Delhi: જંતરમંતર પર વિરોધ પ્રદર્શન વચ્ચે ચૂંટણી પંચે લીધો આ મોટો નિર્ણય, જાણો શું થશે અસર

📅 Published: October 10, 2026 | 📂 Category: India National

મતદાર યાદીમાંથી નામ દૂર કરવા માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ-7 અંગે ચૂંટણી પંચે નવી મર્યાદા નક્કી કરી છે. હવે કોઈ એક વ્યક્તિ દાવા અને વાંધા નોંધાવવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન વધુમાં વધુ 10 ફોર્મ-7 જ ભરી શકશે.

મતદાર યાદીમાં ફોર્મ-7નો ઉપયોગ શા માટે થાય છે?

મતદાર યાદીમાં કોઈ નામ સામે વાંધો ઉઠાવવા અથવા પહેલાથી નોંધાયેલા મતદારનું નામ રદ્દ કરવાની વિનંતી કરવા માટે ‘ફોર્મ 7’નો ઉપયોગ થાય છે. મતદાર નોંધણી નિયમો, 1960ના નિયમ 13(2) હેઠળ આ ફોર્મ ભરવાનો અધિકાર માત્ર એ જ વ્યક્તિને છે જે સંબંધિત વિધાનસભા ક્ષેત્રની મતદાર યાદીમાં નોંધાયેલ હોય. અગાઉ ઓનલાઈન માધ્યમથી એક સાથે 6 ફોર્મ ભરી શકાતા હતા, પરંતુ ઓફલાઈન કાગળની અરજીઓ પર કોઈ મર્યાદા નહોતી, જેને હવે પંચે સુધારીને ઓનલાઈન-ઓફલાઈન બંને માટે સમાન મર્યાદા નક્કી કરી છે.

આ ફેરફાર કરવાનું મુખ્ય કારણ શું?

અગાઉની ચૂંટણીઓમાં કેટલાક રાજકીય પક્ષો દ્વારા મોટાપાયે ફોર્મ 7 નો દુરૂપયોગ કરવાનો અને વિરોધી મતદારોના નામ કઢાવવાના આરોપો સામે આવ્યા હતા. સ્થાનિક BLOના આઇ-ડીનો ઉપયોગ કરીને મોટાપાયે નામ કઢાવવાની અરજીઓ અપલોડ થઇ હતી, જેથી આ બધી ઘટનાઓ પર રોક લગાવવા આ આદેશ આપવામાં આવ્યો છે.  

મતદાર યાદી માર્ગદર્શિકા, 2023માં વ્યક્તિગત મતદારો દ્વારા મોટી સંખ્યામાં દાવા અને વાંધા રજૂ કરવા અંગે પહેલેથી જ જોગવાઈ છે. ટપાલ દ્વારા મોકલવામાં આવેલી અરજીઓ પણ તેમાં સામેલ છે. જો કોઈ એક વ્યક્તિ 5થી વધુ કિસ્સામાં વાંધો નોંધાવનાર બને, તો મતદાર નોંધણી અધિકારી (ERO)એ વ્યક્તિગત રીતે તેની ચકાસણી કરવાની રહે છે.

ખોટી ફરિયાદ કરનાર સામે કાર્યવાહી થશે

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે નિયમ 17 હેઠળ અધૂરાં અથવા નિર્ધારિત માળખા મુજબ ન ભરાયેલાં આવેદનો મતદાર નોંધણી અધિકારી દ્વારા નામંજૂર કરવામાં આવશે.

ફોર્મ-7 પર વાંધો નોંધાવનાર વ્યક્તિની પોતાની સહી હોવી જરૂરી છે. સહીના બદલે મહોર માન્ય ગણાશે નહીં. આ ઉપરાંત, મતદાર નોંધણી અધિકારીએ અરજી કરનાર વ્યક્તિની ઓળખ અને વિગતોની ખરાઈ પણ કરવાની રહેશે.

જો કોઈ ફરિયાદ ખોટી અથવા બનાવટી હોવાનું જણાશે, તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 31 હેઠળ જાણીજોઈને ખોટું નિવેદન આપનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *