Gandhinagar News : રાજ્ય સરકારે ઘાસચારો, ખાંડ, સિંચાઈ અને વીજ પુરવઠા અંગે લીધા મહત્વના નિર્ણયો

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

ઓછા વરસાદની સ્થિતિમાં રાજ્ય સરકારે પશુપાલકો અને ખેડૂતોના હિતમાં અનેક સંવેદનશીલ નિર્ણયો લઈને પોતાની કટિબદ્ધતા દર્શાવી છે. પશુપાલકો અને પશુધનની સુરક્ષા માટે સરકારે રાજ્યના 301 ગામોના આશરે 90 હજાર પશુઓ સુધી અત્યાર સુધીમાં 16 લાખ કિલો ઘાસચારાનું સફળતાપૂર્વક વિતરણ કર્યું છે. પશુપાલકો પર કોઈ આર્થિક બોજ ન પડે તે માટે માત્ર રૂ. 2 પ્રતિ કિલોના રાહત દરે ઘાસચારો ઉપલબ્ધ કરાવાઈ રહ્યો છે. વન વિભાગ પાસે હજુ પણ 361 લાખ કિલો ઘાસચારો અનામત પડ્યો હોવાથી રાજ્યમાં ઘાસચારાની કોઈ અછત નથી. તમામ કલેક્ટરોને સ્થાનિક જરૂરિયાત મુજબ નિર્ણય લેવાની સત્તા સોંપવામાં આવી છે.

ટૂંક સમયમાં ખાંડના ભાવ નિયંત્રિત થશે

બીજી તરફ, રાજ્યમાં ખાંડની ઉપલબ્ધતા અને ભાવો અંગે સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં 17 ખાંડ મિલો કાર્યરત છે, જેની દૈનિક 73800 ટન પીલાણ ક્ષમતા છે. દર વર્ષે 2 લાખથી વધુ ખેડૂતોના સહયોગથી 9 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થાય છે અને હાલ મિલો પાસે 18 લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો અનામત છે. આગામી 15 ઓક્ટોબરથી મિલો પુનઃ શરૂ થતાં જથ્થામાં વધારો થશે. રાજ્યમાં કોઈ મંડળી સીધી શેરડીમાંથી ઇથેનોલ બનાવતી નથી પરંતુ ખાંડ બનાવ્યા બાદ મળતા મોલાસિસમાંથી જ ઇથેનોલ બનાવાય છે. સરકારના પ્રયાસોથી ખાંડના પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂ. 6500થી ઘટીને રૂ. 6000થી નીચે આવી ગયા છે અને ટૂંક સમયમાં ભાવો પૂર્ણપણે નિયંત્રિત થશે.

વીજ પુરવઠો વધારીને 10 કલાક કરી દેવામાં આવ્યો

ખેડૂતોના ઊભા પાકને સુકાતો બચાવવા માટે સરકાર દ્વારા સૌની યોજના અને સુજલામ સુફલામ યોજના મારફતે નર્મદા આધારિત પાઇપલાઇન નેટવર્કથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ડેમો અને તળાવો ભરવાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. મહી કમાન્ડ વિસ્તારમાં પરિયેજ અને કનેવાલ તળાવમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમજ આણંદ અને ખેડા જિલ્લામાં કડાણા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સિંચાઈ માટે વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેતીવાડી માટે રોજના 8 કલાક નિયમિત વીજળી આપવામાં આવી રહી છે. સ્થાનિક જરૂરિયાતને ધ્યાને રાખી અમરેલી, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જેવા 7 જિલ્લાઓમાં વીજ પુરવઠો વધારીને 10 કલાક કરી દેવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ Bhavnagar લઠ્ઠાકાંડમાં દિલ્હી સુધી SMCની 16 ટીમો તપાસમાં, 5થી વધુ ટીમોના વિવિધ રાજ્યોમાં દરોડા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *