રાજ્યમાં આજે અનંત ચૌદસના પાવન અવસરે ગણપતિ વિસર્જનનો મહાપર્વ ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે. પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને ઠેર ઠેર કૃત્રિમ તળાવો તેમજ કુદરતી ઓવારો ઉપર ગણપતિ વિસર્જનની સુચારુ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. રાજ્યમાં વિવિધ શહેરોમાં ગણપતિ વિસર્જનની તસવીરો જુઓ…
જંબુસરના ડાભા ગામે કોમી એકતાની અદભુત મિસાલ, મુસ્લિમ સમાજે ડ્રોનથી કરી ગણેશ વિસર્જન યાત્રા પર પુષ્પવર્ષા
જંબુસર તાલુકાના ડાભા ગામમાંથી હિન્દુ-મુસ્લિમ એકતાની એક હૃદયસ્પર્શી અને અનોખી મિસાલ સામે આવી છે, જ્યાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવેલા સ્વાગતે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

જંબુસર તાલુકાના ઇતિહાસમાં પ્રથમ વખત ડાભા ગામે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગણેશ વિસર્જન યાત્રાનું ડ્રોન દ્વારા આકાશમાંથી પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એક તરફ આકાશમાંથી વરસતા પુષ્પો અને બીજી તરફ નીચે ડીજેના તાલે ઝૂમતા લોકોના આ દૃશ્યે સમગ્ર ગામમાં ભાઈચારા અને કોમી એકતાનો અત્યંત સુંદર સંદેશ પાથર્યો હતો.

અમદાવાદમાં ભાવુક માહોલમાં ગણેશ વિસર્જન, ભક્તોએ બાપ્પાને આપી વિદાય
અમદાવાદમાં આજે ગણેશ વિસર્જન નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓ સાથે વિસર્જન સ્થળો પર પહોંચી રહ્યા છે. આ પવિત્ર અને વિદાયના ક્ષણે ભક્તોએ પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારે દુઃખ સાથે તેઓ બાપ્પાનું વિસર્જન કરવા આવ્યા છે, પરંતુ ગણેશજી પોતાના ઘરમાં પધાર્યા હતા અને હવે તેઓ પોતાની માતા પાસે પરત જઈ રહ્યા છે તેવી આસ્થા છે. ખાસ કરીને જે પરિવારોએ આ વર્ષે પ્રથમવાર ગણેશજીની સ્થાપના કરી હતી, તેમણે આગામી વર્ષે પણ બાપ્પાને પુનઃ પધરાવવાનો અડગ સંકલ્પ વ્યક્ત કર્યો છે.

દાહોદમાં ગણેશ વિસર્જન, સુરક્ષા માટે 300 પોલીસ જવાનો અને 60 તરવૈયા તૈનાત
દાહોદ શહેરમાં ઢોલ-નગારા અને ડીજેના તાલે ગણેશ વિસર્જનની ભવ્ય પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં ગોધરા રોડ પર બનેલા કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. શ્રદ્ધાળુઓની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને તળાવ કિનારે લપસણી ન થાય તે માટે પહેલીવાર પ્લાસ્ટિક મેટિંગ પાથરવામાં આવી છે, તેમજ મોટી પ્રતિમાઓના સરળ વિસર્જન માટે 2 ક્રેઈન અને 2 તરાપા કાર્યરત કરાયા છે.

આ ઉપરાંત, તળાવ ખાતે 60 જેટલા સ્થાનિક તરવૈયાઓ તૈનાત કરવામાં આવ્યા છે અને સાંજ તથા રાત્રિના વિસર્જન માટે હાઈમાસ્ટ ફ્લડ લાઈટો ગોઠવવામાં આવી છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડબાય રાખવાની સાથે 2 ડીવાયએસપી, 20 પીઆઈ-પીએસઆઈ અને 300 જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા શોભાયાત્રાના માર્ગો પર હોમગાર્ડ અને ટીઆરબી જવાનો ખડેપગે તૈનાત કરવામાં આવ્યા છે.

