ક્રિકેટ અને ગ્લેમરનો સંબંધ ઘણો જૂનો છે. ભારતમાં બંનેની લોકપ્રિયતા પણ ઘણી વધારે છે. ઘણા એવા કલાકારો છે, જેમને ક્રિકેટમાં ઊંડો રસ છે અને તેઓ લીગમાં રમતા પણ જોવા મળે છે. બીજી તરફ ઘણા એવા ક્રિકેટરો પણ છે, જેમણે ફિલ્મોમાં કામ કરવાનો પ્રયાસ કર્યો છે અથવા ટીવીની દુનિયાનો ભાગ રહ્યા છે.
રોહિત શર્મા બાદ સેહવાગની પણ શોમાં એન્ટ્રી
તાજેતરમાં રોહિત શર્માનો શો ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા ઘણી ચર્ચામાં રહ્યો હતો. સૌરવ ગાંગુલી પણ ઘણા શોનો ભાગ રહી ચૂક્યા છે. એટલું જ નહીં, તેમના જીવન પર આધારિત ફિલ્મ પણ આવી રહી છે, જેમાં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હવે નવા સમાચાર આવ્યા છે કે ભારતના પૂર્વ ધમાકેદાર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ પણ નવા શો સાથે આવવાના છે. તેઓ રાઇઝ એન્ડ ફોલની બીજી સીઝનમાં હોસ્ટની ભૂમિકામાં જોવા મળશે.
સલીમ દુર્રાનીની ક્રિકેટ કારકિર્દી
સલીમ દુર્રાની અફઘાનિસ્તાનમાં જન્મેલા ભારતીય ક્રિકેટર હતા. તેઓ ઓલરાઉન્ડર તરીકેના પ્રદર્શન માટે જાણીતા હતા. સલીમે 29 ટેસ્ટ મેચમાં 1200થી વધુ રન બનાવ્યા હતા અને 70થી વધુ વિકેટ પણ લીધી હતી. સલીમની રમવાની શૈલી ખૂબ અલગ હતી અને કહેવાય છે કે તેઓ દર્શકોની માગ પર છગ્ગા ફટકારવા માટે જાણીતા હતા. સલીમ પોતાની ફિટનેસ અને આકર્ષક વ્યક્તિત્વ માટે પણ ખૂબ જાણીતા હતા. અહીંથી જ તેમની ફિલ્મી કારકિર્દીને પણ વેગ મળ્યો અને તેમણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું.
સલીમ દુર્રાનીની ફિલ્મી કારકિર્દી
સલીમ દુર્રાનીને ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર પણ માનવામાં આવે છે. ત્યાર બાદ આ યાદી ઘણી લાંબી થઈ ગઈ. સલીમે 1969માં એક માસૂમ ફિલ્મથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ 1973માં તેઓ પરવીન બાબી સાથે ચરિત્ર નામની ફિલ્મમાં કામ કરતા જોવા મળ્યા હતા. તેમની બોલીવુડ કારકિર્દી લાંબી ચાલી નહોતી, પરંતુ તેમના ફિલ્મોમાં કામ કર્યા બાદ ક્રિકેટરો માટે ગ્લેમર વર્લ્ડના નવા દરવાજા ખુલ્યા અને ઘણા ક્રિકેટરોએ ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો. 2 એપ્રિલ 2023ના રોજ 88 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.
આ પણ વાંચો-Retro TV : 40 વર્ષ પહેલાં આવેલી દૂરદર્શનની એ હિટ સિરિયલ જેના નામ પર છે રેલવે સ્ટેશન!
