Gandhinagar News: હવે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં કાઉન્સેલિંગ ફરજિયાત કરાયુ

📅 Published: September 7, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને આત્મહત્યાના બનાવો અટકાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974માં સુધારો કરીને નવી જોગવાઈ વિનિયમ-16(ખ) દાખલ કરી છે.આ સુધારા અન્વયે શાળાઓમાં તણાવમુક્ત વાતાવરણ ઊભું કરવા અને આત્મહત્યા નિવારણ માટે ખાસ દિશાનિર્દેશો લાગુ કરવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર

શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા આ સત્તાવાર ઠરાવ અનુસાર વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અને કલ્યાણ ત્યારે જ શક્ય છે જ્યારે તેમનું માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા સર્વોપરી રહે. વિદ્યાર્થીઓ પરીક્ષા કે અભ્યાસના બોજ હેઠળ આવ્યા વિના તણાવમુક્ત વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે અર્થે શાળાઓમાં હવેથી નિયમિત કાઉન્સેલિંગ સેશન્સ, જાગૃતિ કાર્યક્રમો અને માનસિક સ્વાસ્થ્ય માટે નિયત પ્રક્રિયાઓ હાથ ધરવાની રહેશે.આ ઉપરાંત પરિશિષ્ટ-8માં દર્શાવેલ જોગવાઈઓ મુજબ કામગીરી કરીને માનસિક તણાવમાં રહેતા અથવા આત્મહત્યા જેવા નકારાત્મક વિચારો ધરાવતા વિદ્યાર્થીઓની વહેલી ઓળખ કરી તેમને ત્વરિત અને સંવેદનશીલ સંસ્થાકીય મદદ પૂરી પાડવામાં આવશે.

શાળાઓમાં વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય સંભાળ અનિવાર્ય

આ મહત્વપૂર્ણ નિર્ણય સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા તથા કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલ ઓફિસ મેમોરેન્ડમના સંદર્ભમાં લેવાયો છે.સુપ્રિમ કોર્ટે દેશની તમામ સરકારી,ખાનગી શાળાઓ, કોલેજો, તાલીમ કેન્દ્રો અને કોચિંગ સંસ્થાઓ માટે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય સંબંધિત 15 બાધ્યકારી માર્ગદર્શિકાઓ અને 4 નિર્દેશો જારી કર્યા હતા.આ ઉપરાંત NCERT દ્વારા તૈયાર કરાયેલ UMMEED માર્ગદર્શિકા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને ધ્યાને રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યપાલના હુકમથી શિક્ષણ વિભાગના ઉપ સચિવ એસ.આઈ.ગોહિલ દ્વારા મંજૂર કરાયેલા આ ઠરાવથી હવે ગુજરાતની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની સંભાળ લેવી કાનૂની રીતે અનિવાર્ય બનશે જેથી કોઈ પણ માસૂમ વિદ્યાર્થી તણાવને કારણે આત્મઘાતી પગલું ન ભરે.

આ પણ વાંચોઃ Ahmedabad News: રિક્ષા ચાલકોએ અન્ય રિક્ષાઓને અટકાવી, વાહન નહીં મળતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *