Deesa News : માત્ર ગણતરીના કલાકોમાં જ ઉકેલાયો લૂંટકાંડ, પોલીસે લાખોના ચાંદીના દાગીના શોધી મૂળ માલિકના હાથમાં સોંપ્યા

📅 Published: November 6, 2026 | 📂 Category: Crime

બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક મોટી ઘટના સામે આવી હતી, પરંતુ પોલીસની સક્રિયતાથી ગુનેગારોના મનસૂબા પાણીમાં ફરી વળ્યા છે. ડીસાના ટેટોડા ગામ નજીક હાઇવે પર અજાણ્યા શખ્સો દ્વારા 12.160 કિલોગ્રામ ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ગંભીર ગુનાને ધ્યાનમાં લઈને બનાસકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ (માનવીય બાતમીદારો)ની મદદથી ગણતરીના કલાકોમાં જ આખી ગેંગનો પર્દાફાશ કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને લૂંટમાં વપરાયેલી અલ્ટ્રોઝ કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત

ઝડપાયેલા આરોપીઓ પાસેથી કબ્જે કરાયેલો અંદાજે રૂ. 27.44 લાખની કિંમતનો ચાંદીના દાગીનાનો જથ્થો મૂળ માલિકને પરત સોંપવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના લોકઉપયોગી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ કિંમતી મુદ્દામાલ સન્માનપૂર્વક તેના અસલી માલિકને પરત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરનાર LCB ટીમના પોલીસકર્મીઓને પણ નાયબ મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જેનાથી પોલીસ વિભાગનું મનોબળ પણ વધ્યું છે.

બનાસકાંઠા પોલીસની અનન્ય સિદ્ધિ

બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ગુનાખોરી ડામવાની સાથે-સાથે જનતાના વિશ્વાસને જીતવા માટે સતત સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટના ફરી સાબિત કરે છે કે પોલીસ પ્રજાની રક્ષા માટે કટિબદ્ધ છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ, છેલ્લા એક વર્ષમાં 538 જેટલા કાર્યક્રમો દ્વારા બનાસકાંઠા પોલીસે વિવિધ ગુનાઓમાં ખોવાયેલો કે લૂંટાયેલો કુલ રૂ. 4.66 કરોડ જેટલો માતબર મુદ્દામાલ મૂળ માલિકોને સફળતાપૂર્વક પરત અપાવ્યો છે. પોલીસની આ ત્વરિત અને પારદર્શક કામગીરીથી સમગ્ર જિલ્લાના વેપારી વર્ગ અને નાગરિકોમાં સુરક્ષાની પ્રબળ ભાવના જાગી છે.

આ પણ વાંચો : Amreli News : દિવાળી ટાણે ગીરમાં સિંહોની સુરક્ષા સઘન, ગેરકાયદેસર લાયન શો રોકવા વન વિભાગનું મેગા પેટ્રોલિંગ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *