Government Media: સરકારનો મોટો નિર્ણય! PIB અને CBC હવે એક જ સંગઠન હેઠળ

📅 Published: November 15, 2026 | 📂 Category: India National

કેન્દ્ર સરકારે પોતાની માહિતી, જાહેરાત અને પ્રચાર વ્યવસ્થામાં મોટો વહીવટી ફેરફાર કર્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ કમ્યુનિકેશન (CBC)ને એક જ સંગઠન હેઠળ લાવવાનો આદેશ આપ્યો છે. બંને સંસ્થાઓ હવે એકીકૃત માળખા હેઠળ ‘પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો’ના નામથી કામ કરશે. આ નિર્ણયથી સરકારની મીડિયા સાથેની કામગીરી, જાહેરાતો, પ્રચાર અને જનસંપર્કની પ્રવૃત્તિઓને એક જ વહીવટી માળખા હેઠળ લાવવાનો માર્ગ તૈયાર થયો છે.

PIB અને CBCની ભૂમિકા શું છે?

PIB એટલે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો. આ સંસ્થા કેન્દ્ર સરકારની નીતિઓ, નિર્ણયો અને યોજનાઓ અંગે મીડિયા સુધી માહિતી પહોંચાડવાનું કામ કરે છે. પ્રેસ રિલીઝ જાહેર કરવી, પત્રકાર પરિષદોનું આયોજન અને સરકારી વિભાગો તથા મીડિયા વચ્ચે સંકલન કરવું તેની મુખ્ય જવાબદારીઓમાં સામેલ છે. 

બીજી તરફ, CBC એટલે સેન્ટ્રલ બ્યુરો ઑફ કમ્યુનિકેશન. આ સંસ્થા કેન્દ્ર સરકારની જાહેરાતો, પ્રચાર અભિયાન અને જનજાગૃતિનાં કાર્યક્રમો સંભાળે છે. અખબારો, ટીવી, રેડિયો, ડિજિટલ માધ્યમો અને આઉટડોર જાહેરાતો દ્વારા સરકારી યોજનાઓનો પ્રચાર કરવાની જવાબદારી CBC પાસે રહી છે. 

હવે બંને સંસ્થાઓ એક જ સંગઠન હેઠળ આવવાથી સરકારની માહિતી પહોંચાડવાની અને જાહેરાત-પ્રચારની કામગીરીને એક માળખામાં લાવવામાં આવશે.

નવી વ્યવસ્થાની જવાબદારી કોને સોંપાઈ?

નવી સંસ્થાના દિલ્હી મુખ્યાલયનું નેતૃત્વ PIBના ડિરેક્ટર જનરલ (કોર્ડિનેશન) કરશે. તેઓ કોમ્યુનિકેશન બોર્ડના ચેરમેનને રિપોર્ટ કરશે. બંને જૂની સંસ્થાઓના એડિશનલ ડિરેક્ટર જનરલ (ADG) કક્ષાના ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસના અધિકારીઓ પણ હવે ડિરેક્ટર જનરલ (કોર્ડિનેશન) હેઠળ કામ કરશે. આ જવાબદારી માટે આર. કે. જૈનની નિમણૂક કરવામાં આવી છે. તેઓ અગાઉ ઓલ ઇન્ડિયા રેડિયોની ન્યૂઝ સર્વિસિસ ડિવિઝનમાં ડિરેક્ટર જનરલ (ન્યૂઝ) તરીકે કાર્યરત હતા. તેમની પાસે ઓલ ઇન્ડિયા રેડિયોના ડિરેક્ટર જનરલનો વધારાનો હવાલો પણ હતો. દિલ્હીમાં વિવિધ મંત્રાલયો અને સરકારી વિભાગોમાં નિયુક્ત કોમ્યુનિકેશન એન્ડ મીડિયા કોઓર્ડિનેટર્સ પણ હવે આ નવી વ્યવસ્થામાં ડિરેક્ટર જનરલ (કોર્ડિનેશન)ને રિપોર્ટ કરશે.

જાહેરાત અને પ્રચારની કામગીરીમાં શું બદલાશે?

