Ghaziabad : મધરાતે ઘરની બહાર મરચાંનો ધુમાડો કરી પરિવારને બાનમાં લીધું, આતંક મચાવી લૂંટારાઓએ આચરી સનસનીખેજ લૂંટ

📅 Published: September 15, 2026 | 📂 Category: India National

ગાઝિયાબાદના ભોજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કલછીના ગામમાં મધરાતે 5થી 6 લૂંટારાઓએ એક પરિવારને લગભગ 2 કલાક સુધી બંધક બનાવી લૂંટ ચલાવી હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. પરિવારના જણાવ્યા મુજબ, લૂંટારાઓએ પહેલાં ઘરની બહાર કપડામાં મરચાં બાંધી આગ લગાવી હતી, જેના કારણે ધુમાડો ઘરમાં ફેલાયો હતો.

મરચાંના ધુમાડાથી પરિવાર પરેશાન

મરચાંનો ધુમાડો ઘરમાં ફેલાતા પરિવારના સભ્યોની આંખોમાં ભારે બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. બાળકો ઘરમાં આગ લાગી હોવાનું કહેતા મહિલાએ દરવાજો ખોલ્યો હતો. આ તકનો લાભ લઈ બહાર ઊભેલા લૂંટારાઓ જબરદસ્તી ઘરમાં ઘૂસી ગયા હતા.

પરિવારને ઘેરી મારપીટ કરી

કલછીનામાં રહેતા સદ્દામ પોતાની પત્ની અફરોજી અને 6 બાળકો સાથે ઘરમાં સૂતા હતા. આરોપ છે કે લૂંટારાઓએ સદ્દામના હાથ બાંધી પરિવારને ઘેરી લીધો હતો અને મારપીટ કરી હતી. મહિલાના જણાવ્યા મુજબ, બદમાશોએ ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો, જેમાં બચાવ કરતી વખતે તેના હાથમાં ઈજા થઈ હતી.

10 કિલો ચાંદી અને રૂ.5 લાખની માંગ

લૂંટારાઓએ ઘરમાં રૂ.5 લાખ રોકડા અને 10 કિલો ચાંદી હોવાની માહિતી મળ્યાનું કહી પૂછપરછ કરી હતી. પરિવારે આવી કોઈ રકમ કે ચાંદી હોવાનો ઇનકાર કર્યો હતો, છતાં તેમણે આખું ઘર ખંગાળ્યું હતું.પરિવારના આક્ષેપ મુજબ, બદમાશો મહિલાના કાનના કુંડળ, વીંટી, હાથના કડા, પુત્રીના લગ્ન માટે રાખેલા દાગીના, રોકડ અને અન્ય સામાન લૂંટી ફરાર થઈ ગયા હતા.

પોલીસ દ્વારા CCTV તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં ભોજપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરિવાર પાસેથી માહિતી મેળવી ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ આસપાસના CCTV કેમેરાની ફૂટેજ તપાસી રહી છે અને તસ્કરોની ઓળખ માટે પ્રયાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં સમગ્ર ઘટનાનો ખુલાસો કરવામાં આવશે.  

આ પણ વાંચો  :    Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *