Cyclone Alert : બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે 'અર્નવ' વાવાઝોડું..!

📅 Published: September 18, 2026 | 📂 Category: gujarati-news

બંગાળની ખાડી અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારમાં હવામાનની નવી સિસ્ટમ સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. થાઈલેન્ડ ઉપર બનેલું વાતાવરણનું ચક્રવાતી ઘેરું હવે ધીમે-ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આજે સાંજ સુધી ઉત્તર અંડમાન સમુદ્ર ઉપર પહોંચવાની શક્યતા છે. આ સિસ્ટમના પ્રભાવથી 19 સપ્ટેમ્બરની સાંજ સુધી ઉત્તર અંડમાન સમુદ્રના વિસ્તારમાં લો પ્રેશર એરિયા એટલે કે નિમ્ન દબાણનું ક્ષેત્ર બનવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

થાઈલેન્ડથી અંડમાન સમુદ્ર સુધી સિસ્ટમની ગતિ

હવામાન માહિતી મુજબ થાઈલેન્ડ ઉપર હાલ ઉપલા વાતાવરણમાં ચક્રવાતી પરિભ્રમણ એટલે કે વમળ જેવી સ્થિતિ બનેલી છે. આ સિસ્ટમ આગળ વધીને આજે સાંજ સુધી ઉત્તર અંડમાન સમુદ્રના વિસ્તારમાં પહોંચી શકે છે.

19 સપ્ટેમ્બર સુધી લો પ્રેશર એરિયા બની શકે

જો આ સિસ્ટમ વધુ સંગઠિત થશે તો તેના પ્રભાવથી બંગાળની ખાડીમાં હવામાનનું દબાણ ઘટી શકે છે અને 19 સપ્ટેમ્બર સુધી લો પ્રેશર એરિયા બની શકે છે. ત્યારબાદ સિસ્ટમની દિશા અને તેની તીવ્રતા પર હવામાન વિભાગની નજર રહેશે.

આગામી 3-4 દિવસ મહત્વપૂર્ણ

સિસ્ટમ બન્યા બાદ આગામી 3-4 દિવસ દરમિયાન તેમાં ધીમે-ધીમે તીવ્રતા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે. હવામાનની આ સિસ્ટમ આગળ વધીને દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા તરફ પહોંચે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમની સ્થિતિ પ્રમાણે તેની ગતિ અને માર્ગમાં ફેરફાર થઈ શકે છે.

ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન બની શકે

આપેલી માહિતી અનુસાર બંગાળની ખાડીમાં બનનારી અથવા સક્રિય થયેલી નિમ્ન દબાણની સિસ્ટમ આગામી દિવસોમાં વધુ મજબૂત બની શકે છે. તીવ્રતા વધે તો તે ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. સિસ્ટમ કઈ ઝડપે આગળ વધે છે, તેની આસપાસના વાતાવરણની સ્થિતિ કેવી રહે છે અને સમુદ્ર ઉપર તેને કેટલો અનુકૂળ માહોલ મળે છે તેના આધારે તેની તીવ્રતા નક્કી થશે.

23 અને 24 સપ્ટેમ્બરે ફાસ્ટ મૂવમેન્ટની શક્યતા

આ સિસ્ટમ માટે 23 અને 24 સપ્ટેમ્બર મહત્વપૂર્ણ બની શકે છે. આ સમયગાળા દરમિયાન સિસ્ટમની ગતિમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને 24 સપ્ટેમ્બરની આસપાસ તે ઉત્તર ઓડિશા તરફ આગળ વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સિસ્ટમ જો વધુ મજબૂત બનશે તો ઓડિશા અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવી જરૂરી બનશે.