નવી વ્યવસ્થામાં જાહેરાત, ઓડિયો-વિઝ્યુઅલ પ્રચાર, આઉટડોર પબ્લિસિટી, ન્યૂ મીડિયા, સોશિયલ મીડિયા, સંશોધન, ફેક્ટ ચેકિંગ, પ્રદર્શનો અને જનસંપર્ક કાર્યક્રમો જેવી કામગીરી એક જ સંગઠન હેઠળ લાવવામાં આવી છે.

અલગ-અલગ અધિકારીઓને તેમની જવાબદારી પ્રમાણે કામગીરી સોંપવામાં આવી છે. તેમાં પ્રિન્ટ જાહેરાતો, જાહેરાતના દર, પુસ્તિકાઓનું પ્રકાશન અને વિતરણ, ટીવી-રેડિયો માટેની સામગ્રી, સોશિયલ મીડિયા અને મંત્રાલયોની મીડિયા યોજના જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ફેરફારથી સરકારનાં વિવિધ મંત્રાલયો માટે પ્રેસ રિલીઝ, પત્રકાર પરિષદો, અખબારી જાહેરાતો અને ડિજિટલ પ્રચાર વચ્ચે વધુ સંકલન થઈ શકે છે.

અખબારો અને જાહેરાત એજન્સીઓ પર તાત્કાલિક અસર થશે?

આ નિર્ણય બાદ મીડિયા અને જાહેરાત ક્ષેત્રમાં સૌથી મોટો સવાલ એ છે કે સરકારી જાહેરાતોના દર, મીડિયા એમ્પેનલમેન્ટ અને જાહેરાતના બજેટમાં ફેરફાર થશે કે નહીં. હાલમાં બહાર પાડવામાં આવેલા એકીકરણના આદેશમાં જાહેરાતના દર, મીડિયા એમ્પેનલમેન્ટની નીતિ કે સરકારી જાહેરાતોના બજેટમાં ફેરફાર જાહેર કરવામાં આવ્યો નથી. એટલે હાલનો નિર્ણય મુખ્યત્વે વહીવટી માળખાના એકીકરણ પૂરતો છે. ભવિષ્યમાં વ્યાપારી વ્યવસ્થામાં કોઈ ફેરફાર થાય તો તેના માટે અલગ સૂચના અથવા નીતિગત આદેશ જરૂરી રહેશે. આ ફેરફારની અસર અખબારો, ટીવી ચેનલો, ડિજિટલ પ્લેટફોર્મ, જાહેરાત એજન્સીઓ અને સરકારી પ્રચારનું કામ કરતી કંપનીઓ પર પડી શકે છે. જોકે, તેમની હાલની વ્યવસ્થામાં તાત્કાલિક ફેરફાર થયો હોવાનું કહી શકાય નહીં.

2022થી ચાલી રહી હતી એકીકરણની પ્રક્રિયા

PIB અને CBCને નજીક લાવવાની પ્રક્રિયા નવી નથી. વર્ષ 2022માં સરકારે બંને સંસ્થાઓની પ્રાદેશિક અને ફિલ્ડ કચેરીઓનું કાર્યાત્મક એકીકરણ શરૂ કર્યું હતું. તે સમયે બંને સંસ્થાઓના અધિકારીઓને એકબીજાની જવાબદારીઓ વહેંચીને કામ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે નવા આદેશથી આ પ્રક્રિયાને દિલ્હી મુખ્યાલય સુધી લંબાવવામાં આવી છે. શરૂઆતમાં મુખ્યાલયનું એકીકરણ લાગુ થશે અને ત્યારબાદ રાજ્ય તથા શાખા કચેરીઓમાં તબક્કાવાર અમલ કરવામાં આવશે.

આમ, કેન્દ્ર સરકારની મીડિયા, જાહેરાત અને પ્રચાર વ્યવસ્થાને એક જ વહીવટી માળખા હેઠળ લાવવાનો આ મોટો ફેરફાર છે. હવે આ નવી વ્યવસ્થા હેઠળ બંને સંસ્થાઓની કામગીરી કેવી રીતે આગળ વધે છે તેના પર મીડિયા અને જાહેરાત ક્ષેત્રની નજર રહેશે.

આ પણ વાંચો: India Somalia Relations: દરિયાઈ લૂંટારુઓ અને આતંકવાદ સામે ભારત-સોમાલિયાની એકજૂટતા, જાણો શુ છે મામલો?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *