Delhi : દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર, સરકાર હવે ફ્રીમાં લગાવશે સોલાર પેનલ

📅 Published: September 1, 2026 | 📂 Category: India National

દિલ્હી સરકારે વીજળી અને સોલાર એનર્જીને લઈને મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે જણાવ્યું કે કેબિનેટે દિલ્હી સોલાર પોલિસી 2023માં મોટા ફેરફારને મંજૂરી આપી છે. સરકારનો ઉદ્દેશ્ય લોકોને સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવાની સાથે સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાનો છે.

લાભાર્થીઓએ શરૂઆતમાં કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં

નવી દિલ્હી સોલાર એનર્જી સ્કીમ હેઠળ 400 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરતા ઘરેલુ ગ્રાહકોના ઘરમાં 3 કિલોવોટ સુધીની ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. આ માટે લાભાર્થીઓએ શરૂઆતમાં કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. સરકાર માર્ચ 2027 સુધીમાં બે લાખથી વધુ ઘરોને સોલાર યોજના સાથે જોડવા અને દિલ્હીમાં 500 મેગાવોટ સોલાર ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય ધરાવે છે.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે દિલ્હીને ‘ગ્રીન દિલ્હી’ તરફ લઈ જવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનો પ્રયાસ છે કે દિલ્હીની વધુમાં વધુ છતો પર સોલાર પેનલ લગાવવામાં આવે. તેમણે કહ્યું કે કેન્દ્રની ‘PM સૂર્ય ઘર: મુફ્ત વીજળી યોજના’ દેશભરમાં સારું કામ કરી રહી છે, પરંતુ દિલ્હીમાં તેની ગતિ અપેક્ષા મુજબ રહી નહોતી. તેથી સ્થાનિક સ્તરની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને યોજનામાં ફેરફાર કરવામાં આવ્યા છે.

નેટ મીટરિંગ પ્રક્રિયાનો સમય 25 દિવસ કરાયો

દિલ્હી સરકાર દ્વારા હાલની વીજળી સબસિડી પણ ચાલુ રાખવામાં આવશે. સાથે જ રૂફટોપ સોલાર માટેની નેટ મીટરિંગ પ્રક્રિયાનો સમય 75 દિવસથી ઘટાડીને માત્ર 25 દિવસ કરવામાં આવ્યો છે. સોલાર પેનલથી વધારાની ઉત્પન્ન થતી વીજળી વીજ કંપનીઓને આપવામાં આવશે અને તેના બદલામાં ગ્રાહકોને ચૂકવણી કરવામાં આવશે. મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ સરકારનો ઉદ્દેશ્ય ઘરોને માત્ર વીજળીના ગ્રાહક નહીં પરંતુ વીજળીના ઉત્પાદક બનાવવાનો છે. સરકારના આ પગલાથી લોકો પોતાની જરૂરિયાતની વીજળી ઉત્પન્ન કરી શકશે અને વધારાની વીજળી ગ્રીડમાં આપી શકશે.

દિલ્હીમાં અત્યાર સુધીમાં 10,073 સોલાર ઈન્સ્ટોલેશન થયા છે, જેમાં સરકારી ઈમારતોનો હિસ્સો વધુ છે. પૂરતી રૂફટોપ જગ્યા ન ધરાવતા ઘરો માટે પણ સરકાર વૈકલ્પિક ઉકેલ શોધી રહી છે. ઊર્જા મંત્રી આશિષ સૂદે જણાવ્યું કે આ સુધારો સસ્તી વીજળી અને સ્વચ્છ ઊર્જા તરફ દિલ્હીના પરિવર્તનને ઝડપી બનાવવાના હેતુથી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Death Threat: ‘કટ્ટર આતંકવાદીઓ ટૂંક સમયમાં તમને મારી નાખશે’, Chirag Paswanને જાનથી મારી નાખવાની ધમકી મળી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *