Crime : લવમેરેજ અને પછી લવઅફેર..યુવકે આચરેલા સનસનાટીભર્યા કૃત્યથી હાહાકાર

📅 Published: November 5, 2026 | 📂 Category: India National

ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લાના છિબરામઉ કોતવાલી વિસ્તારમાં આવેલા જગતપુર ગામમાં ગુરુવારે સવારે એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં 11 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર પતિ સુખબીર સિંહે પત્ની સોનમના ચારિત્ર્ય પર શંકા રાખીને તેને ખુરશી સાથે બાંધી દીધી હતી અને પેટ્રોલ રેડીને જીવતી સળગાવી દીધી હતી. આ હત્યા બાદ આરોપી બાળકો સાથે ફરાર થયો છે.

સુખબીરની મુલાકાત સોનમ સાથે થઇ 

મૂળ ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લાના જગતપુર ગામનો રહેવાસી સુખબીર સિંહ ઉર્ફે મોનૂ (ઉંમર 35 વર્ષ) છેલ્લા 14 વર્ષથી હરિયાણાના હિસાર શહેરમાં એક ખાનગી નોકરી કરી રહ્યો હતો. હિસારમાં નોકરી કરતી વખતે તેની મુલાકાત મૂળ શિકોહાબાદની વતની સોનમ (ઉંમર 32 વર્ષ) સાથે થઈ હતી, જે પણ ત્યાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી. 

11 વર્ષ પહેલાં બંનેએ પ્રેમ લગ્ન કર્યા

બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ 11 વર્ષ પહેલાં બંને પરિવારોની મંજૂરી મેળવીને હિસારમાં જ તેમના પ્રેમલગ્ન સંપન્ન થયા હતા. આ દાંપત્યજીવન દરમિયાન તેમને એક 7 વર્ષનો પુત્ર અને એક 5 વર્ષની પુત્રી એમ બે સંતાનો પણ થયાં હતાં.

સોનમનો અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ શરુ થયો

જોકે ચાર વર્ષ પહેલાં હિસાર ખાતે રહેતી વખતે સોનમનો અન્ય એક યુવક સાથે કથિત પ્રેમસંબંધ શરૂ થયો હતો અને સુખબીરે બંનેને રંગેહાથ પકડી પાડ્યા હતા. તે સમયે પોતાના લગ્નજીવન અને પારિવારિક સંબંધને બચાવવાના ઉદ્દેશ્યથી સુખબીર પોતાની પત્ની અને બંને સંતાનોને હિસારથી લાવીને પોતાના વતન જગતપુર ગામમાં મૂકી આવ્યો હતો. 

સોનમનો સંબંધ અન્ય યુવક સાથે ચાલુ જ રહ્યો

આ ઘટના બાદ સુખબીર હિસારમાં પોતાની નોકરી કરતો રહ્યો હતો અને બે દિવસ પહેલાં જ દિવાળીના તહેવારની રજાઓ હોવાથી તે પોતાના ગામ જગતપુર પાછો ફર્યો હતો. ગામમાં આવ્યા પછી સ્થાનિક ગ્રામજનો અને સંબંધીઓ પાસેથી સુખબીરને કથિતપણે એવી જાણકારી મળી હતી કે ગામમાં રહેતી હોવા છતાં પણ સોનમનો કોઈ અન્ય યુવક સાથે હજુ પણ સંપર્ક ચાલુ રહ્યો હતો

પતિ-પત્ની વચ્ચે આ મુદ્દે ઝઘડો થયો 

આ ગંભીર બાબતને કારણે છેલ્લા બે દિવસથી ઘરમાં ખૂબ મોટો ક્લેશ અને ઝઘડો ચાલી રહ્યો હતો. આ પારિવારિક વિવાદ એટલો વધી ગયો હતો કે આખરે સમગ્ર મામલો સિકંદરપુર પોલીસ ચોકી સુધી પણ પહોંચી ગયો હતો.

સોનમને ખુરશી સાથે બાંધી દઇ જીવતી સળગાવી દીધી

ગુરુવારે સવારે આ શંકાની સનક સુખબીર પર એ હદે હાવી થઈ ગઈ કે તે ભારે ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો હતો. લગભગ અડધા કલાક પછી તે બોટલમાં પેટ્રોલ ભરીને ઘરમાં પાછો આવ્યો હતો. ઘરમાં પ્રવેશતાની સાથે જ તેણે પત્ની સોનમને ઘરની અંદર રહેલી ખુરશી સાથે મજબૂત રીતે બાંધી દીધી હતી. ત્યારબાદ સુખબીરે સોનમ પર સીધું પેટ્રોલ રેડી દીધું હતું અને તેને જીવતી સળગાવી મૂકી હતી. 

બાળકોને સાથે રાખી સુખબીર ફરાર થઇ ગયો 

આ ભયાનક હત્યાકાંડને અંજામ આપ્યા બાદ આરોપી સુખબીર પોતાના બંને માસૂમ બાળકોને સાથે લઈને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. 

પાડોશીઓને સોનમની ચીસાચીસ પકડાઇ

ઘટના અંગે સુખબીરના કાકા જિતેન્દ્રએ જણાવ્યું હતું કે અચાનક ઘરમાંથી ધુમાડો અને સોનમની હૃદયદ્રાવક ચીસો સંભળાઈ રહી હતી. પરંતુ આગ એટલી ભયાનક હતી અને ઘરમાં સિલિન્ડર હોવાનો ડર હોવાથી કોઈ પાડોશી અંદર જઈ શક્યા ન હતા, જેથી આસપાસના ગ્રામજનો લાચાર બની ગયા હતા. માહિતી મળતાં પહોંચેલા ફાયરકર્મીઓએ દોઢ કલાકની જહેમત બાદ આગ બુઝાવી ત્યારે સોનમનું શરીર બળીને હાડપિંજરમાં ફેરવાઈ ચૂક્યું હતું.

સુખબીરનો તેમના પર ફોન આવ્યો 

આ કરુણ ઘટના બાદ મૃતક સોનમની માતાએ રડતાં રડતાં જણાવ્યું હતું કે ગુરુવારે સવારે જ સુખબીરનો તેમના પર ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે તમારી દીકરીને અહીંથી લઈ જાઓ, અમે બાળકોને અમારી પાસે રાખીશું. આ ફોન કોલ આવ્યાના થોડા જ સમય બાદ સ્થાનિક પોલીસ દ્વારા તેમને સોનમના મોતના સમાચાર આપવામાં આવ્યા હતા. 

ચારિત્ર્ય પરની શંકાના કારણે જ આ ગુનો બન્યો

પુત્રીના દર્દનાક મોતથી આઘાતમાં સરી પડેલી માતાએ આક્રંદ સાથે એવી માગ કરી છે કે જ્યાં સુધી તેમની દીકરીનો મૃતદેહ તેમને સોંપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અહીંથી ખસશે નહીં. બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ચારિત્ર્ય પરની શંકાના કારણે જ આ ગુનો આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસની ટીમો ફરાર આરોપી સુખબીરની શોધમાં સતત દરોડા પાડી રહી છે અને તેને ટૂંક સમયમાં જ પકડી પાડવામાં આવશે. 

આ પણ વાંચો :   New Delhi : ‘ અત્યારે તો વિરોધ પ્રદર્શનનો સમય છે, જઇને પ્રદર્શન કર્યું હોત તો’; CJI સૂર્યકાંતે કરી રમૂજી ટિપ્પણી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *