ભ્રષ્ટાચારના નિર્મૂળ અને પારદર્શક વહીવટ માટે જનજાગૃતિ લાવવાના હેતુસર રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આવતીકાલથી 7 નવેમ્બર 2026 દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષના આ સપ્તાહની મુખ્ય થીમ “Probity for Prosperity”-સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ રાખવામાં આવી છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં પ્રમાણિકતા, નૈતિક મૂલ્યો અને સક્રિય નાગરિકતાની ભાવનાને દ્રઢ કરવાનો છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ વિભાગો, ખાતાના વડાઓ, બોર્ડ-નિગમો, જાહેર સાહસો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા વ્યાપક સ્તરે વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવશે.
વેબસાઈટની મુલાકાત લઈને ઈ-પ્રતિજ્ઞા પણ લઈ શકશે
આ સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં અનેકવિધ પ્રવૃત્તિઓ અને રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.આ અભિયાન દરમિયાન બીજી નવેમ્બરે તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફરજ પ્રત્યે નિષ્ઠા ના શપથ લેવામાં આવશે. આ ઉપરાંત સામાન્ય નાગરિકોને પણ સત્યનિષ્ઠાના શપથ લેવડાવવામાં આવશે. આ સંદર્ભે નાગરિકો સી.વી.સી.ની વેબસાઈટની મુલાકાત લઈને ઈ-પ્રતિજ્ઞા પણ લઈ શકશે. રાજ્યની અનેક સંસ્થાઓમાં નીતિઓ અને નિવારક સતર્કતા અંગેના પત્રો તેમજ કાર્યશાળાઓનું પણ આયોજન કરવામાં આવશે.
લોકભાગીદારી વધારવા પર વિશેષ ભાર
યુવાનો અને કર્મચારીઓમાં સભાનતા કેળવાય તેવા આશયથી ભ્રષ્ટાચાર સામેની લડત અને સતર્કતાને લગતા વિષયો પર ચર્ચા-વિચારણા, ક્વિઝ અને વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમાજના તમામ વર્ગોને આ અભિયાન સાથે જોડવા માટે વોકથોન, મેરેથોન, શેરી નાટકો અને જાગૃતિ ગ્રામ સભાઓનું આયોજન ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં કરવામાં આવશે. જેમાં ક્વિઝ, રંગોળી, પોસ્ટર મેકિંગ તેમજ લોકસાહિત્ય અને પપેટ શૉ દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી સંદેશાઓ જન-જન સુધી પહોંચાડવામાં આવશે. જનજાગૃતિના આ ભગીરથ કાર્યમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, બલ્ક એસ.એમ.એસ., ઈ-મેઈલ અને વોટ્સએપનો વ્યાપક ઉપયોગ કરવા તેમજ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ટેગ કરીને લોકભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
