Gir Somnath: દેલવાડામાં 1.50 કરોડથી વધુની છેતરપિંડીનો આક્ષેપ, નિધિ ક્રેડિટ મંડળીના સંચાલક અને મેનેજર સામે ફરિયાદ

📅 Published: November 4, 2026 | 📂 Category: Crime

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના દેલવાડામાં નિધિ ક્રેડિટ કો-ઓપરેટિવ મંડળીના નામે રોકાણકારો સાથે કરોડો રૂપિયાની કથિત છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. માસિક 2 ટકા અને વાર્ષિક 24 ટકા વ્યાજ આપવાની લાલચ આપી લોકો પાસેથી મોટી રકમનું રોકાણ કરાવ્યા બાદ નાણાં પરત નહીં આપી મંડળી બંધ કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે મંડળીના સંચાલક મનિષાબેન પંડ્યા અને મેનેજર દિનેશભાઈ રાઠોડ સામે ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદી અને પરિવાર પાસેથી રૂ.70.50 લાખનું રોકાણ

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી અને તેમના પરિવારજનો પાસેથી મંડળીમાં કુલ રૂ.70.50 લાખનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય 17 રોકાણકારોએ પણ રૂ.80.13 લાખ જેટલી રકમ મંડળીમાં જમા કરાવી હતી. આમ, કુલ રૂ.1.50 કરોડથી વધુની રકમ રોકાણકારો પાસેથી લેવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

સ્ટેમ્પ પેપર પર રકમ પરત આપવાના વાયદા

રોકાણકારોએ પોતાની રકમ પરત માગતાં તેમને સ્ટેમ્પ પેપર પર નાણાં પરત આપવાના વાયદા કરવામાં આવ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. જોકે, રોકાણકારોને તેમની રકમ પરત મળી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મંડળી બંધ કરી સંચાલકો ફરાર થયાનો આક્ષેપ

ફરિયાદ મુજબ, રોકાણકારોની કરોડો રૂપિયાની રકમ પરત આપ્યા વિના મંડળી બંધ કરી દેવામાં આવી હતી અને સંચાલકો ફરાર થઈ ગયા હતા. આથી રોકાણકારોમાં ચિંતા અને નાણાં ગુમાવવાની ભીતિ ઊભી થઈ છે.

ઉના પોલીસે તપાસ શરૂ કરી

સમગ્ર મામલે ઉના પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. 1.50 કરોડથી વધુની કથિત છેતરપિંડીના આક્ષેપો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન અન્ય કેટલા રોકાણકારો પાસેથી નાણાં લેવામાં આવ્યાં છે અને સમગ્ર વ્યવહારમાં કોની સંડોવણી છે તે અંગે વધુ વિગતો સામે આવી શકે છે. 

આ પણ વાંચો :   Explainer : અમેરિકામાં ડેમોક્રેટ્સની સરસાઈથી ટ્રમ્પ સામે 5 મોટા પડકાર, ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો, ભારતને શું અસર ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *