Gandhinagar News : ગુજરાતમાં વૈજ્ઞાનિકો સૂર્યનું રહસ્ય ઉકેલવા લાગ્યા, કૃત્રિમ સૂરજ બનાવવા માટે સંશોધન શરૂ

📅 Published: September 15, 2026 | 📂 Category: gujarati-news

આકાશમાં ચમકતો સૂરજ તો રોજ સૌને દેખાય છે પરંતુ હવે ગુજરાતની ધરતી પર પણ વૈજ્ઞાનિકો સૂરજનું રહસ્ય ઉકેલવામાં લાગી ગયા છે.સૂર્યની અંદર જે પ્રક્રિયાથી અઢળક ઊર્જા પેદા થાય છે તેવી જ પ્રક્રિયાને ગાંધીનગરની પ્રયોગશાળામાં કાબૂમાં લેવાની કવાયત ચાલી રહી છે.પ્લાઝમામાં સૂર્ય જેવી અતિ ગરમ સ્થિતિમાં પહોંચાડવા માટે વૈજ્ઞાનિકોએ હવે વધુ શક્તિશાળી પ્રણાલી કાર્યરત કરી છે.આ પ્રયોગ સફળ રહ્યો તો ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલ કે કોલસા વગર સ્વચ્છ ઊર્જાના નવા યુગની શરૂઆત થઈ શકે છે.

એક મહત્ત્વની કડી હવે ગુજરાતમાં લખાઈ જઈ રહી છે

દુનિયા જેને કૃત્રિમ સૂર્ય કહી રહી છે તેના સંશોધનની એક મહત્ત્વની કડી હવે ગુજરાતમાં લખાઈ જઈ રહી છે.ગાંધીનગરમાં આવેલી પ્લાઝમા સંશોધન સંસ્થામાં સૂર્ય જેવી ઊર્જા પેદા કરવાની પ્રક્રિયા અંગે સંશોધન ચાલી રહ્યું હોવાનો અહેવાલ સામે આવ્યો છે.આ સંસ્થામાં એસએસટી-૧ નામના ખાસ યંત્ર દ્વારા સૂર્યમાં થતી પ્રક્રિયા જેવી સ્થિતિ ઊભી કરીને તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.સૂર્યની અંદર હાઈડ્રોજનના નાના પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે.આ પ્રક્રિયામાં ખૂબ મોટી માત્રામાં ઊર્જા પેદા થાય છે.તેને પરમાણુ સંલયન કહેવામાં આવે છે.

આ પ્રયોગનો હેતુ ખરેખર સૂરજ બનાવવાનો નથી

વૈજ્ઞાનિકો આ જ પ્રક્રિયાને ધરતી પર નિયંત્રિત રીતે કરવાની રીત શોધી રહ્યા છે.જેમાં ગાંધીનગરની પ્લાઝમા સંશોધન સંસ્થામાં ખાસ યંત્રમાં વાયુને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરીને પ્લાઝમા બનાવવામાં આવે છે.પ્લાઝમાને સરળ ભાષામાં ખૂબ જ ગરમ વાયુ કહી શકાય. ત્યારબાદ તેને શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રની મદદથી નિયંત્રિત રાખવામાં આવે છે.આ પ્રયોગનો હેતુ ખરેખર સૂરજ બનાવવાનો નથી,સૂર્યની અંદર ઊર્જા પેદા કરતી પ્રક્રિયાને ધરતી પર કેવી રીતે નિયંત્રિત કરી શકાય તેનો અભ્યાસ કરવાનો છે. 

સામાન્ય ભાષામાં કૃત્રિમ સૂરજ તરીકે ઓળખવામાં આવે છે

તેથી આવા સંશોધનને સામાન્ય ભાષામાં કૃત્રિમ સૂરજ તરીકે ઓળખવામાં આવે છે.એસએસટી-1 સાથે 82.6 ગીગાહર્ટ્ઝની અને 400 કિલોવોટ ક્ષમતાની પ્રણાલીના ઉપયોગ કરાયો હોવાનો દાવો છે.આ પ્રણાલી પ્લાઝમાને વધુ ગરમ કરવામાં મદદરૂપ થાય છે.જો વૈજ્ઞાનિકો પરમાણુ સંલયનની પ્રક્રિયાને લાંબા સમય સુધી અને સુરક્ષિત રીતે નિયંત્રિત કરી શકશે તો ભવિષ્યમાં તેમાંથી વીજળી મેળવવાની શક્યતા છે.આથી કોલસા જેવા ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવામાં અને સ્વચ્છ ઊર્જા મેળવવામાં મદદ મળી શકે.

આ પણ વાંચોઃ Ahmedabad News: એક ફૂટ પાણીમાં AMCની ઈલેક્ટ્રીક બસો દોડતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે: ધારાસભ્યનો સવાલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *