ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાં અશાંતિ વચ્ચે ભારતમાં પણ કુદરતી આપત્તિનું એક મોટું સંકટ સામે આવી રહ્યું છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ડિપ્રેશન હવે એક શક્તિશાળી ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે, જેને ‘ચક્રવાત મુરાસુ’ નામ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણી મુજબ, આ ચક્રવાત આગામી મંગળવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાકવાની સંભાવના છે. અગાઉ આવેલા ‘અર્નબ’ વાવાઝોડાની સરખામણીમાં આ વાવાઝોડું થોડું ઓછું તીવ્ર હોવાનું અનુમાન છે, તેમ છતાં તંત્ર દ્વારા પૂરતી સાવચેતી રાખવામાં આવી રહી છે.
શું છે ‘મુરાસુ’ નામનો અર્થ?
ચક્રવાતશાસ્ત્રના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ચક્રવાત માટે તમિલ ભાષાનું નામ સૂચવવામાં આવ્યું હોય. ભારત દ્વારા આપવામાં આવેલા આ ‘મુરાસુ’ નામનો તમિલમાં અર્થ ‘ઢોલ’ (Drum) થાય છે. પ્રાચીન સમયમાં આ સંગીત વાદ્યનો ઉપયોગ ગામલોકો સુધી સંદેશાઓ પહોંચાડવા અને કુદરતી આફતો વિશે ચેતવણી આપવા માટે થતો હતો. આ જ ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને ભારત દ્વારા આ નામ પસંદ કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની ચેતવણી અને પવનની ગતિ
IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, મુરાસુ વાવાઝોડા દરમિયાન ૮૦ થી ૯૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સતત પવન ફૂંકાશે, જે ક્યારેક વધીને ૧૦૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ૨ અને ૩ નવેમ્બરે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સંપૂર્ણપણે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
ચક્રવાતોના નામકરણની પ્રક્રિયા
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં આવતા ચક્રવાતોના નામ વિશ્વ હવામાન સંગઠન (WMO) અને ESCAP ની ઉષ્ણકટિબંધીય ચક્રવાત પેનલ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ પ્રણાલી ૨૦૦૪માં શરૂ થઈ હતી. વાવાઝોડાના નામકરણ માટે કેટલાક નિયમો હોય છે જેમ કે નામ ટૂંકું (વધુમાં વધુ ૮ અક્ષરોનું) હોવું જોઈએ, તે રાજકીય, સાંસ્કૃતિક કે ધાર્મિક દૃષ્ટિએ તટસ્થ હોવું જોઈએ અને એકવાર વપરાયેલા નામનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.
આ પણ વાંચોઃ વિશ્વનો એક એવો દેશ જ્યાં દરેક નાગરિક પર છે 3.25 કરોડનું દેવું, જાણો ભારત કેટલામાં નંબરે?
