ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા અથવા તેમાં નામ-સરનામું બદલાવવા માટે લોકોને ઘણી વખત પેપરવર્ક અને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જોકે, આગામી દિવસોમાં આ નિયમોમાં મોટો ફેરફાર થઈ શકે છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)એ ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત નિયમોમાં અનેક મહત્ત્વના ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ હેઠળ ભારતીય અને વિદેશી નાગરિકોના ડ્રાઇવિંગ લાઇસન્સના ફોર્મેટ અને રંગ અલગ-અલગ હોઈ શકે છે. આ ઉપરાંત, લાઇસન્સ પર બ્લડ ગ્રુપ, મોબાઇલ નંબર અને ઇમરજન્સી કોન્ટેક્ટની માહિતી આપવી પણ ફરજિયાત બની શકે છે. મંત્રાલયે લાઇસન્સમાં નામ અને સરનામું બદલવાની પ્રક્રિયા સરળ બનાવવા તેમજ સુરક્ષિત ડ્રાઇવિંગના મૂલ્યાંકનના નિયમો વધુ કડક કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.
લાઇસન્સ પર બ્લડ ગ્રુપ અને ઇમરજન્સી નંબરની માહિતી પણ જરૂરી બની શકે
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન નિયમો (Central Motor Vehicles Rules)માં ફેરફાર કરવા માટે ડ્રાફ્ટ જાહેર કર્યો છે. પ્રસ્તાવ મુજબ, નવું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવતી વખતે અથવા રિન્યૂ કરાવતી વખતે લાઇસન્સ લેમિનેટેડ કાર્ડ અથવા પોલિવિનાઇલ ક્લોરાઇડ (PVC) કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે. આ માટે ફોર્મ નંબર 7નો ઉપયોગ કરવામાં આવશે. પ્રસ્તાવિત નિયમો હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ પર કેટલીક વધારાની માહિતી આપવી પણ ફરજિયાત બની શકે છે. તેમાં લાઇસન્સધારકનું બ્લડ ગ્રુપ, મોબાઇલ નંબર અને ઇમરજન્સી કોન્ટેક્ટ નંબરનો સમાવેશ થાય છે. જરૂર પડ્યે આ માહિતીના આધારે સંબંધિત વ્યક્તિ અથવા તેના પરિવારનો સંપર્ક કરવામાં મદદ મળી શકે છે. મંત્રાલયે ઓળખ, ઉંમર અને સરનામાના પુરાવા તરીકે સ્વીકારવામાં આવતા દસ્તાવેજોની યાદી પણ આપી છે.
મંત્રાલયે ઉંમર અને સરનામાના પુરાવા સંબંધિત નિયમોમાં પણ ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. આ હેઠળ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા નોટરી સમક્ષ સોગંદ લઈને બનાવવામાં આવતા સોગંદનામાની ફરજિયાત શરત દૂર કરવાનો પ્રસ્તાવ છે. સાથે જ, કેટલાક કિસ્સાઓમાં સોગંદનામા અને લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસીને ઉંમર તથા સરનામાના પુરાવા તરીકે સ્વીકારવાની વાત પણ કરવામાં આવી છે. તેનો હેતુ દસ્તાવેજોના ખોટા ઉપયોગને અટકાવવાનો અને અરજીની પ્રક્રિયા સરળ બનાવવાનો છે.
એડ્રેસ પ્રૂફ માટે આમાંથી કોઈ એક દસ્તાવેજ જરૂરી બની શકે
પ્રસ્તાવિત નિયમો અનુસાર આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાર ઓળખપત્ર, ઈ-રેશન કાર્ડ, કેન્દ્ર અથવા રાજ્ય સરકાર કે જાહેર ક્ષેત્રના ઉપક્રમ દ્વારા જારી કરાયેલ સર્વિસ આઈડી કાર્ડ, પેન્શનધારકનું ફોટો ઓળખપત્ર, સ્વાતંત્ર્ય સેનાની ઓળખપત્ર, ત્રણ મહિના જૂનું વીજળીનું બિલ અથવા ગેસ કનેક્શનનું બિલ તથા જન્મ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજોને ઓળખ, ઉંમર અને રહેઠાણના પુરાવા તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
15 દિવસમાં બદલાઈ શકે નામ અને સરનામું
ડ્રાફ્ટ નિયમોમાં ડ્રાઇવિંગ લાઇસન્સ પરની વ્યક્તિગત માહિતીમાં ફેરફાર કરવા અંગે પણ મહત્વનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ મુજબ, લાઇસન્સિંગ ઓથોરિટીએ નામ અને સરનામું બદલવા જેવી અરજીઓ પર 15 દિવસની અંદર નિર્ણય લેવો પડશે. ઓથોરિટીએ અરજી સ્વીકારવી કે નકારવી તે નક્કી કરવાનું રહેશે. જો અરજી નકારવામાં આવે, તો તેનું કારણ પણ જણાવવું પડશે. આ ઉપરાંત, મંત્રાલયે નામ અને સરનામા સહિતની વ્યક્તિગત માહિતીમાં ફેરફાર કરવા માટેની ફી નાબૂદ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. જો આ પ્રસ્તાવ અમલમાં આવશે, તો લાઇસન્સધારકોને પોતાની માહિતી અપડેટ કરાવવા માટે સમય અને પૈસા બંનેની બચત થઈ શકે છે. ખાસ વાત એ છે કે ભારતીય અને વિદેશી નાગરિકોના ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અલગ-અલગ ફોર્મેટ નક્કી થઈ શકે છે. બંને લાઇસન્સના રંગ પણ અલગ રાખવામાં આવી શકે છે, જેથી તેમની ઓળખ કરવી સરળ બને.
અહીં મળી શકે છે ફીમાં છૂટ
મંત્રાલયે કેટલીક ઓનલાઈન ડ્રાઇવિંગ લાઇસન્સ સેવાઓ માટે ફી માફ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. તેનો લાભ એવા અરજદારોને મળી શકે છે, જેઓ આધાર ઓથેન્ટિકેશન દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરશે. જોકે, કઈ સેવાઓ પર આ છૂટ લાગુ પડશે તેનો નિર્ણય અંતિમ નિયમોના આધારે લેવામાં આવશે. મંત્રાલયે આ ફેરફારો અંગે સંબંધિત પક્ષો પાસેથી સૂચનો અને વાંધા મંગાવ્યા છે. ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર થયાના 30 દિવસની અંદર લોકો અને અન્ય સંબંધિત પક્ષો પોતાનો અભિપ્રાય મંત્રાલયને મોકલી શકશે. હાલમાં આ ફેરફારો માત્ર પ્રસ્તાવિત છે. તેમને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને અમલમાં મૂકવામાં આવશે ત્યાર બાદ જ નવા નિયમો હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત પ્રક્રિયાઓમાં ફેરફાર થશે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d
