દુલીપ ટ્રોફી 2026ની ફાઇનલમાં યુવા બેટર વૈભવ સૂર્યવંશી અલગ અંદાજમાં બેટિંગ કરતો જોવા મળ્યો. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં સાઉથ ઝોન સામે ઈસ્ટ ઝોન તરફથી રમતા વૈભવે પોતાની બેટિંગની અલગ જ છાપ છોડી હતી. ખાસ કરીને સાઉથ ઝોનના ઝડપી બોલર મોહમ્મદ સિરાજ સામે તેણે આક્રમક બેટિંગ કરી હતી. બંને વચ્ચેની આ ટક્કર ઈસ્ટ ઝોનની ઇનિંગની ચોથી ઓવરમાં જોવા મળી હતી, જેમાં વૈભવ સિરાજ પર સંપૂર્ણ રીતે હાવી રહ્યો હતો.
સિરાજની એક ઓવરમાં 14 રન
ઈસ્ટ ઝોનની ઇનિંગની ચોથી ઓવર મોહમ્મદ સિરાજ નાખવા આવ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ આ ઓવરમાં પોતાની આક્રમક બેટિંગનો પરિચય આપ્યો. તેણે સિરાજની બીજી બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને ત્યારબાદ ત્રીજી બોલને પણ સિક્સર માટે મોકલી દીધી.આટલેથી વૈભવ અટક્યો નહોતો. ઓવરની છેલ્લી બોલ પર પણ તેણે ચોગ્ગો ફટકાર્યો. આ રીતે વૈભવે સિરાજની એક જ ઓવરમાં બાઉન્ડ્રી દ્વારા કુલ 14 રન મેળવી લીધા. યુવા બેટરની આ બેટિંગે ફાઇનલમાં શરૂઆતથી જ દર્શાવી દીધું કે તે મોટા મંચ પર પણ નિર્ભય રીતે રમવાની ક્ષમતા ધરાવે છે.
વૈભવનો બદલાયેલો બેટિંગ અંદાજ
વૈભવ સૂર્યવંશીની ઓળખ આક્રમક બેટિંગ માટે થઈ રહી છે. જોકે દુલીપ ટ્રોફીની ફાઇનલમાં તેનો અંદાજ થોડો અલગ જોવા મળ્યો. તેણે માત્ર મોટા શોટ રમવાને બદલે પરિસ્થિતિ પ્રમાણે બેટિંગ કરવાની કોશિશ કરી હતી.તેની ઇનિંગમાં સંયમ અને આક્રમકતાનું સારું સંતુલન જોવા મળ્યું. એક તરફ તેણે સિરાજ જેવા અનુભવી ઝડપી બોલર સામે આક્રમક શોટ ફટકાર્યા તો બીજી તરફ લાંબી ઇનિંગ રમવાનો પ્રયાસ પણ કર્યો. જોકે તે અર્ધસદી સુધી પહોંચી શક્યો નહોતો.
44 રન બનાવીને અર્ધસદીથી 6 રન દૂર રહ્યો
વૈભવ સૂર્યવંશી પોતાની ઇનિંગમાં 44 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 37 બોલનો સામનો કર્યો હતો, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. તે અર્ધસદીથી માત્ર 6 રન દૂર હતો ત્યારે ઝડપી બોલર ચામા મિલિન્દે તેને આઉટ કર્યો.દુલીપ ટ્રોફીમાં વૈભવ સતત બીજી વખત અર્ધસદીથી ચૂકી ગયો છે. સેમિફાઇનલની બીજી ઇનિંગમાં પણ તે 40 રન બનાવીને આઉટ થયો હતો. જોકે ફાઇનલમાં 44 રનની ઇનિંગ દરમિયાન તેણે પોતાની બેટિંગમાં પરિપક્વતા અને આક્રમકતાનો સારો સમન્વય દર્શાવ્યો.
અભિમન્યુ ઈશ્વરન સાથે 100 રનની ભાગીદારી
વૈભવની આ ઇનિંગનું સૌથી મોટું યોગદાન ઈસ્ટ ઝોનને મળેલી શાનદાર શરૂઆત રહી. તેણે ઓપનર અભિમન્યુ ઈશ્વરન સાથે મળીને પ્રથમ વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી હતી.બંને બેટરોએ મળીને ઈસ્ટ ઝોનને મજબૂત શરૂઆત અપાવી. વૈભવના 44 રન ભલે અર્ધસદીમાં બદલાયા નહીં, પરંતુ સિરાજ સામે તેની આક્રમક બેટિંગ અને ઈશ્વરન સાથેની શતકીય ભાગીદારીએ ફાઇનલમાં તેની ક્ષમતા ફરી એકવાર સાબિત કરી છે.
આ પણ વાંચો – Sunil Narine હેટ્રિકથી ચૂક્યો છતાં તોડ્યો મોટો રેકોર્ડ,CPLમાં કરી કરિયરની શ્રેષ્ઠ બોલિંગ
