Gandhinagar News: ચૂંટણીના સંગ્રામ બાદ મેયર પદ માટે કાંટાની ટક્કર, શું ભાજપ સરપ્રાઈઝ આપશે?

📅 Published: October 23, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગર મહાનગરપાલિકામાં 38 બેઠકો જીતીને ભાજપે સત્તા તો જાળવી રાખી છે પણ જીત બાદ અસલી સંગ્રામ હવે સત્તાના શિખરે બેસનારા ચહેરા માટે શરૂ થયો છે.અનામત રોસ્ટર મુજબ આ વખતે ગાંધીનગરને OBC મેયર મળવાના છે.ત્યારે કમલમના ગલિયારાઓમાં સૌથી મોટો સવાલ એ ઘૂંટાઈ રહ્યો છે કે શું વર્ષો જૂનો વોર્ડ નંબર 5 નો દબદબો જળવાઈ રહેશે કે પછી 2027ની વિધાનસભા ચૂંટણીના જ્ઞાતિગત સમીકરણો સાધવા માટે પક્ષ કોઈ નવો જ ચહેરો સામે લાવશે? વાંચો ગાંધીનગર મનપામાં જ્ઞાતિ પ્રભુત્વ અને રાજકીય શતરંજનો સંપૂર્ણ અહેવાલ આ સ્પેશિયલ રિપોર્ટમાં.

નવી જ્ઞાતિગત માંગ વચ્ચે જોરદાર ટક્કર

પાટનગર ગાંધીનગરના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો સ્થાપના કાળથી જ વોર્ડ નંબર 5 નો અદભુત દબદબો રહ્યો છે.પ્રથમ મેયર મહેન્દ્રસિંહ રાણાથી લઈને હંસાબેન મોદી,પ્રવીણ પટેલ અને રીટાબેન પટેલ સુધીના 4-4 મેયર આ જ એક વોર્ડમાંથી આવ્યા છે.2026ની મનપાની ચૂંટણીમાં પણ વોર્ડ નંબર 5 પર ભાજપે કબ્જો જાળવી રાખ્યો છે.પરંતુ આ વખતે મેયર પદ OBC અનામત ફાળવાતા જ પરંપરાગત સત્તાના કેન્દ્ર અને નવી જ્ઞાતિગત માંગ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. 

મેયરની પસંદગી

વોર્ડ નંબર 10 ના ધર્મેન્દ્ર નાયીનો દાવો મજબૂત 

મનપાના મતદાર ડેટા પર નજર કરીએ તો,ગાંધીનગરના ગ્રામ્ય પટ્ટા અને નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ઠાકોર અને ચૌધરી/આંજણા સમાજનું મોટું રાજકીય વર્ચસ્વ છે. વોર્ડ 4 અને 9 માંથી મહેશ ચૌધરી જેવા પ્રભાવશાળી નેતાઓ દાવેદાર છે.જે ઉત્તર ગુજરાતના સમીકરણો સાધી શકે છે. બીજી તરફ,મોટી જ્ઞાતિઓ વચ્ચેના જૂથવાદથી બચવા ભાજપ હંમેશાં નાના અને સંગઠનનિષ્ઠ વર્ગને પ્રાધાન્ય આપે છે.એવામાં વોર્ડ નંબર 10 ના ધર્મેન્દ્ર નાયીનો દાવો મજબૂત બને છે.જ્યારે વોર્ડ-5 ના પરંપરાગત ચહેરા કનૈયાલાલ દેસાઈ ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તા તરીકે રેસમાં મજબૂત છે.

સંપૂર્ણ પેનલ જીતનાર વોર્ડ પર જ પસંદગીનો કળશ 

આ ચૂંટણીમાં ભાજપ માટે કેટલાક ગણિત પણ બદલાયા છે.વોર્ડ નંબર 6 માં કોંગ્રેસે તમામ 4 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કરતા ભાજપનો ગઢ તોડ્યો છે.જેથી આ વોર્ડ મેયર પદની રેસમાંથી આપોઆપ ફેંકાઈ ગયો છે.​ઉપરાંત વોર્ડ નંબર 2 અને 7 માં ભાજપની પેનલ તૂટી હોવાથી હાઇકમાન્ડ જોખમ લેવા માગશે નહીં.ભાજપનું મોવડીમંડળ 4 ની સંપૂર્ણ પેનલ જીતનાર વોર્ડ પર જ પસંદગીનો કળશ ઢોળશે. 

