Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં નવો વળાંક! આજે 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો?

📅 Published: October 9, 2026 | 📂 Category: Business

ગુરુવારે, સોનાનો ભાવ ₹3,600 વધીને ₹1.52 લાખ પ્રતિ 10 ગ્રામ થયો. આનાથી બે સત્રોમાં ઘટાડાનો સિલસિલો અટક્યો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશન અનુસાર, 99.9 ટકા શુદ્ધ સોનાનો ભાવ ₹3,600 વધીને ₹1,52,500 પ્રતિ 10 ગ્રામ થયો, જેમાં કરનો પણ સમાવેશ થાય છે. ત્યારે શુક્રવારે સોના ચાંદીના ભાવમાં શું ફેરફાર આવ્યો છે તે વિશે જાણીએ. 

આજે ભાવ શું છે?

ગુડ રિટર્ન્સના અહેવાલ મુજબ, સોનું હાલમાં ₹1,50,710 અને ₹1,51,050 પ્રતિ 10 ગ્રામ વચ્ચે ટ્રેડ થઈ રહ્યું છે. જોકે, આ કર સિવાયનો મૂળ ભાવ છે. પરિણામે, ગઈકાલની સરખામણીમાં સોનાના ભાવ ₹1,140 વધ્યા છે. આજે 22 કેરેટ સોનાનો ભાવ પણ ₹1,050 વધીને ₹1,38,150 પ્રતિ 10 ગ્રામ થયો છે, અને 18 કેરેટ સોનાનો ભાવ ₹850 વધીને ₹1,13,030 પ્રતિ 10 ગ્રામ થયો છે.

બુધવારે, સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 1,48,900  પર બંધ થયું. વેપારીઓએ જણાવ્યું હતું કે તહેવારોની મોસમ પહેલા દાગીનાની માંગ વધવાની અપેક્ષાએ ઝવેરીઓ સામાન્ય રીતે કાચા માલ તરીકે સોનાની ખરીદીમાં વધારો કરે છે. બ્રોકરેજ પ્લેટફોર્મ લેમનના સંશોધન વડા ગૌરવ ગર્ગે જણાવ્યું હતું કે બે મહિનાના નીચલા સ્તરથી રિકવર થયા પછી ગુરુવારે સોનાને થોડો ટેકો મળ્યો હતો. જોકે, મજબૂત ડોલર અને ક્રૂડ તેલના ઊંચા ભાવે સોનાના ભાવમાં વધારો મર્યાદિત કર્યો હતો.

વૈશ્વિક બજારમાં સોનાનો વેપાર

વૈશ્વિક બજારમાં, ગઈકાલે હાજર સોનાનો ભાવ $4,111.94 પ્રતિ ઔંસ પર નજીવો વધારો થયો હતો, જ્યારે ચાંદી બે ટકાથી વધુ ઘટીને $58.50  પ્રતિ ઔંસ થઈ હતી. શેર્સ અને સ્ટોક બ્રોકર્સ લિમિટેડના રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટીઝ અને કરન્સી) ના જણાવ્યાનુસાર  ગુરુવારે વૈશ્વિક વેપારમાં સોનાના ભાવ $4,120  પ્રતિ ઔંસ પર સ્થિર રહ્યા હતા. તે પાછલા સત્રમાં નવ અઠવાડિયાના નીચલા સ્તર પર પહોંચી ગયો હતો. તેમણે ઉમેર્યું હતું કે પશ્ચિમ એશિયામાં ફરી તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $105 સુધી પહોંચી ગયા, જેના કારણે સોનાના ભાવમાં રિકવરી મર્યાદિત રહી.

ચાંદીનો ભાવ

જોકે, તેનાથી વિપરીત ચાંદીના ભાવમાં ઘટાડો થયો. ત્રણ સત્ર સુધી સ્થિર રહ્યા પછી, ચાંદીના ભાવમાં ફરી ઘટાડો શરૂ થયો, જે પાછલા સત્રમાં રૂ. 2.27 લાખ પ્રતિ કિલોથી ઘટીને ગુરુવારે રૂ. 2.24 લાખ પ્રતિ કિલો થઈ ગયો. ચાંદીના ભાવ ત્રણ મહિનાથી વધુ સમયગાળામાં સૌથી નીચા સ્તરે પહોંચ્યા. અગાઉ, 29 જૂને ચાંદી આ સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહી હતી.

દેશના કેટલાક મોટા શહેરોમાં ગોલ્ડ રેટ (ગુડ રિટર્ન્સ અનુસાર) 

શહેર  24 કેરેટ સોનાની કિંમત  22 કેરેટ સોનાની કિંમત 
દિલ્હી  1,50,860  1,38,300
મુંબઈ  1,50,710  1,38,150
કોલકાતા  1,50,710  1,38,150
ચેન્નઈ  1,50,710  1,38,150
અમદાવાદ  1,50,760  1,38,200
રાજકોટ  1,50,760  1,38,200

સોનાનું વ્યૂહાત્મક મહત્વ

યુએસ-ઈરાન સંઘર્ષની શરૂઆતથી સોનાના ભાવમાં 20% થી વધુનો ઘટાડો થયો છે. તેમ છતાં, વૈશ્વિક મધ્યસ્થ બેંકો માટે સોનાની વ્યૂહાત્મક ભૂમિકા સતત વધી રહી છે. આ અઠવાડિયે ઇટાલીમાં એકત્ર થયેલા મધ્યસ્થ બેંકના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતા વચ્ચે વિદેશી મુદ્રા ભંડારમાં વિવિધતા લાવવા માટે સોનું અત્યંત મહત્વપૂર્ણ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *