દિલ્હીના સ્વરૂપ નગરની ખડ્ડા કોલોનીમાં 16 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ અને ત્યારબાદ ચાકુના ઘા મારી હત્યા કરવાના કેસમાં પોલીસે બે મહત્વના સંકેતોના આધારે આરોપીઓ સુધી પહોંચ્યાનો દાવો કર્યો છે. પોલીસને અત્યંત વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો હતો અને શરૂઆતમાં મૃતકની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી. જોકે, ડાબા હાથ પર બનેલું 3 સ્ટારનું ટેટૂ તપાસમાં મહત્વની કડી સાબિત થયું હતું.
બે દિવસ બાદ મળી લાશ
પોલીસના જણાવ્યા મુજબ, ઘટના 11 સપ્ટેમ્બરની સવારે બની હતી, જ્યારે મૃતદેહ અંગે પોલીસને 13 સપ્ટેમ્બરની સવારે આશરે 7:30 વાગ્યે જાણ કરવામાં આવી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે એક માનવ મૃતદેહ મળ્યો હતો.
મૃતદેહ અત્યંત વિકૃત સ્થિતિમાં હતો
મૃતકે નીલા રંગની જીન્સ પહેરેલી હતી અને તેના ઉપર જાંબલી રંગના કપડાના ટુકડા હતા. મૃતદેહ અત્યંત વિકૃત સ્થિતિમાં હોવાથી શરૂઆતમાં મૃતક પુરુષ છે કે મહિલા તે પણ સ્પષ્ટ થઈ શક્યું નહોતું. ખોપરી અને પાંસળીઓ દેખાતી હતી અને જમણો હાથ પણ કપાયેલો હતો.
ડાબા હાથનું ટેટૂ બન્યું પહેલું મોટું સુરાગ
મૃતદેહ પર ચાકુના 6 ઘાના નિશાન પણ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન મૃતદેહને બાબુ જગજીવન રામ હોસ્પિટલની મોર્ચરીમાં મોકલવામાં આવ્યો હતો.
પોલીસનું 3 સ્ટારના ટેટૂ પર ધ્યાન ગયું
ત્યાં એક એએસઆઈએ મૃતદેહનું નજીકથી નિરીક્ષણ કરતાં ડાબા હાથ પર એક જ લાઇનમાં બનેલા 3 સ્ટારના ટેટૂ પર ધ્યાન ગયું. આ ટેટૂ તપાસનો મહત્વનો વળાંક બન્યું. પોલીસને શંકા ગઈ કે મૃતદેહ મહિલા અથવા યુવતીનો પણ હોઈ શકે છે. જો કે મૃતક અંગે કોઈ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ ન હોવાથી ઓળખ કરવી વધુ મુશ્કેલ બની હતી.
સીસીટીવીમાં દેખાઈ શંકાસ્પદ ગાડી
પોલીસે બે દિવસ સુધી આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન 11 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે 3:30 વાગ્યાનો ફૂટેજ મળ્યું હતું. તેમાં એક ગાડી ઘટનાસ્થળે આવીને આશરે 15 મિનિટ સુધી હેડલાઇટ બંધ રાખીને ઊભી રહી હોવાનું દેખાયું હતું.
ફૂટેજમાં ડ્રાઇવર અને પેસેન્જર જોવા મળ્યા
ફૂટેજમાં ડ્રાઇવર અને પેસેન્જર જોવા મળ્યા હતા. ત્યારબાદ પેસેન્જર ગાડીમાંથી નીચે ઉતરીને ઘટનાસ્થળ તરફ ગયો અને બાદમાં 3 લોકો પાછા ફરતા દેખાયા હતા. તેમની શારીરિક બનાવટના આધારે પોલીસને આ ઘટનામાં 4 લોકો સંડોવાયેલા હોવાની શંકા થઈ હતી.
નંબર નહીં, ટેમ્પોના ડિઝાઇનથી મળ્યો માલિક
15 સપ્ટેમ્બરની રાત્રે પોલીસે ફૂટેજનું વધુ બારીકાઈથી નિરીક્ષણ કરતાં ગાડીની ડાબી બાજુ બનેલી ખાસ ડિઝાઇન ધ્યાનમાં આવી. ગાડી ડિલિવરી ટેમ્પો હોવાનું સ્પષ્ટ થયું, પરંતુ નંબર દેખાતો ન હોવાથી પોલીસ માટે માલિક સુધી પહોંચવું પડકારરૂપ હતું.
એ જ ડિઝાઇન ધરાવતો ટેમ્પો મળી આવ્યો
16 સપ્ટેમ્બરની રાત્રે આશરે 1:30 વાગ્યે પોલીસને એ જ ડિઝાઇન ધરાવતો ટેમ્પો મળી આવ્યો. પૂછપરછ દરમિયાન માલિકે જણાવ્યું કે તેનો નાનો ભાઈ પણ ટેમ્પો ચલાવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ફૂટેજમાં દેખાતા ડ્રાઇવરની શારીરિક બનાવટ અને આ યુવકની બનાવટ એકસરખી જણાઈ હતી.
પોલીસ પૂછપરછમાં સાથીઓનાં નામ મળ્યા
પોલીસના જણાવ્યા મુજબ, સતત પૂછપરછ દરમિયાન યુવકે કથિત રીતે ગુનો કબૂલ કર્યો અને તેના સાથીઓનાં નામ પણ આપ્યાં. ત્યારબાદ 16 સપ્ટેમ્બરની સવાર સુધી અન્ય આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
17 વર્ષનો યુવક મુખ્ય આરોપી
પોલીસ મુજબ, ટેમ્પો ચલાવતો 17 વર્ષનો યુવક મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે અને તે મૃતક યુવતીને ઓળખતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, સામૂહિક દુષ્કર્મ બાદ યુવતીએ પોલીસમાં ફરિયાદ કરવાની વાત કરી હતી. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદ થઈ જશે અને તેઓ પકડાઈ જશે તેવા ભયથી તેની હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો હોવાનો ખુલાસો તપાસમાં થયો હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ પણ વાંચો : Navratri 2026 : ગરબાની આડમાં શું ચાલી રહ્યું છે? સોશિયલ મીડિયાની ‘રેન્ટ અ ગરબા પાર્ટનર’ પોસ્ટે ઉભા કર્યા ગંભીર સવાલો
