અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સોમવારે કોંગ્રેસ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કેરળમ, કર્ણાટક અને તેલંગાણાની કોંગ્રેસ સરકારોને રાજીનામું આપવાનો પડકાર ફેંક્યો હતો. સરમાએ દાવો કર્યો હતો કે આ રાજ્યોમાં પણ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના કાર્યકાળ દરમિયાન કથિત રીતે ‘મતચોરી’ દ્વારા સરકારો બની હતી.
3 રાજ્ય સરકારોને રાજીનામું આપવાનો પડકાર
પત્રકાર પરિષદમાં હિમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે જો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પોતાની સરકારોના રાજીનામા માટે તૈયાર હોય, તો તેઓ બેલેટ પેપરથી ચૂંટણી લડવા તૈયાર છે. તેમણે દાવો કર્યો હતો કે કેરળમ, કર્ણાટક અને તેલંગાણાની સરકારોએ પણ રાજીનામું આપવું જોઈએ. આ તમામ આરોપો સરમાએ કોંગ્રેસના ચૂંટણી અભિયાનના જવાબમાં લગાવ્યા હતા.
એસઆઈઆરને ગણાવી જરૂરી પ્રક્રિયા
મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા એટલે કે એસઆઈઆરનો બચાવ કરતાં સરમાએ કહ્યું હતું કે દેશમાં વસ્તી વિષયક ફેરફારોને નિયંત્રિત કરવા માટે આ પ્રક્રિયા જરૂરી છે. તેમણે દાવો કર્યો હતો કે ગેરકાયદે સ્થળાંતરને કારણે અસમ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડની વસ્તીની રચનામાં ફેરફાર થયો છે. સરમાએ માગ કરી હતી કે દર 5 વર્ષે એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરવામાં આવે. તેમના મતે, મતદાર યાદીમાંથી અયોગ્ય નામો દૂર કરવા ભારતીય લોકશાહીને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે.
રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર ગંભીર આરોપ
હિમંત બિસ્વા સરમાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર વિદેશી તાકાતોના ઇશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસ લોકશાહી સંસ્થાઓને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે અને ભારતને નેપાળ તથા બાંગ્લાદેશ જેવી સ્થિતિમાં લઈ જવા માગે છે.
દિલ્હીમાં કોંગ્રેસનું આંદોલન
કોંગ્રેસ છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં વિપક્ષી પક્ષો સાથે મળીને એસઆઈઆર અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસ ઈવીએમના બદલે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માગ પણ કરી રહી છે. આ રાજકીય વિવાદ વચ્ચે સરમાએ કોંગ્રેસને આ પડકાર આપ્યો છે.
આ પણ વાંચો : India : 6 રાજ્યોમાં નવા રાજ્યપાલ, ઓમ પ્રકાશ માથુર અને દુષ્યંત ગૌતમ સહિત 6ની નિમણૂક
