ગાંધીનગર જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ યોજાનાર ખેલમહાકુંભ 2026ને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. વહીવટી કે અન્ય કારણોસર જિલ્લા અને મનપા કક્ષાની તમામ રમતો હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે, જેના કારણે સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર બેઠેલા ખેલાડીઓએ થોડી રાહ જોવી પડશે.
1 થી 21 ઓક્ટોબર સુધીની સ્પર્ધાઓ પર અસર
મૂળ આયોજન મુજબ આ સ્પર્ધાઓ 1 થી 21 ઓક્ટોબર દરમિયાન યોજાવાની હતી, પરંતુ હવે વડી કચેરી તરફથી મળતી સત્તાવાર સૂચનાઓ અને માર્ગદર્શિકા બાદ જ આ સ્પર્ધાઓનું ફરીથી આયોજન કરવામાં આવશે અને નવી તારીખો જાહેર કરવામાં આવશે.
તાલુકા અને ઝોન કક્ષાનું આયોજન યથાવત
ખેલાડીઓની મૂંઝવણ દૂર કરવા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, માત્ર જિલ્લા અને મનપા કક્ષાની સ્પર્ધાઓ જ મોકૂફ રહી છે, જ્યારે તાલુકા અને ઝોન કક્ષાનું આયોજન અગાઉથી નક્કી કરેલા નિયત સ્થળ અને સમય મુજબ સંપૂર્ણપણે યથાવત રહેશે.

નિયમો અને સ્થળ યથાવત રહેશે
ગાંધીનગર જિલ્લા રમત ગમત કચેરી દ્વારા સ્પર્ધાઓની નવી તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, માહિતી પુસ્તિકામાં દર્શાવ્યા મુજબ રમતના સ્થળો, કન્વીનર અને સમયમાં કોઈ જ ફેરફાર કરવામાં આવશે નહીં, માત્ર તારીખો જ બદલાશે.
આ પણ વાંચો: Gandhinagar News: તંત્રના પાપે રોગચાળાનું જોખમ, કલોલની આનંદપાર્ક સોસાયટીમાં રહીશોમાં રોષ!