વડોદરામાં ધામધૂમથી ગણેશ વિસર્જનનો પ્રારંભ, 11 કૃત્રિમ તળાવો પર વિશેષ વ્યવસ્થાઓ ગોઠવાઈ
ગણેશ ચતુર્થીના અંતિમ દિવસે વડોદરા શહેરમાં બાપ્પાની વિદાય માટે ગણેશ વિસર્જનનો ભવ્ય પ્રારંભ થયો છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા માટે શહેરના 11 અલગ-અલગ સ્થળોએ કૃત્રિમ તળાવોમાં વિસર્જનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે વિસર્જન સ્થળો પર પોલીસ, મનપા અને ફાયર સેફ્ટીની ટીમો તૈનાત કરવામાં આવી છે તથા એક્સપર્ટ ટીમો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

ટ્રાફિક જામની સમસ્યા નિવારવા પોલીસ દ્વારા માત્ર મુખ્ય વાહનો સાથે આવવા અપીલ કરાઈ છે. સૂર્યાસ્ત બાદ વિસર્જન પ્રક્રિયા વધુ પડકારજનક બનતી હોવાથી સાવચેતી રાખવા, બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવા અને પ્રશાસનને સંપૂર્ણ સહકાર આપવા ભક્તોને વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે.
સુરતમાં ભવ્ય ગણેશ વિસર્જન, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પદયાત્રા સાથે જોડાયા
સુરત શહેરમાં ગણેશ વિસર્જનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં વિસર્જન નિમિત્તે હજારો સુરતીઓ રસ્તાઓ પર ઉમટી પડ્યા છે. આ ભક્તિસભર માહોલ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વાય જંકશનથી મગદલ્લા દરિયા ઓવર સુધી પદયાત્રા કરીને મગદલ્લા ગામના ઓવરા ખાતે પહોંચ્યા હતા.

પદયાત્રા દરમિયાન તેમણે ગણેશ વિસર્જન માટે આવતા ભક્તો પર રંગ-ગુલાલ ઉડાવી સ્વાગત કર્યું હતું અને ગણપતિ બાપ્પાના નારા લગાવ્યા હતા. ત્યારબાદ તેમણે નાની મંગલમૂર્તિને નાવડીમાં બેસાડીને જળમાં વિસર્જન કર્યું હતું.
અરવલ્લીમાં ભક્તિસભર ગણેશ વિસર્જન, મેઘરજ શોભાયાત્રામાં મંત્રી PC બરંડા જોડાયા
અરવલ્લી જિલ્લાભરમાં ગણેશ વિસર્જનનો પર્વ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે. મેઘરજ ખાતે યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં રાજ્ય કક્ષાના મંત્રી PC બરંડા વિશેષરૂપે જોડાયા હતા અને ઉત્સાહ વધાર્યો હતો. વિસર્જન યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો બાપ્પાની ભક્તિમાં લીન થઈને ગરબાની રમઝટમાં ઝૂમી ઉઠ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ દિવ્ય અને ઉત્સવમય બની ગયું હતું.

બગોદરામાં ગણેશ વિસર્જન વેળાએ દુર્ઘટના, 2 કિશોરો ડૂબ્યા, 1નો બચાવ જ્યારે 1ની શોધખોળ ચાલુ
બગોદરા શિયાળ રોડ પર આવેલા થાળા વાળી ડીબમાં ગણપતિ પધરાવવા ગયા બાદ ન્હાવા પડેલા સ્થાનિક રહેવાસી એવા 2 કિશોરો પાણીમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં જ લોકોના ભારે ટોળે-ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક SDRFની ટીમ તથા સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. ડૂબેલા કિશોરો પૈકી મહાવીર ગંભુભાઈ ચૌહાણને તરતા આવડતું હોવાથી તેમનો આબાદ બચાવ થયો છે, જ્યારે હર્ષરાજસિંહ વિજયસિંહ ચૌહાણની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન હાલ ચાલુ છે.

