Gir Somnath News: પોલીસના નામે ગુંડાતત્વો બેફામ! ઉનાના વેપારીને ગાડીમાં પૂરી ઢોર માર માર્યો, લૂંટ ચલાવી ફરાર

📅 Published: September 19, 2026 | 📂 Category: Crime

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ના નામે એક વેપારીનું કથિત અપહરણ અને લૂંટ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો મુજબ, નંબર પ્લેટ વગરની સફેદ રંગની સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ પોતાની ઓળખ SOG કર્મચારી તરીકે આપી હતી. આ શખ્સોએ વેપારીને જબરદસ્તી કારમાં બેસાડીને ઉઠાવી ગયા હતા. કારમાં વેપારીને માર મારીને તેના ખિસ્સામાંથી રોકડ રકમ ઝૂંટવી લેવામાં આવી હતી અને તેને છોડવાના બદલામાં રૂ. 10 લાખની માંગણી કરવામાં આવી હતી.

લોકોએ પીછો કરતાં ગીરગઢડા પુલ પાસે વેપારીને છોડી ફરાર

અપહરણકારો વેપારીને ઉનાથી ઉઠાવીને ગીરગઢડા પુલ તરફ લઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ કેટલાક સ્થાનિક લોકો અને રાહદારીઓએ શંકાસ્પદ સ્વિફ્ટ કારનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. પીછો કરી રહેલા લોકોએ ગીરગઢડા પુલ પાસે સાહસ બતાવીને કારને રોકાવવાનો પ્રયાસ કર્યો હતો. લોકોની ઘેરાબંધી અને પકડાઈ જવાના ડરથી અપહરણકારો વેપારીને રસ્તામાં જ છોડીને પોતાની કાર લઈને વેરાવળ-કોડીનાર તરફ ભૂર્રાટાભેર ફરાર થઈ ગયા હતા.

CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ તેજ

આ સનસનાટીભર્યા બનાવ અંગે પીડિત વેપારી દ્વારા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આસપાસના વિસ્તારો અને હાઈવે પરના CCTV ફૂટેજ મેળવીને શંકાસ્પદ કાર તથા આરોપીઓની ઓળખ મેળવવા તપાસ ચક્ર ગતિમાન કર્યા છે. ઘટનાના બીજા દિવસે પણ આ બોગસ SOG કર્મચારીઓ પોલીસ પકડથી દૂર હોવાથી સ્થાનિક વેપારી આલમમાં ભય અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad News : બાળકોના સ્વાસ્થ્ય પર ખાંડનો મોટો ખતરો! શિક્ષણ વિભાગે સ્કૂલોમાં કેમ લગાવવા પડ્યા ‘સુગર બોર્ડ’?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *