Dwarkaના બરડા ડુંગરમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર રેન્જ આઈજીના દરોડા!

📅 Published: October 25, 2026 | 📂 Category: gujarati-news

દેવભૂમિ દ્વારકા અને ભાણવડ પંથકમાં આવેલ કુદરતી સૌંદર્યથી સભર બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ બેફામ રીતે ધમધમી રહી હોવાનો ચોંકાવનારો મામલો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે. અગાઉ એલસીબી (LCB) ની સફળ કાર્યવાહી બાદ હવે રાજકોટ રેન્જ આઈજી (IG) ની વિશેષ ટીમ દ્વારા બરડા ડુંગરના અંદરના વિસ્તારોમાં સપાટો બોલાવવામાં આવ્યો છે. રેન્જ આઈજીની ટીમે અચાનક પાડેલા આ દરોડાને કારણે સ્થાનિક પોલીસ અને વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) ની નિષ્ક્રિયતા અને કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

કુલ રૂ.1.14 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત 

રાજકોટ રેન્જ આઈજીની ટીમે બરડા ડુંગરમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠીઓ પર ઓચિંતી રેડ પાડીને મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 120 લીટર તૈયાર દેશી દારૂ તેમજ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો અંદાજે 3,600 લીટર જેટલો શંકાસ્પદ આથો જપ્ત કર્યો હતો. આમ, કુલ મળીને રૂપિયા 1,14,000નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેણે બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે.

Range IG's raid in Devbhoomi Dwarka

સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો

સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે જ્યાં બરડા સફારી અભયારણ્ય આવેલું છે અને જ્યાં વન વિભાગ તથા સ્થાનિક પોલીસની કડક દેખરેખ હોવી જોઈએ, ત્યાં આ પ્રકારે બેફામ દેશી દારૂની ભઠ્ઠીઓ કેવી રીતે ધમધમી રહી છે? અગાઉ પણ અનેક વખત આ જ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ ચૂકી છે, છતાં આ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર કાયમી ધોરણે અંકુશ કેમ નથી આવી રહ્યો? જો ઉચ્ચ અધિકારીઓની ટીમોને અચાનક દરોડા પાડવા પડે છે, તો સ્થાનિક તંત્ર અત્યાર સુધી આંખ આડા કાન કરીને શું કરી રહ્યું હતું તે એક મોટો પ્રશ્ન છે.

બરડા ડુંગરમાં કડક પગલાંની માગ

વન્યજીવો અને કુદરતી વારસા માટે જાણીતા બરડા ડુંગરમાં ચાલતી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓના કારણે પર્યાવરણ અને વિસ્તારની છબી પણ જોખમાઈ રહી છે. જાગૃત નાગરિકો અને સ્થાનિક લોકો દ્વારા હવે એવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે શું જવાબદાર તંત્ર આ દૂષણને ડામવા માટે કોઈ નક્કર અને કાયમી પગલાં ભરશે ખરું? બરડા ડુંગરમાંથી આ ગેરકાયદે દારૂના અડ્ડાઓ કાયમ માટે નેસ્તનાબૂદ થાય અને જવાબદાર અધિકારીઓ સામે પણ યોગ્ય તપાસ થાય તેવી તીવ્ર માંગ ઉઠી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *