ઇન્ડિયન પ્રીમિયર લીગની 20મી સિઝન શરૂ થવામાં હજુ થોડા મહિના બાકી છે, પરંતુ અત્યારથી જ ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે IPLમાં એક મોટો ફેરફાર જોવા મળશે. ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની પહેલીવાર ખેલાડી તરીકે મેદાન પર જોવા નહીં મળે. 19 વર્ષના લાંબા સફર બાદ ધોનીએ IPLમાંથી ખેલાડી તરીકે સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે.જોકે, ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા રહેશે. તેઓ હવે ટીમના મેન્ટરની જવાબદારી સંભાળશે. આ દરમિયાન આગામી IPL મિની ઓક્શનમાં ધોની જોવા મળશે કે નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ છે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે આ સવાલનો જવાબ આપ્યો છે.
ઓક્શનમાં ધોની નહીં બેસે? ઇરફાન પઠાણે શું કહ્યું?
ધોની સાથે ભારતીય ટીમ અને ચેન્નાઈ સુપર કિંગ્સમાં રમી ચૂકેલા ઇરફાન પઠાણનું માનવું છે કે માહી ઓક્શન ટેબલ પર જોવા મળે તેવી શક્યતા ઓછી છે. પઠાણના મતે ધોનીનું મુખ્ય કામ ઓક્શનમાં ખેલાડીઓ પસંદ કરવાનું નહીં, પરંતુ ટીમમાં સામેલ ખેલાડીઓને માર્ગદર્શન આપવાનું રહેશે.ઇરફાન પઠાણે એક ખાસ વીડિયોમાં આ અંગે વાત કરતાં કહ્યું કે ધોનીને સારી રીતે ઓળખતા હોવાથી તેમને નથી લાગતું કે તેઓ ઓક્શન ટેબલ પર બેસશે. તેઓ મેન્ટરની ભૂમિકામાં છે અને ખેલાડીઓને પોતાનો અનુભવ આપવો, તેમને સારું પ્રદર્શન કરવામાં મદદ કરવી અને ચેન્નાઈને જીતતાં શીખવવું તેમની મુખ્ય જવાબદારી રહેશે.
ટીમના નિર્ણયોમાં બિનજરૂરી દખલ નથી કરતા ધોની
ઇરફાન પઠાણે ધોનીની કામ કરવાની રીત વિશે પણ વાત કરી હતી. તેમના મતે ધોની દરેક બાબતમાં દખલ આપવાનું પસંદ કરતા નથી. તેઓ કામ સરળ રાખવામાં માને છે અને જે લોકો પોતાની જવાબદારી સારી રીતે જાણે છે તેમને કામ કરવા દે છે.પઠાણે વધુમાં જણાવ્યું કે ઓક્શન સંબંધિત નિર્ણયો ટીમ મેનેજમેન્ટ પર છોડી દેવામાં આવે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે અનુભવી મેનેજમેન્ટ અને મજબૂત થિંક ટેન્ક છે. આ ટીમે વર્ષોથી શાનદાર ખેલાડીઓની પસંદગી કરીને સફળતા મેળવી છે. ધોનીને પણ આ મેનેજમેન્ટ પર વિશ્વાસ છે.
હવે ખેલાડી નહીં, મેન્ટર તરીકે જોવા મળશે માહી
ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સને પોતાની કેપ્ટનશિપમાં ઘણી સફળતા અપાવી છે. હવે ખેલાડી તરીકે તેમની IPL સફર પૂરી થયા બાદ ચાહકો તેમને નવી ભૂમિકામાં જોવા માટે ઉત્સુક છે.આગામી સિઝનમાં ધોની ડગઆઉટમાં રહીને ખેલાડીઓને માર્ગદર્શન આપતા જોવા મળી શકે છે. જોકે, મિની ઓક્શનમાં તેઓ હાજરી આપશે કે નહીં તે અંગે સત્તાવાર સ્પષ્ટતા નથી. ઇરફાન પઠાણના નિવેદન પ્રમાણે ધોની ઓક્શનની ચમકદમકથી દૂર રહીને ટીમના ખેલાડીઓને તૈયાર કરવા પર વધુ ધ્યાન આપી શકે છે.
આ પણ વાંચો- South Africa vs Bangladesh : 91 રનમાં જ બાંગ્લાદેશનો ખેલ ખતમ, સેન્ચુરિયનમાં બન્યો શરમજનક રેકોર્ડ!
