DIAL 112 પ્રોજેક્ટ હેઠળ પાટનગરમાં 37 જગ્યાઓ મંજૂર:રાજ્યભરમાં 3 હજાર કાયમી જગ્યાઓ ભરાશે, ગાંધીનગરમાં કાયદો-વ્યવસ્થાની સુરક્ષા વધુ મજબૂત થશે

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

રાજ્ય ગૃહ વિભાગ દ્વારા ઈમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થા DIAL 112 ‘જનરક્ષક’ પ્રોજેક્ટને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં વહીવટી મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) ગગનદીપ ગંભીર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ નવી સેવા વર્ષ 2026-27 અંતર્ગત રાજ્યભરમાં વિવિધ સંવર્ગની કુલ 3000 નવી કાયમી જગ્યાઓ ઊભી કરાશે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના સુરક્ષા તંત્રને પણ નવું બળ મળવા જઈ રહ્યું છે. પાટનગરમાં કટોકટીના સમયે નાગરિકો સુધી પોલીસની ત્વરિત સહાય પહોંચાડી શકાય તે હેતુથી ગાંધીનગર જિલ્લા માટે કુલ 37 નવી જગ્યાઓની વ્યાપક ફાળવણી કરવામાં આવી છે. બિનહથિયારી 12 ASI અને 25 પો. કોન્સ્ટેબલ
ગાંધીનગર જિલ્લા હસ્તક મંજૂર કરવામાં આવેલા આ નવા મહેકમમાં 12 બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર (ASI) અને 25 બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ (PC) નો સમાવેશ થાય છે. પાટનગરમાં ઈમરજન્સી કોલ્સ પર ક્ષણે-ક્ષણનો રિસ્પોન્સ ટાઈમ સુધારવા અને બનાવ સ્થળે પોલીસ ટીમોનું ઝડપી લોકેશન કવરેજ સુનિશ્ચિત કરવા માટે આ નવી જગ્યાઓ અત્યંત મહત્વની સાબિત થશે. 37 જગ્યાઓ પર ઝડપથી ભરતી
સમગ્ર પ્રોજેક્ટના અમલીકરણ માટે રાજ્ય સરકારે પોતાના નાણાકીય અંદાજપત્રમાં કુલ રૂ. 140.60 કરોડની જંગી જોગવાઈ કરી છે જેમાંથી ગાંધીનગર જિલ્લાની સુરક્ષા વ્યવસ્થાના આધુનિકીકરણ અને માનવબળ વધારવાનો માર્ગ મોકળો બન્યો છે. રાજ્યકક્ષાએથી થયેલી આ જિલ્લાવાર ફાળવણી બાદ હવે સંબંધિત કચેરીઓ દ્વારા ગાંધીનગર જિલ્લા હસ્તકના પોલીસ મહેકમ માટે મંજૂર થયેલી આ 37 જગ્યાઓ પર ઝડપથી ભરતી અને તૈનાતીની કામગીરી હાથ ધરવામાં આવશે. નાગરિકોને તાત્કાલિક સુરક્ષા અને મદદ મળશે
ઈમરજન્સી સેવા ‘જનરક્ષક’ 112 ને ગાંધીનગરમાં વધુ સક્ષમ બનાવવાથી સામાન્ય નાગરિકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને કોઈપણ આકસ્મિક સ્થિતિમાં તાત્કાલિક સુરક્ષા અને મદદ મળી રહેશે. મહત્વનું છેકે રાજ્યના અન્ય વિસ્તારોમાં કચ્છ ઈસ્ટમાં 99, કચ્છ વેસ્ટમાં 78, ભરૂચમાં , બનાસકાંઠામાં 98, જૂનાગઢમાં 78, મોરબીમાં 75 અને મહેસાણામાં 67 મહેકમ મંજૂર કરાયું છે. ગાંધીનગર માટે 37, ખેડા માટે 57, પંચમહાલ માટે 50, વલસાડ માટે 45 અને ડાંગ જિલ્લા માટે 14 જગ્યાઓની ફાળવણી કરવામાં આવી છે. ગૃહ વિભાગના આ નિર્ણયથી ઈમરજન્સી સેવા DIAL 112 ની કામગીરીમાં ઝડપ આવશે અને નાગરિકોને મુશ્કેલીના સમયે ત્વરિત પોલીસ સહાય ઉપલબ્ધ થઈ શકશે. તમામ સંબંધિત કચેરીઓને આ મંજૂર થયેલી જગ્યાઓ ભરવા અંગે આગળની કાર્યવાહી શરૂ કરીને અહેવાલ સુપ્રત કરવા સૂચના આપી દેવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *