David Warner હવે નેપાળી લીગમાં મચાવશે ધૂમ, કાઠમંડુ ગોરખાસ સાથે કર્યો કરાર

📅 Published: September 15, 2026 | 📂 Category: cricket

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નર હવે નેપાળ પ્રીમિયર લીગ (NPL)માં રમતો જોવા મળશે. તેણે કાઠમંડુ ગોરખાસ ફ્રેન્ચાઇઝી સાથે કરાર કરી લીધો છે, અને આ લીગમાં રમવા અંગે પોતાની ખુશી પણ વ્યક્ત કરી છે. ઓસ્ટ્રેલિયા માટે ત્રણેય ફોર્મેટમાં શાનદાર દેખાવ કરનારા અને અસંખ્ય રન બનાવનારા વોર્નર હવે નેપાળની આ લીગમાં પોતાની બેટિંગનો જાદુ બતાવશે, જે તેમના ચાહકો માટે ખૂબ જ ઉત્સાહજનક સમાચાર છે.

કાઠમંડુ ગોરખાસની સત્તાવાર જાહેરાત અને વોર્નરનો સંદેશ

કાઠમંડુ ગોરખાસ ટીમે મંગળવારે એક વિડિયો જાહેર કરીને ડેવિડ વોર્નરના જોડાવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ વિડિયોમાં વોર્નરે ખુશી વ્યક્ત કરતાં કહ્યું, તમામને નમસ્કાર, હું નેપાળ આવીને કાઠમંડુ ગોરખાસ ટીમનો હિસ્સો બનવા માટે ખૂબ જ આતુર છું. મને ખબર છે કે ઘણા લોકો માટે આ મુશ્કેલ સમય રહ્યો છે, પરંતુ આશા છે કે NPL લોકોના જીવનમાં આનંદ લાવશે અને તેમને એકસાથે લાવવામાં મદદ કરશે. મેં અહીંના ચાહકોના ઝૂનૂન અને ક્રિકેટ પ્રેમ વિશે ઘણું સાંભળ્યું છે, જેને રૂબરૂ અનુભવવા માટે હું આતુર છું. હું ટૂંક સમયમાં જ મેદાન પર તમારી સાથે રમવા માટે ઉત્સુક છું. 

ઓસ્ટ્રેલિયા માટે મેળવેલી ઐતિહાસિક સફળતાઓ

ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયન ટીમની મોટી સફળતાઓનો હિસ્સો રહી ચૂક્યો છે. તે 2 વખત વનડે વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે. આ ઉપરાંત 2021નો T20 વર્લ્ડ કપ અને 2021-23ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

નેપાળી ક્રિકેટના વિકાસ માટે મહત્વપૂર્ણ કરાર

વોર્નર સાથેના આ કરાર અંગે કાઠમંડુ ગોરખાસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનુભવ સ્વર સિરોહિયાએ પણ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ કરાર રાતોરાત થયો નથી, પરંતુ આ માટે મહિનાઓથી વાટાઘાટો ચાલી રહી હતી. વોર્નર જેવા વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીનું નેપાળ આવવું અહીંના યુવા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ સાબિત થશે, જેનાથી નેપાળી ક્રિકેટના વિકાસને વેગ મળશે અને ચાહકો માટે પણ આ એક અદ્ભુત તક છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વોર્નરની શાનદાર સફર

39 વર્ષીય ડેવિડ વોર્નરે વર્ષ 2009માં ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને 2024માં પોતાની છેલ્લી મેચ રમી હતી. તેમણે ઓસ્ટ્રેલિયા તરફથી 112 ટેસ્ટ મેચોમાં 44.59ની સરેરાશથી 8786 રન બનાવ્યા છે. વનડે ક્રિકેટમાં તેણે 161 મેચોમાં 45.30૦ની સરેરાશથી 6932 નોંધાવ્યા છે, જ્યારે 110 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 3277 રન બનાવ્યા છે. વોર્નરે પોતાના કરિયરમાં ટેસ્ટમાં 26 સદી, વનડેમાં 22 સદી અને T20I માં 1 સદી ફટકારી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *