મહેન્દ્ર સિંહ ધોની એટલે ભારતીય ક્રિકેટનું એવું નામ જે મેદાન પર જેટલું શાંત રહે છે, મેદાનની બહાર પણ તે એટલું જ લો-પ્રોફાઇલ જીવન જીવવાનું પસંદ કરે છે. ધોની સોશિયલ મીડિયા કે સ્માર્ટફોનનો બહુ ઓછો ઉપયોગ કરે છે તે વાત આખું જગત જાણે છે. પરંતુ વર્ષ 2025માં જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચીને પ્રથમ વખત વનડે વર્લ્ડ કપ જીત્યો, ત્યારે કેપ્ટન કૂલ પોતાને રોકી શક્યા નહીં. તેમણે ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાને એક ખાસ વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો, જે હવે ભારે ચર્ચામાં આવ્યો છે.
ધોની બંને એક મંચ પર સાથે જોવા મળ્યા
મુંબઈમાં આયોજિત એક ગ્લેમરસ ઇવેન્ટ દરમિયાન સ્મૃતિ મંધાના અને એમએસ ધોની બંને મંચ પર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન મંધાનાએ તે યાદગાર કિસ્સા પરથી પડદો હટાવ્યો હતો જેને સાંભળીને ત્યાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ધોનીનો મેસેજ અને મંધાનાની ખુશી
સ્મૃતિ મંધાનાએ જણાવ્યું કે 2025નો મહિલા વર્લ્ડ કપ જીત્યા બાદ અચાનક તેમના ફોન પર એમએસ ધોનીનો વોટ્સએપ મેસેજ આવ્યો. મંધાના માટે આ કોઈ સપનાથી ઓછું નહોતું કારણ કે ધોની ભાગ્યે જ કોઈને ફોન કે મેસેજ કરે છે. ધોનીએ મેસેજમાં સ્મૃતિને સમગ્ર ભારતીય મહિલા ટીમને પોતાની તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવા માટે વિનંતી કરી હતી.ઇવેન્ટ દરમિયાન જ્યારે જાણીતા ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલેએ મજાકિયા અંદાજમાં સ્મૃતિને પૂછ્યું કે, શું તમારી પાસે ધોની સરનો નંબર પહેલેથી સેવ હતો? ત્યારે સ્મૃતિએ હસતા હસતા જવાબ આપ્યો કે, હા મારી પાસે તેમનો નંબર પહેલાથી જ સેવ્ડ હતો.
ધોનીએ માત્ર સ્મૃતિ મંધાનાને જ મેસેજ કેમ કર્યો?
આ સવાલનો રસપ્રદ જવાબ ખુદ માહીએ જ આપ્યો હતો. ધોનીએ ખુલાસો કરતા કહ્યું કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અન્ય કોઈ પણ ખેલાડીનો મોબાઈલ નંબર મારી પાસે ઉપલબ્ધ નહોતો. હું આખી ટીમને આ ઐતિહાસિક જીત બદલ અભિનંદન આપવા માંગતો હતો. સદનસીબે, વર્લ્ડ કપના થોડા સમય પહેલા જ અમે બંનેએ એક એડ શૂટ (જાહેરાત) માટે સાથે કામ કર્યું હતું, જેના કારણે મારી પાસે સ્મૃતિનો જ કોન્ટેક્ટ નંબર હતો. બસ આ જ કારણે મેં આખી ટીમ વતી સ્મૃતિને મેસેજ મોકલીને શુભેચ્છાઓ પાઠવી હતી.
ટીમ ઇન્ડિયાનો એ ઐતિહાસિક વિજય
તમને જણાવી દઈએ કે 2 નવેમ્બર, 2025ના રોજ નવી મુંબઈમાં રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં ભારતીય મહિલા બ્રિગેડે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને ઇતિહાસનું પ્રથમ વનડે વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું હતું. ફાઇનલ મેચમાં ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 298 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેમાં શેફાલી વર્માએ 87 રનની અને દીપ્તિ શર્માએ 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી.જવાબમાં લૌરા વોલ્વાર્ડ્ટની સદી છતાં સાઉથ આફ્રિકાની ટીમ 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ બોલિંગમાં પણ કમાલ કરતા 5 વિકેટ ઝડપી હતી અને ભારતને વિશ્વ વિજેતા બનાવ્યું હતું.ધોનીનો આ નાનકડો મેસેજ દર્શાવે છે કે તેઓ ભલે સક્રિય ક્રિકેટથી દૂર હોય, પરંતુ ભારતીય ક્રિકેટ અને ખાસ કરીને મહિલા ક્રિકેટરોની મહેનત પ્રત્યે તેમના દિલમાં અપાર સન્માન છે. સ્મૃતિ મંધાના અને સમગ્ર ટીમ માટે માહીના આ શબ્દો હંમેશા યાદગાર સંભારણું બની રહેશે.
આ પણ વાંચો – Mumbai Indiansએ બદલી આખી ટીમ, પોલાર્ડની નવી ટીમમાં દિગ્ગજોની એન્ટ્રી!