પેટલાદમાં ભારે ઉત્સાહ સાથે ગણેશ વિસર્જન, રામનાથ કુંડ ખાતે યોજાયા વરઘોડા
પેટલાદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ વિસર્જન નિમિત્તે દિવસભર અનેરો ઉત્સાહ અને ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો. વિવિધ વિસ્તારોમાંથી ડીજેના તાલે ધૂમ મચાવતા ગણેશ વિસર્જનના ભવ્ય વરઘોડા નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શહેરમાં નગરપાલિકા મેદાન પાસે આવેલા રામનાથ કુંડ ખાતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન દરમિયાન નાગરિકોમાં ભારે ઉત્સાહ દેખાયો હતો અને તમામ લોકોએ શાંતિપૂર્ણ રીતે બાપ્પાને વિદાય આપી હતી.

રાજકોટમાં શ્રદ્ધાપૂર્વક ગણેશ વિસર્જન, 6 સ્થળોએ કરાઈ રહી છે શ્રીજીની વિદાય
રાજકોટ શહેરમાં બાપ્પાના વિસર્જનને લઈને ભક્તિસભર માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં શહેરના રામવન સહિત કુલ 6 અલગ-અલગ સ્થળોએ વિસર્જનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

મોટી સંખ્યામાં ભાવિકો ગણેશ પ્રતિમાઓને લઈને વિધિવત રૂપથી વિસર્જન સ્થળે પહોંચ્યા હતા અને ભારે હૃદય સાથે શ્રીજીને વિદાય આપી હતી. કોઈપણ અપ્રિય ઘટના ટાળવા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસર્જન પ્રક્રિયા ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવી રહી છે.

નવસારીમાં ગણેશ વિસર્જનનો અદભુત માહોલ, 1900 પ્રતિમાઓનું થશે વિસર્જન
નવસારી શહેરમાં ગણેશ વિસર્જનને લઈને ભારે ઉત્સાહ અને ભક્તિસભર માહોલ જામ્યો છે. શહેરમાં આવેલી મોટી ગણેશ પ્રતિમાઓ ભવ્ય વિસર્જન યાત્રામાં જોડાઈ છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.

આ વર્ષે શહેરમાં કુલ 1900 જેટલી સ્થાપિત પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. ઉત્સાહ અને ભીડને ધ્યાનમાં રાખીને, શહેરમાં મોડી રાત સુધી તમામ પ્રતિમાઓનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી પૂરી સંભાવના છે.
28,293થી વધુ ગણપતિ પ્રતિમાઓનું વિસર્જન
સુરતમાં બપ્પાના આગમનથી લઈને અત્યાર સુધીના સમયગાળા દરમિયાન સુરત શહેરમાં કુલ 28,293 જેટલી ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન સફળતાપૂર્વક સંપન્ન થઈ ચૂક્યું છે. લાડીલા બાપાને વિદાઈ આપતી વેળાએ ભક્તોની આંખો ભીની થઈ ગઈ હતી અને સૌકોઈ આગામી વર્ષે વહેલા આવવા અર્થે પ્રાર્થના કરી રહ્યા છે.

સુરતીઓની ભીડ અને સેવાભાવી સંસ્થાઓનો જમાવડો
આજે ગણપતિ વિસર્જન નિમિત્તે સુરતના રસ્તાઓ ઉપર હૈયાવરાળ ભીડ ઉમટી પડી છે, અને સુરતીઓ મોટી સંખ્યામાં માર્ગો પર જોવા મળી રહ્યા છે. વિસર્જન માટે જઈ રહેલા ભક્તોની સેવા કરવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ પણ રસ્તાઓ પર સેવાકીય પ્રવૃત્તિઓ માટે ઉતરી આવી છે.

નિઃશુલ્ક ખાદ્ય સામગ્રી અને જળસેવા
વિસર્જનયાત્રામાં જોડાનાર અને પસાર થનાર ભક્તોની સુવિધા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી, કેળા, ચા, બિસ્કીટ જેવી જરૂરિયાતની ચીજવસ્તુઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે સુરતની ઉત્સાહી અને સેવાભાવી સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.



