કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં તહેવારોની મોસમ ટાણે જ વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય સાથે ચેડાં કરતા એક મોટા ભેળસેળયુક્ત ઘીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દમણના રિંગણવાડા વિસ્તારમાં આવેલી ‘સાવતા ફૂડ પ્રોડક્ટ્સ’ નામની ફેક્ટરી પર તંત્ર દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. આ સઘન તપાસ દરમિયાન શંકાસ્પદ અને હાનિકારક ઘીનો મોટો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.
‘સુકૂન’ બ્રાન્ડના ઘીમાં વનસ્પતિ અને પામ ઓઇલની ભેળસેળ
તંત્રની તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરીમાં ‘સુકૂન’ બ્રાન્ડના નામે શુદ્ધ ગાયના ઘીનું વેચાણ કરવામાં આવતું હતું, પરંતુ લેબોરેટરી પરીક્ષણમાં ઘીની આર.એમ. (RM) વેલ્યુ 24 હોવી જોઈએ તેના બદલે માત્ર 1.32 જેટલી અત્યંત ઓછી નોંધાઈ હતી. આ ઘીમાં વનસ્પતિ તેલ અને પામ ઓઇલની ગંભીર ભેળસેળ કરવામાં આવતી હોવાનું સ્પષ્ટ થયું છે. ફેક્ટરીમાંથી કુલ 8,224 કિલોગ્રામ (અંદાજે 8.2 ટન) શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
લાઈસન્સ રદ અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં સપ્લાયની તપાસ
આ ભેળસેળયુક્ત ઘી દમણ ઉપરાંત ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાં પણ મોટા પ્રમાણમાં સપ્લાય થતું હોવાનું ખૂલ્યું છે. ફેક્ટરીની અંદર ગંદકીનું સામ્રાજ્ય અને કર્મચારીઓના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ વગરની બેદરકારી પણ સામે આવી છે. ફૂડ સેફ્ટીના નિયમોના સરેઆમ ઉલ્લંઘન બદલ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ફેક્ટરીનું લાઈસન્સ રદ કરી દેવામાં આવ્યું છે અને કંપનીને તાળા મારી દેવામાં આવ્યા છે.
