Explainer : દારૂબંધીના દાવા વચ્ચે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો આતંક, 3 વર્ષમાં 600થી વધુ નિર્દોષ લોકોનાં મોત

📅 Published: November 26, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે રસ્તાઓ પર નશાખોર વાહનચાલકોનો આતંક જીવલેણ સાબિત થઈ રહ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય અને ગુજરાત ટ્રાફિક પોલીસના ચોંકાવનારા આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં નશાની હાલતમાં વાહન ચલાવવાના કારણે અંદાજે 600થી વધુ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 1,500થી વધુ લોકો કાયમી વિકલાંગ કે ગંભીર રીતે ઘાયલ થયા છે. રાજ્યમાં દર વર્ષે સરેરાશ 7,500થી વધુ લોકો રોડ અકસ્માતમાં મોતને ભેટે છે અને જુલાઈ 2026 સુધીમાં જ 16,000થી વધુ અકસ્માતો નોંધાઈ ચૂક્યા છે. કાયદાકીય છટકબારીઓ અને વીમાના નિયમોને કારણે પોલીસ ચોપડે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના સાચા આંકડા દબાવી દેવાતા હોવાની ગંભીર હકીકત પણ સામે આવી છે.

અકસ્માતોનો લોહિયાળ ગ્રાફ

આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. વર્ષ 2023માં રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં કુલ 7,854 લોકોનાં મોત નીપજ્યાં હતાં, એટલે કે દરરોજ સરેરાશ 21.5 લોકોએ રસ્તા પર જીવ ગુમાવ્યો હતો. વર્ષ 2024માં સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો ન હતો અને કુલ 15,588 અકસ્માતોમાં 7,717 લોકોનાં મોત થયાં હતાં (દૈનિક સરેરાશ 21.1 મોત).

દર વર્ષે સરેરાશ 7,500થી 7,800 લોકો અકસ્માતનો ભોગ બને છે

વર્તમાન સમયગાળા એટલે કે વર્ષ 2025-2026માં પણ આ સિલસિલો યથાવત્ રહ્યો છે. રાજ્યમાં દર વર્ષે સરેરાશ 7,500થી 7,800 લોકો અકસ્માતનો ભોગ બને છે. ચોંકાવનારી વાત એ છે કે માત્ર જુલાઈ 2026 સુધીમાં જ રાજ્યમાં 16,000થી વધુ અકસ્માતો પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે.

પોલીસ કાર્યવાહી છતાં નશાખોરો બેફામ બન્યા

ગુજરાત પોલીસે છેલ્લા ત્રણ વર્ષમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ 18,000થી વધુ કેસ દાખલ કર્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવાં મોટાં શહેરોમાં નાઇટ પેટ્રોલિંગ અને વિકએન્ડ ડ્રાઇવ દરમિયાન દર મહિને સરેરાશ 400થી 600 લોકોને પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરતા ઝડપાય છે. આ આંકડા સાબિત કરે છે કે કાયદાનો ડર નશાખોરોમાં રહ્યો નથી.

કાગળ પરના આંકડા અને જમીની હકીકત વચ્ચે મોટો તફાવત

નિષ્ણાતોના મતે નશાનાં કારણોસર થતા અકસ્માતોના વાસ્તવિક આંકડા સરકારી ચોપડે નોંધાયેલા આંકડા કરતાં ઘણાં મોટા છે. દારૂબંધીના કાયદાની ગૂંચવણો અને ખાસ કરીને વીમા કંપનીઓ પાસેથી ક્લેમ મેળવવાની મુદ્દે પણ એક આઈ.આર. (FIR)માં અકસ્માતનું મુખ્ય કારણ ‘દારૂ પીધેલો’ દર્શાવવાને બદલે માત્ર ઓવર સ્પીડિંગ કે રેશ ડ્રાઇવિંગ લખી દેવામાં આવે છે. આ ઉપરાંત, આરોપી પકડાયા બાદ જામીન મેળવી લેવાના તથા વિવિધ કોર્ટકચેરીની પ્રક્રિયાઓને કારણે આરોપીઓ કાયદાકીય છટકબારીઓનો લાભ લઈ સરળતાથી છૂટી જાય છે.

કડક સુધારાની તાતી જરૂરિયાત

જો આ દૂષણને તાત્કાલિક અસરથી નાથવામાં નહીં આવે, તો આગામી વર્ષોમાં ગુજરાતના રસ્તાઓ વધુ અસુરક્ષિત બનશે. નિષ્ણાતોનું માનવું છે કે માત્ર દંડ વસૂલવાથી સમસ્યા હલ નહીં થાય. પ્રથમ વખત પકડાનારનું લાઇસન્સ 6 મહિના માટે અને બીજી વખત પકડાનારનું લાઇસન્સ કાયમી રદ કરવું જોઈએ.

સાપરાધ મનુષ્યવધ’નો બિનજામીનપાત્ર ગુનો દાખલ થવો જોઈએ

વધુમાં, નશામાં અકસ્માત સર્જી મોત નીપજાવનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 હેઠળ ‘સાપરાધ મનુષ્યવધ’નો બિનજામીનપાત્ર ગુનો દાખલ થવો જોઈએ. જ્યાં સુધી કાયદાનો કડક અમલ અને સામાજિક જાગૃતિ એકસાથે નહીં આવે, ત્યાં સુધી રસ્તા પર નિર્દોષોનું રક્ત વહેતું અટકશે નહીં. 

રાજ્યોની બોર્ડર પરથી વિદેશી દારુનો જથ્થો બેરોકટોક શહેરો સુધી પહોંચે છે

રાજ્યમાં દારુબંધી હોવા છતાં પાડોશી રાજ્યોની બોર્ડર પરથી વિદેશી દારુનો જથ્થો બેરોકટોક શહેરો સુધી પહોંચી રહ્યો છે. જે સ્થાનિક પોલીસ અને ચેકપોસ્ટના મોનિટરીંગની નિષ્ફળતા સાબિત કરે છે. રાજ્યના મહાનગરોમાં વધી રહેલું લેટ નાઇટ પાર્ટી અને વીકેન્ડ કલ્ચર યુવાધનને નશાની બરબાદી તરફ ધકેલી રહ્યું છે. દારુનો નશો કરીને ગાડી ચલાવવાનો અતિ આત્મવિશ્વાસ અને સ્ટંટબાજી અન્ય નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકો માટે જીવલેણ સાબિત થાય છે.

આ પણ વાંચો :     26/11 Attacksની 18મી વરસીએ સૌથી નાની સાક્ષીએ યાદ કરી ભયાનક રાત, કહ્યું- કસાબ માત્ર મચ્છર હતો, પાકિસ્તાનમાં બેઠેલા અસલી માસ્ટરમાઇન્ડને સજા મળવી જોઈએ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *