સંઘપ્રદેશ દમણમાં રાજીવ ગાંધી સેતુ બ્રિજ પરથી માતા અને પુત્રએ દમણગંગા નદીમાં છલાંગ લગાવતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ સૌથી પહેલા પુત્રએ નદીમાં ઝંપલાવ્યું હતું. પુત્રને નદીમાં કૂદતો જોઈ માતાએ પણ પાછળથી નદીમાં છલાંગ લગાવી હતી.
સ્થાનિક યુવકો દેવદૂત બની દોડી આવ્યા
માતા અને પુત્રને નદીમાં ડૂબતા જોઈ આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી. તે સમયે મીતના વાડ વિસ્તારના સ્થાનિક યુવકો તાત્કાલિક મદદ માટે આગળ આવ્યા હતા. સ્થાનિક યુવકોએ પોતાની સુરક્ષાની પરવા કર્યા વગર નદીમાં કૂદેલા માતા અને પુત્રને બચાવવા પ્રયાસ શરૂ કર્યા હતા.
ભારે જહેમત બાદ બંનેના જીવ બચાવ્યા
સ્થાનિક યુવકોએ ભારે જહેમત બાદ માતા અને પુત્રને નદીમાંથી બહાર કાઢી બંનેના જીવ બચાવવામાં સફળતા મેળવી હતી. સમયસર સ્થાનિક યુવકો મદદ માટે આગળ આવ્યા હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે. માતા અને પુત્રને બચાવનાર યુવકોની બહાદુરીની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે.
છલાંગ લગાવવાનું કારણ હજુ અકબંધ
માતા અને પુત્રએ દમણગંગા નદીમાં છલાંગ કેમ લગાવી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સમગ્ર ઘટનાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. માતા અને પુત્ર બંને સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. તપાસ બાદ આ ચોંકાવનારી ઘટના પાછળનું કારણ સ્પષ્ટ થશે.
