ગાંધીનગર નજીક અંબાપુર નર્મદા મુખ્ય કેનાલમાં મા અને દીકરીએ ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. ઘટનામાં 17 વર્ષીય દીકરી રોશનીનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીથી માતાનો જીવ બચાવવામાં આવ્યો છે. જોકે, મા-દીકરીએ આ અંતિમ પગલું શા માટે ભર્યું તેનું કારણ હજુ સુધી અકબંધ છે.
ઘરેથી નીકળ્યા બાદ લાંબા સમય સુધી પરત ન ફર્યા
પ્રાથમિક માહિતી મુજબ, બંને બાપુનગર વિસ્તારમાં રહેતા ભાઈના ઘરેથી સવારે નીકળ્યા હતા. લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન બંને અંબાપુર નજીક નર્મદા મુખ્ય કેનાલમાં હોવાનું સામે આવતા ઘટનાની જાણ પોલીસ સુધી પહોંચી હતી.
પોલીસ કોન્સ્ટેબલની જાણ બાદ ફાયર ટીમે રેસ્ક્યૂ શરૂ કર્યું
ઘટનાની જાણ થતાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ફાયર બ્રિગેડને માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને નર્મદા કેનાલમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે પ્રયાસો બાદ માતાને જીવિત હાલતમાં કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી.
CPR આપતાં માતાનો શ્વાસ પરત આવ્યો
કેનાલમાંથી બહાર કાઢવામાં આવેલી માતાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક CPR આપતાં તેનો શ્વાસ પરત આવ્યો હતો. ત્યારબાદ સારવાર માટે પ્રથમ અડાલજ PHC ખાતે ખસેડવામાં આવી હતી અને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી હતી.
17 વર્ષીય દીકરીનું ડૂબી જવાથી મોત
રેસ્ક્યૂ દરમિયાન 17 વર્ષીય રોશનીને પણ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી, પરંતુ તેનું ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે.
કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ
અડાલજ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સૌથી મોટો સવાલ એ છે કે મા-દીકરીએ એકસાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આટલું ગંભીર પગલું શા માટે ભર્યું? પોલીસ હવે પરિવારજનો અને અન્ય વિગતોના આધારે ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ આગળ વધારી રહી છે.
આ પણ વાંચો : Sandesh Indepth : હવે ડ્રાયફૂટ અને મીઠાઇમાં ભાવ વધારો, કાજુ કતરી 800થી સીધી 1200 રુપિયા સુધી પહોંચી
