Gir Somnath News: સગા ભત્રીજાએ કાકાનું કરી નાંખ્યું, ઉના તબીબ અપહરણ-લૂંટ કેસમાં 6 આરોપીની ધરપકડ

📅 Published: September 28, 2026 | 📂 Category: Crime

ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં તબીબના અપહરણ અને લૂંટની ચકચારી ઘટનામાં પોલીસે મોટો પર્દાફાશ કર્યો છે. ઉના પોલીસે ભારે જહેમત બાદ ઘટનાના 10 દિવસ પછી આ કેસનો ભેદ ઉકેલી કાઢ્યો છે, અને સમગ્ર ગુનામાં સંડોવાયેલા કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

પોલીસના સ્વાંગમાં આવીને ડોક્ટરને બનાવ્યા હતા શિકાર

ગત 17 સપ્ટેમ્બરે મેણ ગામે ડોક્ટર નફીસ સુમરાને શિકાર બનાવવામાં આવ્યા હતા. પોલીસના સ્વાંગમાં આવેલા શખ્સોએ ડોક્ટરનું અપહરણ કરીને તેમની પાસેથી લૂંટ ચલાવી હતી. આ ગંભીર ગુનાની તપાસના તાર છેક અમદાવાદ અને મહેસાણા સુધી લંબાયા હતા, જ્યાંથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.

સગા ભત્રીજાની જ નીકળી સંડોવણી, મુખ્ય સૂત્રધાર ઝડપાયો

આ ચોંકાવનારી ઘટનામાં ફરિયાદી તબીબના જ સગા ભત્રીજા અલ્કેશ યાકૂબ સુમરાની સંડોવણી સામે આવી છે. આ સમગ્ર કારસ્તાનનો મુખ્ય સૂત્રધાર ઉનાના નદીમ સિદ્દીક કાતરિયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પરિવારના સભ્યની જ દગાખોરી સામે આવતા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા છે.

Gir Somnath News: Doctor Kidnapping and Robbery Case Solved in Una, 6 Arrested Including Nephew

બોગસ પોલીસ અને બોગસ પત્રકાર બનીને કરતા હતા બ્લેકમેઇલ

આરોપીઓની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી હતી. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારના કૌશિક પ્રહલાદભાઈ પંચાલના મોબાઈલમાંથી પોલીસના બોગસ આઈડી કાર્ડ મળી આવ્યા છે. જ્યારે મહેસાણાના મિતેશ ઉર્ફે મોન્ટુ મનજીભાઈ ડાભી પર બોગસ પત્રકાર બનીને ફરવાનો આરોપ છે. આ ગેંગ બોગસ પોલીસ અને પત્રકાર બનીને નિર્દોષ લોકોને બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવવાના ખેલ રમી રહી હતી.

આરોપીઓના રિમાન્ડ મંજૂર અને આગળની તપાસ તેજ

પકડાયેલા તમામ 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં અદાલતે મહેસાણાના બે આરોપીઓના 2 દિવસના અને અન્ય ચાર આરોપીઓના 1 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

Gir Somnath News: Doctor Kidnapping and Robbery Case Solved in Una, 6 Arrested Including Nephew

ઝડપાયેલા આરોપીઓની યાદી

  • કૃણાલપુરી બળદેવપુરી ગોસ્વામી
  • મિતેશ ઉર્ફે મોન્ટુ મનજીભાઈ ડાભી
  • કૌશિક પ્રહલાદભાઈ પંચાલ
  • શ્રેયસ રાજેન્દ્ર પટેલ
  • નદીમ સિદ્દીક કાતરિયા
  • અલ્કેશ યાકૂબ સુમરા

પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં વધુ ગંભીર બાબતો અને અગાઉ આ પ્રકારે આચરવામાં આવેલા અન્ય ગુનાઓની વિગતો બહાર આવે તેવી પૂરી શક્યતા છે.

આ પણ વાંચો: Gir Somnath News: પોલીસના નામે ગુંડાતત્વો બેફામ! ઉનાના વેપારીને ગાડીમાં પૂરી ઢોર માર માર્યો, લૂંટ ચલાવી ફરાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *