રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગની મહાત્મા મંદિર ખાતે ચાલતી ચિંતન શિબીરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉપસ્થિત અધિકારીઓને આડકતરી રીતે શાબ્દિક ચાબખા માર્યા હતા. સીએમએ આ શિબિરમાં પોતાના વક્તવ્ય દરમિયાન R&B વિભાગ દ્વારા કરવામાં આવતી ભુલો, તેમાં અધિકારીઓની ભુમિકાઓ અને સાથેસાથે વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચેની મિલીભગતથી ચાલતી સિન્ડીકેટનો પરોક્ષ રીતે ઉલ્લેખ કરીને તેઓને આડકતરી રીતે ચેતવણી પણ આપી હતી. સીએમએ સારા કામમાં સરકાર તેમની સાથે હોવાનું અને ખરાબ કામમાં કોઇ બચાવશે નહી તેવી ગર્ભિત ધમકી પણ આપી હતી. તેઓએ વિભાગના અધિકારીઓને ટેન્ડર પ્રક્રિયામાં ધ્યાન રાખવાની સાથેસાથે ક્વોલિટી સાથે કોઇ જ બાંધછોડ નહી કરવા અને નીચુ ટેન્ડર ભરનાર કોન્ટ્રાક્ટરો પાસેથી સો ટકા કામ લેવા પર ભાર મુક્યો હતો. સરકારની પ્રતિષ્ઠામા R&B વિભાગની ભુમિકા મહત્વની છે. ચિંતન શિબિરમાં આ ભુમિકા વચ્ચે મુખ્યમંત્રીએ વિભાગમાં ચાલતી લાલિયાવાડી સંદર્ભે પણ આડકતરી રીતે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. સારા કામમાં ક્રેડિટ લેવા અને ખરાબ કામમાં કોઇનું નામ આગળ ધરી દેવાની વાતનો ઉલ્લેખ કરીને તેઓએ આ મામલે ઉપસ્થિત અધિકારીઓને જવાદારીઓ એકબીજા પર ઢોળવાની નિતીથી દુર રહેવા સાનમાં સમજાવી દીધુ હતું. કામના બિલો પાસ કરાવવા માટે ભલામણોની રખાતી અપેક્ષાનો પણ તેઓએ ઉલ્લેખ કરીને જણાવ્યુ હતુકે, તમારી જે ફરજમાં આવે છે તે કરવાનું છે, તેમાં સાહેબોના ભલામણના ફોનની રાહ જોવાની જરૂર નથી. નથી થતુ તો નથી જ કરવાનું. આ માટે જ SOP બનાવી છે. જાણી જોઇને ભુલ કરતા અધિકારીઓને તેઓેએ ચેતી જવા આડકતરી રીતે સંકેત આપ્યો હતો. તેઓએ જણાવ્યુહતુ કે, પ્રજાજનો જાગૃત થયા છે. આ શાબ્દિક ચાબખા વચ્ચે સીએમએ અધિકારીઓ હતાશ ન થાય તે માટે R&B વિભાગના વખાણ પણ કર્યા હતા. સરકાર માટે વિભાગ મહત્વનો હોવાની વાત કરીને તેઓએ પુનઃ ચાબખા માર્યા હતા. તેઓએ ટેન્ડર પ્રક્રિયા પર ધ્યાન આપવા ટકોર કરી હતી. ખાસ કરીને નીચા ટેન્ડર ભરતા કોન્ટ્રાક્ટરો મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. નીચુ ટેન્ડર ભરનાર કોન્ટ્રાક્ટરોને શા માટે કામ આપવુ પડે મુખ્યમંત્રીએ આ બાબતે સરકારના SORની વાત છેડી ઘણું ખરું આડકતરી રીતે કહી દીધું હતું. નીચા ટેન્ડરમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વચ્ચે ચાલતી મિલીભગતનો આડકતરી રીતે ઉલ્લેખ કરીને આ તમામ બાબતોથી સરકાર વાકેફ હોવાનો મેસેજ આપ્યો હતો. બિલો ટેન્ડરની પ્રેક્ટિસને કાયમી રીતે દુર કરવા પર ભાર મૂકતા કહ્યું કે, આવા કોન્ટ્રાક્ટરો પાસેથી સો ટકા કામ લો, જેથી તમામને મેસેજ જાય. મુખ્યમંત્રીએ ઘણા મુદ્દે અધિકારીઓને ચિંતન કરવા જણાવ્યુ હતું.
Gandhinagar : ક્વોલિટીમાં કોઇ જ બાંધછોડ નહી, કોન્ટ્રાક્ટર પાસેથી 100 ટકા કામ લો
📅 Published: October 8, 2026 |
📂 Category: gujarati-news
