ભારતમાં પ્રતિબંધિત પાકિસ્તાની ‘ગોરી બ્યુટી ક્રીમ’નું વેચાણ ચાલુ હોવાનો દાવા વચ્ચે તેની તપાસમાં 5,000 PPM પારો મળી આવતાં કિડની, ત્વચા અને નર્વસ સિસ્ટમને નુકસાન થવાની ચિંતા વધી છે.
પ્રતિબંધ અને સ્વાસ્થ્ય સંબંધિત ચેતવણીઓ છતાં આ પ્રોડક્ટ બજાર અને ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાઈ રહી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં આ ક્રીમમાં એવા ઝેરી તત્ત્વો મળી આવ્યા છે, જે શરીરના મહત્ત્વના અંગોને નુકસાન પહોંચાડી શકે છે.
ક્રીમમાં પારાની જોખમી માત્રા મળી
આ મામલે સૌથી વધુ ચિંતા ક્રીમમાં રહેલા પારા (મરક્યુરી) અને સીસા (લેડ)ને લઈને છે. અહેવાલ અનુસાર, લેબોરેટરી તપાસમાં ક્રીમમાં પારાની માત્રા 5,000 પાર્ટ્સ પર મિલિયન (PPM) મળી આવી હતી, જ્યારે તેની નિર્ધારિત મર્યાદા 1 PPMથી ઓછી હોવી જોઈએ.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પારો ત્વચા દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે. તે મેલાનિનના ઉત્પાદનને અસર કરે છે, જેના કારણે ત્વચાનો રંગ હળવો દેખાવા લાગે છે. જોકે, તેની સાથે સ્વાસ્થ્યને લગતા ગંભીર જોખમો પણ જોડાયેલા છે.
શું છે સમગ્ર મામલો?
પાકિસ્તાનમાં બનેલી ‘ગોરી બ્યુટી ક્રીમ’ ભારતનાં અનેક રાજ્યોમાં વેચાઈ રહી છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ તેની ઉપલબ્ધતાની માહિતી સામે આવી છે. આ ક્રીમ સ્થાનિક દુકાનોની સાથે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ મળી રહી છે. તેની કિંમત આશરે ₹380થી ₹800 વચ્ચે હોવાનું કહેવાય છે.
ભારતમાં પાકિસ્તાનથી આવતી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ હોવા છતાં આવા ઉત્પાદનો બજાર સુધી કેવી રીતે પહોંચી રહ્યા છે, તેની તપાસ કરવામાં આવી રહી છે.
18 મહિલાઓને કિડનીની તકલીફ બાદ લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ
અહેવાલ અનુસાર, મહારાષ્ટ્રમાં 18 મહિલાઓને કિડની સંબંધિત સમસ્યાઓ સામે આવ્યા બાદ આ ક્રીમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આ તમામ મહિલાઓમાં એક સમાન બાબત સામે આવી હતી. તેઓ ‘ગોરી બ્યુટી ક્રીમ’નો ઉપયોગ કરતી હતી.
ત્યારબાદ પ્રોડક્ટના નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં હાનિકારક ધાતુઓની હાજરી મળી આવી હતી.
અન્ય દેશોમાં પણ જાહેર થઈ ચૂકી છે ચેતવણી
આ ક્રીમ સામે વિદેશોમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2021માં ન્યૂઝીલેન્ડની દવા નિયામક સંસ્થા મેડસેફે ‘ગોરી’ની કેટલીક પ્રોડક્ટના ઉપયોગને લઈને ચેતવણી આપી હતી.
બીજી તરફ, વર્ષ 2025માં ફિલિપાઈન્સની FDAએ પણ આ બ્રાન્ડની કેટલીક પ્રોડક્ટની સુરક્ષા અને નિયમનકારી મંજૂરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ગ્રાહકોને આવી ક્રીમનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે. કોઈપણ કોસ્મેટિક પ્રોડક્ટ ખરીદતાં પહેલાં તેના ઉત્પાદક, સામગ્રી, બેચ નંબર અને એક્સપાયરી ડેટની માહિતી તપાસવી જરૂરી છે.
કિડની અને નર્વસ સિસ્ટમને થઈ શકે છે નુકસાન
લાંબા સમય સુધી આવી પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ત્વચામાં બળતરા, ખંજવાળ, લાલાશ અને ત્વચા પાતળી થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
આ ઉપરાંત, પારાના સંપર્કમાં આવવાથી કિડની અને નર્વસ સિસ્ટમ પર અસર થઈ શકે છે. સીસું પણ શરીરના મહત્ત્વના અંગો અને મગજને નુકસાન પહોંચાડી શકે છે.
આથી ત્વચાનો રંગ ગોરો કરવાની લાલચમાં આવી ક્રીમનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.