ગાંધીનગર મેયર 1

ભારતીય જનતા પાર્ટી સરપ્રાઈઝ આપવા માટે માસ્ટર

રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીએ કહ્યું હતું કે,વોર્ડ પાંચ જેમાંથી કનુભાઈ દેસાઈ અને અત્યાર સુધી લગભગ વોર્ડ પાંચમાંથી મેયર મળ્યા છે.તો એવું બને આ વખતે વોર્ડ પણ ચેન્જ કરે વત્તા જેણે કાંટાની ટક્કર સહન કરી છે.જેણે પાર્ટી માટે ઘણા સમયથી કઈક કામ કર્યું અને કમિટમેન્ટ રહી ચૂક્યા હોય સંઘમાંથી કોઈ આવતો પરિવાર હોય,ભલે ઓબીસી હોય પણ સંઘમાંથી આવતો પરિવાર હોય.આવાની કોઈ નિમણૂક થઈ શકે છે એવું આપણે માનવું રહ્યું.પણ ભારતીય જનતા પાર્ટી સરપ્રાઈઝ આપવા માટે માસ્ટર છે.એટલે નબળા મેયર અને સબળા સ્ટેન્ડિંગ ચેરમેન એ ભારતીય જનતા પાર્ટી આપશે.

મેયરની પસંદગી માત્ર મનપા પૂરતી સીમિત નથી

ભાજપ માટે મેયરની પસંદગી માત્ર મનપા પૂરતી સીમિત નથી પણ આવનારી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી નું મોટું ગણિત છે.પક્ષ આ વખતે ‘એક વોર્ડ – એક હોદ્દો’ની નીતિ અપનાવી શકે છે.જો મેયર પદ OBC કેટેગરીમાંથી ફાળવાય તો ડેપ્યુટી મેયર તરીકે શહેરી વિસ્તારના જનરલ કે મહિલા ચહેરાને તક મળશે. જ્યારે નાણાકીય પાવર ધરાવતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે મેયર પદથી વંચિત રહેલા પ્રભાવશાળી નેતાને ગોઠવીને સંતુલન સાધવામાં આવશે.હવે જોવાનું એ રહેશે કે ભાજપ મોવડીમંડળ દર વખતની જેમ અણધાર્યો નિર્ણય લઈને ચોંકાવી દે છે કે પછી જ્ઞાતિ અને વોર્ડના પરંપરાગત ગણિત પર જ ભરોસો મૂકે છે. સત્તાના આ સંગ્રામનું ચિત્ર ટૂંક સમયમાં જ સ્પષ્ટ થશે.
ગાંધીનગર મેયર 1

જો ઠાકોર સમાજ માંથી મેયર બને તો..

આ સમાજમાંથી મેયર બનવાથી પક્ષની સૌથી મોટી વોટબેંકને સીધો અને સચોટ રાજકીય સંદેશ મળે. આગામી સમયમાં આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, પાટનગર અને ઉત્તર ગુજરાતના પટ્ટામાં પ્રભાવશાળી ઠાકોર સમાજને સત્તાના શીર્ષ સ્થાને બેસાડવાથી પાર્ટીનું રાજકીય પલડું વધુ મજબૂત બની શકે છે. ગાંધીનગર મનપામાં કુલ 11 વોર્ડ પૈકી 8 વોર્ડમાં ​ઠાકોર સમાજ જમીની સ્તરે સારો જનસંપર્ક ધરાવતા હોવાથી વહીવટી અને સંગઠનાત્મક સંકલનમાં સરળતા રહે છે.  જો મેયર પદ ઠાકોર સમાજને ફાળવવામાં આવે, તો અન્ય ઓબીસી સમુદાયો (જેમ કે ચૌધરી, નાયી, રબારી કે પ્રજાપતિ સમાજ) ને સત્તામાં ઓછું પ્રતિનિધિત્વ મળ્યાની ભાવના પેદા થઈ શકે છે, જેનાથી આંતરિક અસંતોષ જાગી શકે. ગાંધીનગર શહેર (સેક્ટરો) અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે વિકાસના મુદ્દાઓ અલગ હોય છે. જો ગ્રામ્ય પ્રભુત્વ ધરાવતો ચહેરો મેયર બને, તો સેક્ટર વિસ્તારના કોર્પોરેટરો સાથે વહીવટી પ્રાથમિકતાઓને લઈને મતભેદો ઊભા થવાની સંભાવના રહે છે. ભાજપ સામાન્ય રીતે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ ની રાષ્ટ્રીય છબી ધરાવે છે, પરંતુ જો માત્ર સંખ્યાબળના આધારે મોટી જ્ઞાતિને જ પદો અપાય, તો વિપક્ષ દ્વારા તેને જ્ઞાતિવાદી સમીકરણો સાથે જોડીને ટીકા કરવાનો અવસર મળી શકે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *