દિલ્હીના આંતરરાષ્ટ્રીય IGI એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ અને કસ્ટમ્સ વિભાગ દ્વારા એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી દિલ્હી આવી રહેલી એક ભારતીય મહિલા મુસાફર પાસેથી કરોડો રૂપિયાની કિંમતનો પ્રતિબંધિત માદક પદાર્થ જેને ગાંજો કે મારિજુઆના તરીકે ઓળખવામાં આવે છે, તે મળી આવ્યો છે. આ ઘટનાથી એરપોર્ટ ઓથોરિટીમાં ભારે હલચલ મચી ગઈ છે.
થાઈ એરવેઝની ફ્લાઇટથી આવી હતી આરોપી મહિલા
કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, આ મહિલા મુસાફર થાઈ એરવેઝની ફ્લાઇટ નંબર TG-315 દ્વારા બેંગકોકથી દિલ્હીના ટર્મિનલ-3 પર પહોંચી હતી. મુસાફરોની સામાન્ય ચકાસણી દરમિયાન કસ્ટમ્સ અધિકારીઓએ શંકાના આધારે આ મહિલાનું પ્રોફાઇલિંગ કર્યું હતું અને તેને સઘન તપાસ માટે રોકી હતી.
ટ્રોલી બેગમાંથી મળી આવ્યા ગાંજાના શંકાસ્પદ પાઉચ
અધિકારીઓએ જ્યારે મહિલાના સામાનની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે તેની ગ્રે રંગની ટ્રોલી બેગમાંથી બે શંકાસ્પદ પાઉચ મળી આવ્યા હતા. આ પાઉચની અંદરથી ઉચ્ચ ગુણવત્તાવાળો વિદેશી ગાંજો મળી આવ્યો હતો. અધિકારીઓએ પદાર્થનું વજન કરતા કુલ વજન 2.989 કિલોગ્રામ થયું હતું. આ જપ્ત કરવામાં આવેલા પ્રતિબંધિત ગાંજાની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂ. 1.04 કરોડ હોવાનું સામે આવ્યું છે.
NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ
કસ્ટમ્સ વિભાગે ગેરકાયદે ડ્રગ્સની હેરાફેરી કરવા બદલ મહિલા મુસાફરની ધરપકડ કરી લીધી છે. તેની સામે કઠોર કાયદાકીય કાર્યવાહી કરતા NDPS એક્ટ (Narco-tic Drugs and Psychotropic Substances Act) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ કસ્ટમ્સ વિભાગ દ્વારા આ ડ્રગ્સ સિંડિકેટના અન્ય સભ્યો અને આ રેકેટમાં સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad News: પોર્ટર એપ મારફતે દારૂની હેરાફેરી! 9 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
