Dabhoi: મહુડી ભાગોળ, માછીવાડ ખાડામાં 3 માસથી નર્કાગાર સ્થિતિ

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

ડભોઇ નગરમાં મહુડી ભાગોળ માછીવાડ વિસ્તારના રહીશો ત્રણ મહિનાથી પારાવાર મુશ્કેલીઓ અને નર્કાગાર જેવી સ્થિતિ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. વિસ્તારમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે એક જ જગ્યાએ સતત ગંદા પાણીનો ભરાવો થઈ રહ્યો છે. જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં શેવાળ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.

વિસ્તારમાં લાંબા સમયથી જમા થયેલ ગંદા પાણીને કારણે ભારે દુર્ગંધ ફેલાય છે. જેના લીધે સ્થાનિક રહીશોનું ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ ચિંતાજનક હદે વધી ગયો છે. જે મોટા રોગચાળાને સીધું આમંત્રણ આપી રહ્યો છે આ વિસ્તારમાં ગંદકી અને મચ્છરોના ઉપદ્રવને કારણે હાલ 12થી વધુ લોકો ગંભીર બિમારીની લપેટમાં આવ્યા છે. વિસ્તારમાં ઘેર-ઘેર માંદગીના ખાટલા જોવા મળે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, નગરપાલિકાનું આરોગ્ય તંત્ર જો રૂબરૂ આવીને સ્થિતિનું નિરીક્ષણ કરે, તો ખ્યાલ આવે કે લોકો કેવા અસહ્ય વાતાવરણમાં કેવી રીતે જીવી રહ્યા છે. આ વિસ્તાર વોર્ડ નં.4માં આવે છે. જ્યાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ ડભોઇ નગરપાલિકાના ઉપપ્રમુખ પદ પર બિરાજમાન છે. સ્થાનિક રહીશોએ ભારે આશાઓ સાથે કોંગ્રેસના પ્રતિનિધિઓને ચૂંટયા હતા કે, વિસ્તારના વિકાસકામો અને પ્રાથમિક સુવિધા મળશે. પરંતુ ચૂંટાયા બાદ સ્થાનિક કોર્પોરેટરો કે ઉપપ્રમુખને જનતાની સમસ્યા ઉકેલવામાં કોઈ રસ ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સ્થાનિકો દ્વારા ત્રણ મહિનામાં નગરપાલિકા તંત્ર અને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરાઇ છે. છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. સ્થાનિકોમાં ભારે રોષ સાથે એક જ સવાલ ઉઠી રહ્યો છે કેઃ *જો આ ગંદકીને કારણે કોઈ મોટો જીવલેણ રોગચાળો ફેલાશે અથવા કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો, તેની જવાબદારી કોની રહેશે ? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે જ જાગશે કે, પછી તાત્કાલિક ધોરણે સફાઈ અને દવાનો છંટકાવ કરાવી પાણીના નિકાલની વ્યવસ્થા કરશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *