રાજ્યના પાટનગર ગાંધીનગરમાં તાજેતરમાં દિલ્હીના CJP આંદોલનને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દિલ્હીમાં ચાલી રહેલા CJP આંદોલન સામે મોટો વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ આંદોલનને લઈને વિદ્યાર્થી સંગઠને આક્રમક વલણ અપનાવતા સરકાર અને વિપક્ષ સામે સવાલો ઉઠાવ્યા છે.
CJP ના આંદોલનને ગણાવ્યું દેશવિરોધી, લગાવ્યા ઉગ્ર નારા
વિરોધ પ્રદર્શન દરમિયાન ABVP ના કાર્યકર્તાઓએ CJP ના આંદોલનને પ્રત્યક્ષ રીતે ‘દેશવિરોધી’ ગણાવ્યું હતું. કાર્યકર્તાઓએ જોરદાર સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સંગઠનનું માનવું છે કે, આ પ્રકારના આંદોલનો દેશની સુરક્ષા અને અખંડિતતા સામે મોટો ખતરો ઊભો કરી રહ્યા છે, જેને કોઈપણ ભોગે સાંખી લેવામાં નહીં આવે.

વામપંથી સંગઠનો પર દેશવિરોધી કામગીરીનો ગંભીર આક્ષેપ
આ વિરોધ પ્રદર્શનમાં ABVP એ વામપંથી સંગઠનો પર આકરા પ્રહારો કર્યા હતા. સંગઠનના અગ્રણીઓએ સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે, દેશમાં સક્રિય વામપંથી સંગઠનો સતત દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે અને યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. આ પ્રકારની માનસિકતા ધરાવતા સંગઠનો વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ પણ કરવામાં આવી છે.
કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી સામે પણ નોંધાવ્યો વિરોધ
આ વિરોધ માત્ર CJP પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ તેમાં કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. ABVP દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે નારા લગાવીને એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આવા તત્વોને રાજકીય ફાયદા માટે વિપક્ષી નેતાઓનું સમર્થન મળી રહ્યું છે, જે અત્યંત નિંદનીય છે.
