હરિયાણાના ફરીદાબાદના સેક્ટર-21Cમાં ધનતેરસની રાતે પાર્કિંગમાં કાર ઊભી રાખવા મુદ્દે થયેલા વિવાદે જીવલેણ સ્વરૂપ ધારણ કર્યું હતું. પાડોશમાં રહેતા મોહન ઉર્ફે મોનુ શર્માએ પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી કથિત રીતે 15થી 16 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં પરમજીત ધનકડને 8થી 9 ગોળી વાગતાં તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવ બાદ પરિવાર સાથે ફરાર થયેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચ સેક્ટર-30ની ટીમે ઝડપી લીધો છે.
જિમથી ઘરે પરત ફર્યા બાદ થયો વિવાદ
મળતી માહિતી મુજબ, પરમજીત ધનકડ રાત્રે આશરે 8 વાગ્યે જિમમાંથી ઘરે પરત ફર્યા હતા. આ દરમિયાન પાર્કિંગમાં ગાડી ઊભી રાખવા મુદ્દે ત્રીજા માળે રહેતા પાડોશી મોહન ઉર્ફે મોનુ શર્મા સાથે તેમનો વિવાદ થયો હતો. આરોપ છે કે બોલાચાલી ઉગ્ર બનતાં મોનુએ પિસ્તોલથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
બે દિવસ પહેલાં જ સિંગાપોરથી આવ્યા હતા
પરમજીત મકાન નંબર 641ના પહેલા માળે પત્ની, પુત્ર અને પુત્રી સાથે રહેતા હતા. તેઓ એક મોટી રાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરતા હતા અને કામના કારણે સિંગાપોરમાં રહેતા હતા. ભાણેજના લગ્નમાં હાજરી આપવા માટે તેઓ માત્ર 2 દિવસ પહેલાં જ ફરીદાબાદ પરત આવ્યા હતા. 24 નવેમ્બરે તેમના ભાણેજનાં લગ્ન યોજાવાનાં હતાં. પરમજીત મૂળ હિસારના રહેવાસી હતા.
પહેલાં પણ બંને પરિવારો વચ્ચે વિવાદ થયો હતો
પોલીસના જણાવ્યા મુજબ, બંને પરિવારો વચ્ચે અગાઉ પણ અવારનવાર વિવાદ થતા હતા. ઘટનાના 5 દિવસ પહેલાં પણ આરોપીએ પરમજીતના પુત્ર સાથે કૂતરાને લઈને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ ધનતેરસની રાતે પાર્કિંગના મુદ્દે થયેલો વિવાદ ફાયરિંગ અને હત્યા સુધી પહોંચ્યો હતો.
પરિવાર સાથે ફરાર આરોપી ઝડપાયો
ઘટના બાદ આરોપી પરિવાર સાથે ફરાર થઈ ગયો હતો. જોકે, ક્રાઇમ બ્રાન્ચ સેક્ટર-30ની ટીમે કાર્યવાહી કરીને મોહન ઉર્ફે મોનુ શર્માની ધરપકડ કરી છે. હવે પોલીસ સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Ayodhya Deepotsav 2026 : રામ કી પૈડી ઘાટ દીવડાઓની રોશનીથી ઝળહળ્યો, 30 લાખ દીવડા પ્રગટાવાયા