ભારે વરસાદની શક્યતા

સિસ્ટમના પ્રભાવથી દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નિમ્ન દબાણનું ક્ષેત્ર વધુ સંગઠિત બનશે તો વરસાદનો વિસ્તાર અને તીવ્રતા પણ બદલાઈ શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સાથે પવનની ગતિમાં પણ વધારો થઈ શકે છે. જોકે ચોક્કસ સ્થળે કેટલો વરસાદ પડશે અથવા પવનની ગતિ કેટલી રહેશે તે અંગે આગાહી સિસ્ટમની આગળની સ્થિતિના આધારે વધુ સ્પષ્ટ થઈ શકે છે.

શું ભારતમાં વાવાઝોડું આવવાનું છે?

હાલ સૌથી મહત્વનો સવાલ એ છે કે શું આ સિસ્ટમ આગળ જઈને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે? આપેલી માહિતી મુજબ હાલ વાવાઝોડું બનવાની કોઈ સત્તાવાર આગાહી કરવામાં આવી નથી. હાલ તબક્કે સિસ્ટમને લઈને લો પ્રેશર, ત્યારબાદ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન જેવી શક્યતાઓ પર નજર છે. જો સિસ્ટમ વધુ મજબૂત બનશે તો આગળની સ્થિતિ પ્રમાણે ચક્રવાતમાં પરિવર્તન થવાની શક્યતા અંગે નિર્ણય થઈ શકે છે.

વાવાઝોડાનું નામ અર્નવ રખાયું

જો બંગાળની ખાડીમાં આ સિસ્ટમ આગળ જઈને સત્તાવાર રીતે સમુદ્રી તોફાન એટલે કે વાવઝોડું બને, તો તેનું નામ ‘અર્નવ’ હોઈ શકે છે, જે નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું છે. પરંતુ હાલમાં વાવાઝોડાની સત્તાવાર આગાહી નથી. તેથી ‘અર્નવ’ નામ માત્ર સંભવિત પરિસ્થિતિ સાથે જોડાયેલું છે અને સિસ્ટમ ચક્રવાતના સ્તરે પહોંચે છે કે નહીં તે આગામી દિવસોમાં તેની તીવ્રતા પર નિર્ભર રહેશે.

દરિયામાં સ્ટોર્મ વોર્નિંગ પણ નથી

હાલ સમુદ્રી વિસ્તારો માટે કોઈ સ્ટોર્મ વોર્નિંગ જાહેર કરવામાં આવી નથી. એટલે હાલમાં ચક્રવાત અંગે સીધી ચેતવણી આપવામાં આવી નથી. હવામાન વિભાગ સમગ્ર સિસ્ટમની ગતિવિધિ પર સતત નજર રાખી રહ્યું છે. આગામી દિવસોમાં સિસ્ટમ અંડમાન સમુદ્ર અને ત્યારબાદ બંગાળની ખાડીમાં કેવી રીતે આગળ વધે છે તે મહત્વનું રહેશે. તેની દિશા, ગતિ અને તીવ્રતામાં ફેરફારના આધારે ઓડિશા અને આંધ્ર પ્રદેશના હવામાન પર તેની અસર સ્પષ્ટ થશે.

24 સપ્ટેમ્બર સુધી નજર રાખવી પડશે

હાલ સમગ્ર ઘટનાક્રમમાં 19 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધીનો સમય મહત્વપૂર્ણ બની શકે છે. 19 સપ્ટેમ્બરે લો પ્રેશર બનવાની શક્યતા બાદ આગામી 3-4 દિવસમાં સિસ્ટમ મજબૂત થવાની અને 23-24 સપ્ટેમ્બરે ઝડપી ગતિથી ઉત્તર ઓડિશા તરફ આગળ વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

વધુ અપડેટ આવી શકે 

આથી હાલ વાવાઝોડાને લઈને કોઈ નિશ્ચિત આગાહી કરવાને બદલે સિસ્ટમના વિકાસ પર નજર રાખવી જરૂરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી અપડેટમાં તેની તીવ્રતા, માર્ગ અને સંભવિત અસર અંગે વધુ સ્પષ્ટતા કરવામાં આવી શકે છે. 

આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *