો, નશીલા પદાર્થો આપીને મહિલાને અસહાય બનાવવી અને તેની અંગત તસવીરો અન્ય લોકો સાથે વહેંચવા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.
પોલીસની વાત સાંભળીને પત્નીને વિશ્વાસ ન આવ્યો
અદાલતમાં રજૂ કરાયેલા વીડિયો પુરાવામાં મહિલા પોલીસ અધિકારીઓ સાથે વાત કરતી જોવા મળે છે. પતિની ધરપકડ બાદ રેકોર્ડ કરાયેલા વીડિયોમાં તે કહે છે કે તેને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે આ બધું સાચું હોઈ શકે છે અને કદાચ પોલીસથી કોઈ ભૂલ થઈ છે.
પોતાની સંમતિ આપી નહોતી
જ્યારે મહિલાને દુર્વ્યવહારના વીડિયો બતાવવામાં આવ્યા ત્યારે તેણે તેમાં દેખાતા પુરુષોને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. તેણે જણાવ્યું કે તે આ લોકોને જાણતી નથી અને પોતાની સંમતિ આપી નહોતી. વીડિયો જોઈને તેણે આઘાત સાથે કહ્યું હતું કે આ સાચું નથી.
20 વર્ષથી વધુ સમયથી શોષણનો આરોપ
પતિ બે દાયકાથી વધુ સમયથી પત્નીનું શોષણ કરતો હતો. શરૂઆતમાં પત્ની વધુ દારૂ પીધા બાદ ગાઢ ઊંઘમાં હોય ત્યારે તેનો ફાયદો ઉઠાવતો હતો. બાદમાં તેને નશીલી દવાઓ આપવા લાગ્યો, જેથી દુર્વ્યવહાર દરમિયાન તે જાગી ન શકે. આરોપ છે કે પતિએ દવાઓ અને દારૂ સાથે લેવાથી થતી અસરો અંગે ઇન્ટરનેટ પર શોધખોળ પણ કરી હતી. તે અન્ય પુરુષો સાથે પત્નીના દુર્વ્યવહારના વીડિયો અને તસવીરો બનાવતો હતો અને તેમને ઓનલાઇન વહેંચતો હતો.
ઓનલાઇન વેબસાઇટ દ્વારા પુરુષોનો સંપર્ક
અભિયોજન પક્ષે જણાવ્યું કે 2023થી પતિ પોતાના ઘરે અનેક પુરુષોને બોલાવતો હતો. આમાંથી કેટલાક પુરુષો ફેબસ્વિંગર્સ અને ફેબગાઇઝ જેવી વેબસાઇટ મારફતે તેના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં તેમની વચ્ચે અન્ય સંદેશાવ્યવહારની એપ્લિકેશન પર વાતચીત શરૂ થઈ હતી.
તે કંઈક નવું અને અલગ અજમાવવા માગે છે
પતિએ પોતાની પ્રોફાઇલમાં લખ્યું હતું કે તે કંઈક નવું અને અલગ અજમાવવા માગે છે. તેણે પોતાની પત્નીના મૂડમાં ફેરફાર રહેતો હોવાનું લખીને તે ભાગ્યે જ તેની સાથે આવી પ્રવૃત્તિમાં જોડાશે એવો ઉલ્લેખ કર્યો હતો. અન્ય પુરુષોને પત્નીની તસવીરો બતાવવાનું પસંદ હોવાનું પણ તેણે પ્રોફાઇલમાં લખ્યું હતું.
9 પુરુષો સામે પણ કાર્યવાહી
માન્ચેસ્ટરની મિન્સહુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટમાં આ મામલે અન્ય 9 પુરુષો સામે કેસ ચાલી રહ્યો છે. તેમાંથી 7 પુરુષો પર દંપતીના ઘરે મહિલાનું જાતીય શોષણ કરવાનો આરોપ છે, જ્યારે 2 સામે ઓનલાઇન માધ્યમથી આ શોષણને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. 8 પુરુષોએ આરોપો નકાર્યા છે. નવમા પુરુષે 3 ગુના કબૂલ્યા છે, જ્યારે અન્ય એક આરોપ નકાર્યો છે.
પત્નીની ઓળખ સુરક્ષિત રાખવા પતિનું નામ જાહેર નહીં
મહિલાની ઓળખ જાહેર ન થાય તે માટે તેના પતિનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. મહિલાએ અદાલતને જણાવ્યું હતું કે તે માત્ર ડૉક્ટરે સૂચવેલી દવાઓ લેતી હતી, જેમાં હાઈ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલની દવાઓનો સમાવેશ થાય છે. પતિ આ અઠવાડિયાના અંતમાં અદાલતમાં જુબાની આપે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો : Vadodara એરફોર્સ સ્ટેશન પર હુમલાનો ટાસ્ક મળ્યો હતો? આસામથી વડોદરા સુધી ATSની તપાસ
