Godhra: વટલાવ અને સખીદાસની મુવાડીમાં પ્રા.શાળાના તાળાં ખૂલ્યાં

📅 Published: September 26, 2026 | 📂 Category: gujarati-news

ગોધરા તાલુકાના સખીદાસની મુવાડીની પ્રાથમિક શાળાને વટલાવ ગામની પ્રાથમિક શાળામાં મર્જ કરવાના અને મર્જ રદ કરવાના ખેલને પગલે સર્જાયેલી સમસ્યાઓના નિવારણ અંગે બન્ને ગામની પ્રાથમિક શાળાઓના વાલીઓએ ગત તા.8 સપ્ટેમ્બરથી તાળાબંધી કરી હતી જે 17 દિવસ પછી શનિવારે સવારે વાલીઓએ બન્ને શાળાઓના તાળા ખોલતાં વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા તાલુકાના સખીદાસની મુવાડીની પ્રાથમિક શાળાને ગત 31 જુલાઈએ વટલાવ પ્રાથમિક શાળામાં મર્જ કરી હતી અને ચાર દિવસ બાદ તા.03 ઓગસ્ટે મર્જ કરવાનો હૂકમ રદ પણ કર્યો હતો. પરંતુ મર્જનો હુકમ રદ કર્યા પછી પણ સખીદાસની મુવાડી શાળાના બાળકો અને શિક્ષકોની ઓનલાઇન હાજરી સહિતના વહીવટીકામો માટે વટલાવ પ્રાથમિક શાળામાં જવાનું રહેતું હતું તદ્ઉપરાંત મર્જના હુકમને પગલે બન્ને શાળામાં એક એક શિક્ષકની પણ બદલી કરી નાખી હતી. જેને કારણે વટલાવ અને સખીદાસની મુવાડી ગામની પ્રાથમિક શાળાના મર્જરના સરકારી ખેલ સામે ગ્રામજનો અને વાલીઓ દ્વારા ગત 8 સપ્ટેમ્બરથી તાળાબંધી કરી હતી અને બન્ને શાળાઓના 300 જેટલા બાળકોનું શૈક્ષણિક કાર્ય 16 દિવસ સુધી ઠપ્પ થઈ ગયું હતું. જે 17 દિવસના વિરોધ બાદ શિક્ષણ વિભાગે મર્જરનો નિર્ણય રદ કરીને વહીવટી સુવિધાઓ યથાવત કરતાં શનિવારે વટલાવ અને સખીદાસની મુવાડીની બન્ને પ્રાથમિક શાળાઓના તાળાં ખોલવામાં આવ્યા હતા. વિધિવત મર્જરનો નિર્ણય રદ થતાં શનિવારે સવારે બન્ને શાળાઓના તાળાં ખોલાયા અને વિદ્યાર્થીઓ ફરી પોતાના વર્ગખંડમાં અભ્યાસ માટે પહોંચ્યા હતા. જેને પગલે બન્ને શાળાઓ ફરી શરૂ થતાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *